મુખ્ય સામગ્રી પર જાઓ

અભિજીત દીપકેના નજીકના સાથી સૌરભ દાસે કહ્યું- અમે તો માનવ બોમ્બ જેવા છીએ, ગમે ત્યાં ફૂટી જઈએ છીએ.

અભિજીત દીપકેના નજીકના સાથી સૌરભ દાસે કહ્યું- અમે તો માનવ બોમ્બ જેવા છીએ, ગમે ત્યાં ફૂટી જઈએ છીએ.
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક અને અભિજીત દીપકેના નજીકના સાથી સૌરભ દાસે પોતાના એક નિવેદનને લઈને ચર્ચા જગાવી છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, "અમે તો સરકાર માટે માનવ બોમ્બ જેવા છીએ, ગમે ત્યાં ફૂટી જઈએ છીએ." તિહાડ જેલમાં એક અઠવાડિયું વિતાવીને બહાર આવેલા સૌરભ દાસે હવે પોતાના આગામી લક્ષ્યાંક અંગે પણ ખુલાસો કર્યો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પોતાનો નંબર-વન ટાર્ગેટ ગણાવ્યા છે અને તેમનું રાજીનામું મેળવ્યા વિના આંદોલન અટકશે નહીં તેવો સંકેત આપ્યો છે.

'તિહાડ જેલમાં સમય વિતાવવાની મજા આવી'

'રેડ માઇક'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરભ દાસે તિહાડ જેલમાં વિતાવેલા સમય અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "મને તિહાડમાં મારો સમય ગમ્યો. એકાંતમાં રહેવાની પણ મજા આવી." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જેલમાં કંટાળો નહોતો આવતો? ત્યારે તેમણે કહ્યું કે ગેજેટ્સની જરૂરિયાત ચોક્કસ અનુભવાતી હતી, કારણ કે તેમનું આંદોલન મુખ્યત્વે ઓનલાઇન માધ્યમથી ચાલે છે. તેમણે જણાવ્યું કે એક સમયે તેઓ બે ફોનનો ઉપયોગ કરતા હતા, પરંતુ તિહાડ જેલમાં રહ્યા ત્યારે તેમને ફોનની ખાસ યાદ આવી નહોતી.

'સાત મહિના કે સાત વર્ષ રહેવું પડે તો પણ રહી લેત'

જેલમાં જતી વખતે મનમાં શું વિચારો આવતા હતા તે અંગે સૌરભ દાસે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે સાત મહિના કે સાત વર્ષ સુધી તિહાડમાં રહેવું નહીં પડે. જોકે, જો રહેવું પડત તો તેઓ તેના માટે પણ તૈયાર હતા. તેમણે તિહાડ જેલના વાતાવરણ અંગે પણ પોતાનો અનુભવ જણાવ્યો હતો. દાસના જણાવ્યા અનુસાર, જેલની બહારથી જે ભયાનક છબી મનમાં હતી, વાસ્તવિકતા તેનાથી અલગ હતી. ત્યાં સારી વ્યવસ્થા, ખુલ્લી જગ્યા અને હરિયાળી જોવા મળી હતી. તેમણે કહ્યું કે જેલમાં પ્રવેશતી વખતે તેઓ વિચારી રહ્યા હતા કે ભવિષ્યમાં પુસ્તક લખશે ત્યારે જેલના દરવાજા અને ત્યાંના અનુભવનું વર્ણન કરશે.

ક્રિમિનલ કાવતરાના કેસ અંગે પણ કરી રમૂજી ટિપ્પણી

ઇન્ટરવ્યૂ દરમિયાન જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન અને તેમની સામે નોંધાયેલા ક્રિમિનલ કાવતરાના કેસનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇન્ટરવ્યૂ લેનારાઓએ રમૂજી અંદાજમાં તેમના હાથમાં રહેલા ઝંડા અને પાછળ RDX હોવાની વાત કરી હતી. તેના જવાબમાં સૌરભ દાસ હસી પડ્યા હતા અને કહ્યું હતું કે, "અમે તો સરકાર માટે હ્યુમન બોમ્બ (માનવ બોમ્બ) જેવા છીએ, ગમે ત્યાં જઈને ફૂટી જઈએ છીએ." તેમણે વધુમાં જણાવ્યું કે આંદોલન સાથે જોડાયા ત્યારથી જ મનમાં હતું કે સરકાર તેમને જેલમાં તો મોકલશે જ, પરંતુ આટલા દિવસો સુધી જેલમાં રહેવું પડશે તેવી કલ્પના નહોતી કરી. ઉલ્લેખનીય છે કે સૌરભ દાસ CJPના ટોચના ત્રણ નેતાઓમાં સામેલ છે અને અભિજીત દીપકેના નજીકના સાથી તરીકે ઓળખાય છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે જ્ઞાનેશ કુમારના રાજીનામાને પોતાનું મુખ્ય લક્ષ્ય જાહેર કર્યું છે.

આ સમાચાર શેર કરો