PM મોદીના આમંત્રણ પર ભારત આવ્યા બાલેન્દ્ર શાહ, નેપાળમાં રાજદ્વારી પરંપરા તોડવા બદલ ટીકા

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ 22 નવેમ્બરના રોજ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર યોજાઈ રહેલી આ તેમની માર્ચ 2026માં પદભાર સંભાળ્યા બાદની પ્રથમ સત્તાવાર ભારત યાત્રા છે. જોકે, દિલ્હી આવતા પહેલા તેમણે નેપાળની વર્ષો જૂની રાજદ્વારી પરંપરાઓનું પાલન ન કરતા નેપાળના રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ અને ટીકા શરૂ થઈ છે.
રાષ્ટ્રપ્રમુખ અને વિપક્ષી દળોને અંધારામાં રાખવાનો આરોપ
રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને ન આપી માહિતી: નેપાળની પરંપરા મુજબ વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય તે પહેલા રાષ્ટ્રપ્રમુખને ઔપચારિક રીતે જાણ કરે છે. પરંતુ રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયના સૂત્રો મુજબ, PM બાલેન્દ્ર શાહે પોતાની ભારત યાત્રા અંગે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને કોઈ ઔપચારિક કે અનૌપચારિક જાણકારી આપી નથી. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા ન્યૂયોર્ક જતી વખતે પણ તેમણે રાષ્ટ્ર પ્રમુખને જાણ કરી ન હતી.
પૂર્વ PM અને રાજકીય પક્ષો સાથે પરામર્શની પરંપરા તૂટી: ભારત જેવા મહત્વપૂર્ણ પડોશી દેશની યાત્રા પહેલા પૂર્વ વડાપ્રધાનો, પૂર્વ વિદેશ મંત્રીઓ અને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાની પરંપરા રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી 'નેપાળી કોંગ્રેસ' ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બિશ્વપ્રકાશ શર્માએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર સહિયારો અભિપ્રાય બનાવવા માટે આ લોકતાંત્રિક પરંપરા જરૂરી હતી.
23 નવેમ્બરે PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક
34 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે નેપાળના વડાપ્રધાન ભારત પ્રવાસે આવ્યા છે. 34 સભ્યોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં નાણામંત્રી ડૉ. સ્વર્ણિમ વાગલે અને વિદેશ મંત્રી શિશિર ખનાલ સામેલ છે. દિલ્હીના મુખ્ય માર્ગોને ભારત અને નેપાળના રાષ્ટ્રધ્વજ તેમજ બંને વડાપ્રધાનોના પોસ્ટરોથી શણગારવામાં આવ્યા છે. રવિવારે તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે, જ્યારે સોમવારે 23 નવેમ્બરના રોજ હૈદરાબાદ હાઉસ ખાતે PM નરેન્દ્ર મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ઊર્જા, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ પર મહત્વપૂર્ણ સમજૂતીઓ થવાની અપેક્ષા છે.












