UPમાં 2027ની ચૂંટણી માટે અમિત શાહે ફૂંક્યું રણશિંગુ, કહ્યું- 'ફરી પ્રચંડ બહુમતીથી સરકાર બનાવીશું'

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ અત્યારથી જ તૈયારીઓને તેજ કરી દીધી છે. લખનઉમાં આયોજિત ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ કાર્યસમિતિની મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્ય વક્તા તરીકે મોરચો સંભાળ્યો હતો અને પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો હતો.
અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત કાર્યકરોનું સન્માન કરીને કરી હતી. તેમણે ભાજપના તમામ કાર્યકરોને 'માલિક' કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ભાજપના માલિક દેવતુલ્ય કાર્યકરોને મારા રામ-રામ." શાહે જણાવ્યું હતું કે ભાજપની અસલી તાકાત તેનો બૂથ સ્તરનો કાર્યકર છે, જેના દમ પર પાર્ટીએ દેશ અને રાજ્યમાં ઐતિહાસિક જીત નોંધાવી છે.
CM યોગીના કર્યા વખાણ, UCC લાગુ કરવાનો વાયદો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં વખાણ કરતાં અમિત શાહે કહ્યું કે, "2019માં યોગીજીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે પહેલાં માફિયાઓએ ઉત્તર પ્રદેશને જકડી રાખ્યું હતું. હું યોગીજીને અભિનંદન આપવા માગું છું. તેમણે કડક શાસન આપીને ઉત્તર પ્રદેશને માફિયાઓથી મુક્ત કરાવ્યું છે." તેમણે વધુમાં કહ્યું કે, "મિત્રો, અહીં પહેલાં તુષ્ટિકરણની રાજનીતિ ચાલતી હતી. સાડા પાંચસો વર્ષથી રામ મંદિર બની શક્યું નહોતું, પરંતુ મોદીજી આવ્યા અને રામ મંદિરનું નિર્માણ થયું. જ્યારે કલમ 370ની વાત થતી હતી ત્યારે લોકો કહેતા હતા કે નદીઓમાં લોહી વહેશે. હવે અનેક રાજ્યોમાં UCC લાગુ થઈ ચૂક્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપની સરકાર બનાવો, અમે અહીં UCC લાગુ કરીશું."
સપા પર અમિત શાહના આકરા પ્રહાર
સમાજવાદી પાર્ટી (સપા) પર આકરા પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે, આજે એ જ દિવસ છે જ્યારે મુલાયમ સિંહ યાદવની સરકાર દરમિયાન રામભક્તો અને કારસેવકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તે સમયે સરયૂ નદીનું પાણી રામભક્તોના લોહીથી લાલ થઈ ગયું હતું. સપા પ્રમુખ અખિલેશ યાદવ પર નિશાન સાધતાં શાહે કહ્યું હતું કે, "અખિલેશ બાબુ, તમે કયા મોઢે રાજ્યમાં સરકાર બનાવવાની વાત કરો છો?" તેમણે હુંકાર કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર 'અંગદના પગ' સમાન છે, જેને કોઈ હટાવી શકે તેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે. અમિત શાહે વધુમાં કહ્યું કે, "કલ્યાણ સિંહે પોતાની સરકારની ચિંતા કર્યા વિના અયોધ્યામાં કારસેવાની મંજૂરી આપી હતી અને વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું."
2017 અને 2022ની જીત યાદ અપાવી, કાર્યકરોને આપી સલાહ
અમિત શાહે 2017ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "આજે હું તમને કાર્યકરોને યાદ અપાવવા આવ્યો છું કે આ તમે જ લોકો છો, જેમણે ઉત્તર પ્રદેશમાં ભાજપને રેકોર્ડ બેઠકો અપાવી હતી. 2017માં 40 ટકા મત સાથે 312 બેઠકો અપાવી હતી. 2022માં પણ 41 ટકા મત મળ્યા હતા અને બહુમતીના આંકડા કરતાં ઘણી વધારે બેઠકો મેળવી હતી." તેમણે કાર્યકરોને અર્જુનની જેમ માછલીની આંખ પર નિશાન રાખવાની સલાહ આપતાં કહ્યું કે, "કમર કસી લો અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની છે. હવે ત્રીજી વખત ભાજપની સરકાર બનાવવાનો સમય છે. હું તમને યાદ અપાવવા આવ્યો છું કે ભાજપના નેતાઓ પણ સૌથી પહેલાં કાર્યકરો જ છે."
2,850 દિગ્ગજ નેતાઓની હાજરીમાં ચૂંટણીની રણનીતિ તૈયાર
તમને જણાવી દઈએ કે લખનઉમાં આયોજિત આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં સંગઠન અને સરકારના આશરે 2,850 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં ઉત્તર પ્રદેશમાંથી કેન્દ્ર સરકારમાં સામેલ મંત્રીઓ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
2027ની ચૂંટણી ભાજપ માટે પડકાર
ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ પડકાર માનવામાં આવી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી હતી. ત્યારબાદ 2022માં પણ પાર્ટી સત્તામાં વાપસી કરવામાં સફળ રહી હતી, જોકે 2017ની સરખામણીએ તેની બેઠકોની સંખ્યા ઘટી હતી. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના સારા પ્રદર્શનને કારણે રાજ્યમાં રાજકીય મુકાબલાનું ચિત્ર બદલાયું હતું.
આવી સ્થિતિમાં 2027ની ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાની સાથે સંગઠન અને સામાજિક સમીકરણોને મજબૂત કરવાનો પડકાર ભાજપ સામે છે. આ જ કારણ છે કે પાર્ટીએ ચૂંટણીના ઘણા સમય પહેલાંથી જ સંગઠનાત્મક બેઠકો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પર ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે. લખનઉમાં યોજાયેલી પ્રદેશ કાર્યસમિતિની બેઠકને પણ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.










