‘પોતાની નિષ્ફળતાઓ માટે બિઝનેસ સમુદાયને જવાબદાર ઠેરવ્યો’, PM નરેન્દ્ર મોદીના નિવેદન પર મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બિઝનેસ સમુદાય અને દેશની આર્થિક સ્થિતિને લઈને શાબ્દિક ટકરાવ જોવા મળ્યો છે. ગુરુવારે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના શતાબ્દી સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને કર્મચારીઓના પગાર અને રોજગારી વધારવા અંગે સવાલો કર્યા હતા. તેમના આ નિવેદન પર ખડગેએ વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો કે વડાપ્રધાન પોતાની સરકારની નિષ્ફળતાઓ માટે બિઝનેસ સમુદાયને જવાબદાર ઠેરવી રહ્યા છે.
PM મોદીએ ઉદ્યોગપતિઓને કર્યા સવાલ
FICCIના શતાબ્દી સંમેલનમાં બિઝનેસ જગતના દિગ્ગજોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારનું મુખ્ય ધ્યાન 'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' એટલે કે વ્યવસાય કરવાની સરળતા વધારવા પર રહ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2014માં મૂળ કોર્પોરેટ ટેક્સનો દર 30 ટકા હતો, જેને ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમણે આવકવેરામાં આપવામાં આવેલી રાહતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હાલમાં રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. આ મુદ્દે ઉદ્યોગપતિઓને સવાલ કરતાં મોદીએ પૂછ્યું હતું કે, શું તેમણે પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે? શું તેમણે કર્મચારીઓની સંખ્યા વધારીને રોજગારી ઊભી કરવામાં યોગદાન આપ્યું છે? વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે સરકાર તરફથી સુવિધાઓ અને રાહતો આપવામાં આવી હોવા છતાં બિઝનેસ સમુદાયની અપેક્ષાઓ પૂરી થતી નથી. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓનો અભિગમ એવો હોય છે કે સરકાર જ બધું કરે અને તેઓ માત્ર જોતા રહે.
ખડગેએ કહ્યું- 12 વર્ષ બાદ પોતાની નિષ્ફળતા યાદ આવી
વડાપ્રધાનના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આર્થિક ઉદારીકરણની જનની છે અને કોંગ્રેસ-UPAના શાસનકાળ દરમિયાન દેશમાં દાયકાનો સરેરાશ આર્થિક વિકાસ દર સૌથી વધુ રહ્યો હતો. ખડગેએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ FICCIના મંચ પરથી પોતાની સરકારની નિષ્ફળતાઓ માટે બિઝનેસ સમુદાયને જ જવાબદાર ઠેરવ્યો. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે વડાપ્રધાનનું ભાષણ સાંભળીને એવું લાગ્યું જાણે તેઓ વિપક્ષના નેતા હોય અને 12 વર્ષ બાદ ઊંઘમાંથી જાગ્યા હોય.
એક-બે ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આરોપ
ખડગેએ વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશાં અર્થતંત્રમાં તમામ માટે સમાન તક અને સ્વસ્થ સ્પર્ધાની હિમાયત કરી છે. પરંતુ મોદી સરકારે એક-બે પસંદગીના ઉદ્યોગપતિ મિત્રોને દેશનાં તમામ સંસાધનો સોંપવાનું કામ કર્યું છે. તેમના મતે, આ નીતિને કારણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ નાના વેપારીઓને મોટું નુકસાન થયું છે. સ્વસ્થ સ્પર્ધાના અભાવે નવીનતા (Innovation) પર અસર પડી છે, જ્યારે ઉત્પાદનની ગુણવત્તા અને ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક વિશ્વસનીયતા પણ નબળી પડી છે.
બેરોજગારી અને મોંઘવારી મુદ્દે પણ સરકારને ઘેરી
કોંગ્રેસ અધ્યક્ષે બેરોજગારી, બચતમાં ઘટાડો અને મોંઘવારીને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) નબળા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ખડગેએ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન પર કટાક્ષ કરતાં કહ્યું કે તે હવે 'બાય ફ્રોમ ચાઇના' બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના રાજકીય સ્વાર્થ માટે ભારતીય અર્થતંત્ર પર પસંદગીના મૂડીપતિઓનું વર્ચસ્વ ઊભું થવા દીધું છે. ખડગેના મતે, ભારતીય અર્થતંત્રનું આ રીતે પસંદગીના મૂડીપતિઓના હાથમાં કેન્દ્રીકરણ થવું દેશ સામેનો મોટો પડકાર અને આર્થિક આફત સમાન છે. વડાપ્રધાન મોદીના ઉદ્યોગપતિઓને રોજગારી અને પગાર વધારવા અંગેના સવાલો બાદ કોંગ્રેસ અધ્યક્ષના આકરા પ્રહારોને કારણે દેશની આર્થિક નીતિઓ અને રોજગારના મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.




