નજીકના સગા સાથે લગ્નના મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર, સમાજમાં જાગૃતિ લાવવા સૂચન

નજીકના સગા સાથે લગ્નના મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર, સમાજમાં જાગૃતિ લાવવા સૂચન
તસવીર: Google
આ સમાચાર સાંભળો

નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે થતા લગ્ન એટલે કે કૉન્સૅન્ગ્વિનિયસ મેરેજને કારણે આવનારી પેઢી એટલે કે બાળકોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અંગે સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે સ્વીકાર્યું છે કે, રક્ત સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાથી થતા સંભવિત નુકસાન વિશે સમાજમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આ મર્યાદિત મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

પ્રજ્ઞાચક્ષુ લો સ્ટુડન્ટે દાખલ કરી અરજી

જાહેરાત

આ સમગ્ર મામલો બેંગલુરુની રહેવાસી પ્રજ્ઞાચક્ષુ કાયદાની વિદ્યાર્થિની ચાર્વી એસ. દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. અરજીમાં જણાવાયું છે કે તેના માતા-પિતા નજીકના સંબંધીઓ હતા, જેના કારણે તેને જન્મજાત જેનેટિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ મામલે સુનાવણી કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અદાલત આ પ્રકારના લગ્નો પર કોઈ પ્રતિબંધ મૂકી શકે નહીં, કારણ કે આ અંગે કાયદો બનાવીને નિર્ણય લેવો એ સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

કેન્દ્ર સરકારને કોર્ટનો મહત્વનો નિર્દેશ

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે લગ્ન કરવા એ દરેક વ્યક્તિની અંગત પસંદગી છે અને અદાલત તેના પર બળજબરીથી રોક લગાવી શકે નહીં. જોકે, આવા નિર્ણયની સ્વાસ્થ્ય પર શું અસર પડી શકે છે તેની જાણકારી લોકોને હોવી જોઈએ. બેંચના અન્ય સભ્ય જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે લગ્નનો નિર્ણય સંપૂર્ણ સમજદારી અને જાણકારી સાથે લેવાવો જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે આ મુદ્દે કાયદો બનાવવા અથવા શાળા-કોલેજના અભ્યાસક્રમ અને અન્ય માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવા પર વિચાર કરે.

દક્ષિણ ભારતમાં સંબંધીઓમાં લગ્ન કરવાનું ચલણ 28%

અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં નજીકના સંબંધીઓમાં લગ્ન કરવાનું ચલણ 28 ટકા સુધી છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો તેનાથી થતા સ્વાસ્થ્ય સંબંધિત જોખમોથી અજાણ છે. આ બાબતે ચીફ જસ્ટિસે સૂચન કર્યું હતું કે જાગૃતિ અભિયાનમાં આંગણવાડી કાર્યકરો અને ગ્રામ પંચાયતોની મદદ પણ લઈ શકાય છે. કોર્ટે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વધારવા અને લોકોને સંભવિત નુકસાનની સાચી માહિતી આપવા પર ભાર મૂક્યો હતો.

વર્તમાન કાયદાઓમાં શું છે જોગવાઈ?

જો હાલના કાયદાઓની વાત કરવામાં આવે તો, મુસ્લિમ પર્સનલ લોમાં નજીકના સંબંધીઓ વચ્ચેના આવા લગ્નોને માન્યતા આપવામાં આવી છે. બીજી તરફ, હિન્દુ મેરેજ એક્ટની કલમ 5(iv) અને 5(v) હેઠળ અમુક ચોક્કસ સંબંધોમાં લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સિવાય કે જે-તે સમુદાયની માન્ય પરંપરા કે રિવાજ તેની પરવાનગી આપતા હોય.

આ સમાચાર શેર કરો

જાહેરાત