'ભાજપ અને સપા બંનેમાં કોઈ ફરક નથી!' ઓવૈસીનો અખિલેશ યાદવ પર પ્રહાર, કહ્યું- સપા હિન્દુત્વની રાજનીતિ અપનાવી ચૂકી છે

હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવ પર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. એક કાર્યક્રમમાં તેમણે ભાજપ અને સપામાંથી પોતાનો અસલી દુશ્મન કોણ છે તે અંગે પણ વાત કરી હતી. ઓવૈસીએ કહ્યું કે જે બંધારણની ધજ્જિયાં ઉડાવી રહ્યો છે, તે તેમનો નંબર-1 દુશ્મન છે. તેમણે એવો દાવો પણ કર્યો કે અખિલેશ યાદવ હિન્દુત્વની રાજનીતિ અપનાવી ચૂક્યા છે.
ઓવૈસીએ કહ્યું, “એક જ સિક્કાની બે બાજુઓ છે. એક તરફ ભાજપ છે, તો બીજી તરફ એવા લોકો છે જે આપણને ખતમ કરવા માગે છે. બંને વચ્ચે કોઈ ફરક નથી. આ માત્ર દેખાડાની મોહબ્બત છે. અખલાકની હત્યા કોના શાસનકાળમાં થઈ હતી? હું તેમના ઘરે ગયો હતો. તમે ગયા હતા? નહીં ગયા ને? મારો દુશ્મન એ છે જે બંધારણનો દુશ્મન છે.”
અખિલેશ યાદવને મુસ્લિમ વિરોધી ગણાવ્યા
અખિલેશ યાદવ પર નિશાન સાધતાં ઓવૈસીએ કહ્યું, “અખિલેશ યાદવે છેલ્લે ક્યારે 'મુસલમાન' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, તે જઈને પૂછી જુઓ. લગભગ દોઢ વર્ષ પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં રસ્તા પર મુસ્લિમો નમાજ પઢી રહ્યા હતા અને એક પોલીસકર્મીએ તેમને લાત મારી હતી. અખિલેશ યાદર પાસે એટલી પણ તૌફીક નહોતી કે મુસ્લિમને કોઈએ લાત મારી હોવા છતાં તેમણે માત્ર એટલું લખ્યું કે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા અને તેમને લાત મારવામાં આવી.”
'સપા હિન્દુત્વની રાજનીતિ અપનાવી ચૂકી છે'
ઓવૈસીએ વધુમાં દાવો કર્યો કે સમાજવાદી પાર્ટી હિન્દુત્વની રાજનીતિ અપનાવી ચૂકી છે. આ દાવાના સમર્થનમાં તેમણે કહ્યું કે ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર ભાજપને સમર્થન આપતા ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા, તેમના પુત્રને સપાએ ટિકિટ આપી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે આ વ્યક્તિ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે.
ઓવૈસીએ કહ્યું, “આખી દુનિયા જાણે છે કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાણ બહાર એક પંખી પણ પાંખ ફફડાવી શકતું નથી. તેમ છતાં તમે તેમને રાજ્યસભાની ટિકિટ આપો છો અને અમને સવાલ કરો છો.”
તેમણે અખિલેશ યાદવની ચૂંટણીલક્ષી કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ઓવૈસીએ કહ્યું કે અખિલેશ યાદવને ક્યારેય પૂછવામાં આવ્યું છે કે તેમણે 13 રાજ્યોમાં ચૂંટણી લડી છે? તેઓ આંધ્રપ્રદેશમાં પણ ચૂંટણી લડવા ગયા હતા. દેશભરમાં 637 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 114 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, આ 114 બેઠકોમાંથી 111 બેઠકો ઉત્તર પ્રદેશમાં હતી.








