Video: "મારા પિતા રામવિલાસ પાસવાનનું દાયકાઓ જૂનું સપનું આજે પૂર્ણ થઈ રહ્યું છે" PM મોદીના બિહાર પ્રવાસ પર ભાવુક થયા ચિરાગ પાસવાન

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર પ્રવાસ અને ₹4,280 કરોડના ખર્ચે બનેલા 6-લેન 'નીતીશ સેતુ' સહિતની વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાને અત્યંત ભાવુક અને ઉત્સાહપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે તેમના સંસદીય ક્ષેત્રમાં વડાપ્રધાનનું આગમન તેમના માટે અત્યંત ગૌરવ અને ઉત્સાહનો દિવસ છે.

પિતા રામવિલાસ પાસવાનના સપનાનો કર્યો ઉલ્લેખ

જાહેરાત

પટનામાં મીડિયા સાથે વાત કરતા ચિરાગ પાસવાને પોતાના દિવંગત પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, "મારા માટે એ ચોક્કસપણે ઉત્સાહનો દિવસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા સંસદીય ક્ષેત્રમાં આવી રહ્યા છે અને બિહારને અનેક વિકાસ પરિયોજનાઓ સમર્પિત કરવા જઈ રહ્યા છે. આજનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે મારા નેતા અને મારા પિતા રામવિલાસ પાસવાનજીનું દાયકાઓ જૂનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે."

'પિતા જ્યાં પણ હશે, આજે ખુશ થશે'

કચ્ચી દરગાહ અને બિદુપુર વચ્ચે બનેલા આ 6-લેન પુલને કારણે હાજીપુર અને વૈશાલી વિસ્તાર સીધો પટનાની મુખ્યધારા સાથે જોડાઈ રહ્યો છે, જે રામવિલાસ પાસવાનનું વર્ષો જૂનું વિઝન હતું. આ અંગે ભાવુક થતા ચિરાગ પાસવાને ઉમેર્યું કે, "આજે જ્યારે આ સપનું હકીકતમાં બદલાઈ રહ્યું છે, ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે મારા પિતા જ્યાં પણ હશે, તે આ જોઈને ખૂબ જ ખુશ થશે."

બિહારના આર્થિક વિકાસને મળશે વેગ

ઉલ્લેખનીય છે કે 'નીતીશ સેતુ' શરૂ થવાથી ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે કૃષિ પેદાશો અને ઔદ્યોગિક માલસામાનની હેરફેર વધુ ઝડપી બનશે, જેનાથી સમગ્ર વિસ્તારના વેપાર-ધંધા અને આર્થિક વિકાસને મોટો ફાયદો થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત