ખેડૂતોને ‘ખાલિસ્તાની’, વિદ્યાર્થીઓને ‘પાકિસ્તાની’ કહેવામાં આવે છે, માંગણી કરનારાઓને મળે છે ગાળો અને ધરપકડ: ગૌરવ ગોગોઈનો કેન્દ્ર પર પ્રહાર

ખેડૂતોને ‘ખાલિસ્તાની’, વિદ્યાર્થીઓને ‘પાકિસ્તાની’ કહેવામાં આવે છે, માંગણી કરનારાઓને મળે છે ગાળો અને ધરપકડ: ગૌરવ ગોગોઈનો કેન્દ્ર પર પ્રહાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો હતો કે દેશમાં જ્યારે પણ કોઈ વર્ગ પોતાના અધિકારો અને માગણીઓ માટે અવાજ ઉઠાવે છે, ત્યારે તેની વાત સાંભળવાને બદલે તેને નિશાન બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે દેશના યુવાનો, ખાસ કરીને જનરેશન-ઝેડ (Gen-Z) અને સમાજના દરેક વર્ગને રાજકારણ પાસેથી પ્રામાણિકતા અને સત્યની અપેક્ષા છે, પરંતુ વિરોધ કરનારાઓને સન્માન આપવાને બદલે અપમાન અને કાર્યવાહીનો સામનો કરવો પડે છે.

ખેડૂતો અને વિદ્યાર્થીઓને અપમાનજનક સંબોધનનો આક્ષેપ

મીડિયા સાથેની વાતચીતમાં ગૌરવ ગોગોઈએ કહ્યું કે ખેડૂતો પોતાની માગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરે ત્યારે તેમને ‘ખાલિસ્તાની’ કહેવામાં આવે છે. જ્યારે શિક્ષણ સંબંધિત મુદ્દાઓ ઉઠાવતા વિદ્યાર્થીઓને ‘પાકિસ્તાની’ ગણાવવામાં આવે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે બેરોજગાર યુવાનો રોજગારની માગણી કરે અને મજૂરો પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે ત્યારે તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ બની હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ગોગોઈએ કહ્યું કે માત્ર વાતો કરવી સરળ છે, પરંતુ જ્યારે સમાજના અલગ-અલગ વર્ગો પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરે છે, ત્યારે તેમને જવાબમાં ગાળો અને ધરપકડનો સામનો કરવો પડે છે.

જાહેરાત

સોનિયા ગાંધીના પુસ્તકના પાનાં ફાડવાની ઘટના પર પ્રતિક્રિયા

આ દરમિયાન શિવસેનાના નેતાઓ દ્વારા સાવરકર અંગેની ટિપ્પણીઓના વિરોધમાં સોનિયા ગાંધીના પુસ્તકનાં પાનાં ફાડવામાં આવ્યા હોવાની ઘટના અંગે પણ ગૌરવ ગોગોઈએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ શિક્ષણ અને જ્ઞાનનું સન્માન કરે છે. તેમના મતે, સોનિયા ગાંધીનું પુસ્તક ઘણા લોકોને પ્રેરણા આપી શકે છે. તેમણે ઉમેર્યું કે વ્યક્તિ મોટા આઘાત બાદ પણ કેવી રીતે સક્રિય રહી શકે, દેશની સેવા કરી શકે, પરિવારને એકજૂથ રાખી શકે અને મુશ્કેલીઓ વચ્ચે પણ હસતાં રહી શકે તે બાબતોમાંથી પ્રેરણા મળે છે. ગોગોઈએ કહ્યું કે આ પુસ્તકમાં ઘણા લોકોને માત્ર પ્રેરણા અને દેશભક્તિ જ જોવા મળશે અને તેમાં વાંધાજનક કંઈ નથી.

કોલંબિયા યુનિવર્સિટીના નિવેદનો મુદ્દે પણ ભાજપ પર પ્રહાર

કોલંબિયા યુનિવર્સિટીમાં આપવામાં આવેલા નિવેદનોને લઈને ભાજપ દ્વારા લોકસભામાં વિપક્ષના નેતા પર કરવામાં આવેલી ટીકા અંગે પણ ગૌરવ ગોગોઈએ જવાબ આપ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ લોકશાહીમાં લોકોના અવાજથી ડરે છે અને લોકોના પ્રશ્નો પૂછવાના અધિકારને દબાવવા માગે છે. કોંગ્રેસ સાંસદના આ નિવેદનથી ફરી એકવાર કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત