પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકને ભારતનો મોટો ઝટકો! SCO બેઠક માટે દિલ્હી આવેલા મંત્રીએ આગ્રા અને દરગાહ જવાની માંગી પરવાનગી, સરકારે ચોખ્ખી ના પાડી દીધી!

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવેલા પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુસાદિક મસૂદ મલિકને ભારત સરકારે મોટો ઝટકો આપ્યો છે. મુસાદિક મલિકે તેમની ભારત મુલાકાત દરમિયાન આગ્રા સ્થિત તાજમહેલ અને દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ભારત સરકારે તેમને આ માટે પરવાનગી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકે આગ્રા જઈને તાજમહેલ નિહાળવા અને દિલ્હીમાં નિઝામુદ્દીન દરગાહ પર ચાદર ચઢાવવા માટે મંજૂરી માંગી હતી. જોકે, ભારત સરકારે તેમની આ વિનંતીને ફગાવી દીધી છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાકિસ્તાની મંત્રીને વિઝા માત્ર SCO સિવિલાઈઝેશન્સ ડાયલોગ ફોરમની બેઠકમાં હાજરી આપવા માટે જ આપવામાં આવ્યા છે, કોઈ પ્રવાસન કે અંગત મુલાકાત માટે નહીં.
2023 બાદ પ્રથમ વખત પાકિસ્તાની મંત્રી ભારત આવ્યા
ઉલ્લેખનીય છે કે 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે SCO સિવિલાઈઝેશન્સ ડાયલોગ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે મુસાદિક મલિક ભારત આવ્યા છે. વર્ષ 2023માં તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવામાં યોજાયેલી SCO બેઠકમાં આવ્યા હતા, ત્યારબાદ પ્રથમ વખત કોઈ પાકિસ્તાની મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે.
ભારત વિરોધી નિવેદનોને કારણે વિવાદમાં રહ્યા છે મલિક
મુસાદિક મલિક અગાઉ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને 'હાથ કાપી નાખવાની' ધમકીભરી ભાષામાં નિવેદન આપીને ભારે વિવાદમાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ વલણ અપનાવતા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ માત્ર SCO બેઠક પૂરતી જ મંજૂરી આપી છે, અને અન્ય સ્થળોની મુલાકાત પર રોક લગાવી દીધી છે.








