બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી: અવામી લીગના લોકડાઉનના એલાન વચ્ચે બોમ્બ વિસ્ફોટ અને આગચંપી

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી: અવામી લીગના લોકડાઉનના એલાન વચ્ચે બોમ્બ વિસ્ફોટ અને આગચંપી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બાંગ્લાદેશમાં 2024ના વિદ્યાર્થી આંદોલન બાદ ફરી એકવાર રાજકીય તણાવ વધી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા ગુરુવારે દેશવ્યાપી ‘ડૉન-ટુ-ડસ્ક’ (સવારથી સાંજ સુધી) લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં આગચંપી, તોડફોડ, બોમ્બ વિસ્ફોટ અને પોલીસ સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. ગારમેન્ટ ઉદ્યોગના કામદારોના આંદોલનને કારણે પણ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે.

અવામી લીગની 8 મુખ્ય માંગણીઓ

વર્ષ 2024માં સત્તા ગુમાવ્યા બાદ શેખ હસીના ભારત આવી ગયા હતા. ત્યારબાદ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે અવામી લીગ અને તેના સહયોગી સંગઠનો જુબો લીગ તથા છાત્ર લીગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે શેખ હસીનાની સંભવિત વાપસીની અટકળો વચ્ચે પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અવામી લીગે 14થી 19 નવેમ્બર સુધીના પાંચ દિવસીય વિરોધ કાર્યક્રમ અંતર્ગત આઠ માંગણીઓ રજૂ કરી છે. તેમાં પાર્ટી પરથી પ્રતિબંધ હટાવવો, ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ નાબૂદ કરવું, ખોટા કેસ પાછા ખેંચવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા, મોંઘવારી પર નિયંત્રણ લાવવું અને બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરવાનો સમાવેશ થાય છે. ગુરુવારના લોકડાઉન દરમિયાન એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ફાર્મસી, ફાયર બ્રિગેડ અને મીડિયા સેવાઓ સિવાય પરિવહન, દુકાનો, બેંકો, અદાલતો તથા શાળા-કોલેજો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

જાહેરાત

શેખ હસીનાના ગઢ ગોપાલગંજમાં તોડફોડ અને આગચંપી

શેખ હસીનાના જન્મસ્થળ તુંગીપારા આવેલા ગોપાલગંજ જિલ્લામાં અવામી લીગના વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. રવિવારે લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે રસ્તા પર ઉતરેલા ટોળાએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા હતા. બખ્તરબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને ‘જુલાઈ મેમોરિયલ’ને આગ ચાંપવામાં આવી હતી. ઓગસ્ટ 2024થી બંધ પડેલી અવામી લીગની જિલ્લા કચેરી પણ ફરી ખોલવામાં આવી હતી. આ ઉપરાંત બીએનપી (BNP)ના નેતાઓનાં ઘરો પર હુમલા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ બની હતી. સોમવારે 100થી વધુ કાર્યકરોએ માર્ચ કાઢીને શેખ મુજીબુર રહમાનની સમાધિ સુધી કૂચ કરી હતી.

પોલીસ સ્ટેશન પર હુમલો, કેદીઓને છોડાવ્યાનો દાવો

મંગળવારે કાર્યકરોની ધરપકડ બાદ તુંગીપારામાં હિંસા વધુ વકરી હતી. મસ્જિદના લાઉડસ્પીકર પરથી જાહેરાત થયા બાદ એકઠા થયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પોલીસ સ્ટેશનની ઇમારત, નવ પોલીસ વાહનો અને 15 બાઈકને આગ ચાંપવામાં આવી હતી. હુમલાખોરોએ અનેક કેદીઓને છોડાવી લીધા હોવાની સાથે પોલીસનાં હથિયારો પણ લૂંટી લીધા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બુધવારે પણ રસ્તાઓ પર ઝાડ અને વાંસ નાખીને વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો.

28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ, ગારમેન્ટ કામદારોનું આંદોલન

હિંસાની ઘટનાઓ ગોપાલગંજ પૂરતી મર્યાદિત રહી નથી. છેલ્લા 10 દિવસમાં બાંગ્લાદેશના ઓછામાં ઓછા 28 જિલ્લામાં ડઝનબંધ દેશી બોમ્બ વિસ્ફોટ અને વાહનો સળગાવવાની ઘટનાઓ નોંધાઈ છે. ઢાકા યુનિવર્સિટી અને હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પણ દેશી બોમ્બ ફૂટ્યા હતા. ગ્રામીણ બેંકની 37 શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. બીજી તરફ, ગાઝીપુર, સાવર અને આશુલિયામાં ગારમેન્ટ કામદારો વધુ પગારની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આંદોલનને કારણે હાઈવે પર ચક્કાજામ અને પોલીસનાં વાહનો સળગાવવાની ઘટનાઓ પણ બની છે.

ડિસેમ્બરમાં શેખ હસીનાની વાપસીની અટકળો

શેખ હસીનાને ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી હોવા છતાં તેમણે ડિસેમ્બર સુધીમાં કોઈપણ સંજોગોમાં સ્વદેશ પરત ફરવાના સંકેત આપ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેમના વકીલોએ નવા પાસપોર્ટ માટે પણ સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ, બાંગ્લાદેશના વડાપ્રધાન અને બીએનપી પ્રમુખ તારિક રહમાને સાંસદોને પોતાના મતવિસ્તારોમાં જઈને અવામી લીગની ગતિવિધિઓનો રાજકીય રીતે સામનો કરવા સૂચના આપી છે. વધતી હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે સુરક્ષા દળોની સંખ્યા વધારી છે. શંકાસ્પદ સંપર્કોના આધારે હજારો પોલીસકર્મીઓ અને સરકારી અમલદારો સામે તપાસ પણ તેજ કરવામાં આવી છે. આમ, શેખ હસીનાની સંભવિત વાપસીની અટકળો વચ્ચે બાંગ્લાદેશમાં રાજકીય અને સુરક્ષા સ્થિતિ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત