ભારતીય પ્રવાસીઓ માટે મોટો ફેરફાર: 1 જાન્યુઆરી 2027થી મલેશિયામાં વિઝા-ફ્રી પ્રવેશ બંધ

ભારતીય પ્રવાસીઓ માટે મોટો ફેરફાર: 1 જાન્યુઆરી 2027થી મલેશિયામાં વિઝા-ફ્રી પ્રવેશ બંધ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા ભારતીયો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મલેશિયાએ 1 જાન્યુઆરી 2027થી ભારતીય પાસપોર્ટ ધારકો માટે આપવામાં આવતી વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના અમલ બાદ ભારતીય પ્રવાસીઓએ મલેશિયા પહોંચતાં પહેલાં માન્ય વિઝા મેળવવો ફરજિયાત રહેશે. મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે 17 નવેમ્બરના રોજ જાહેર કરેલી સત્તાવાર નોટિસમાં આ ફેરફારની પુષ્ટિ કરી છે.

1 ડિસેમ્બરથી MyVISA પોર્ટલ પર કરી શકાશે અરજી

નવા નિયમો અનુસાર, 1 જાન્યુઆરી 2027 અથવા ત્યારબાદ મલેશિયા જવાનું આયોજન કરતા તમામ ભારતીય પાસપોર્ટ ધારકોએ પ્રવાસ પહેલાં વિઝા મેળવવો પડશે. આ માટે મલેશિયન સત્તાવાળાઓ 1 ડિસેમ્બર 2026થી ભારતીય નાગરિકો માટે 'MyVISA' ઓનલાઈન પોર્ટલ પર વિઝા અરજી કરવાની સુવિધા શરૂ કરશે. એટલે કે, નવા વર્ષથી મલેશિયા ફરવા જવા ઇચ્છતા ભારતીય પ્રવાસીઓએ અગાઉથી વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અત્યાર સુધી મળતી વિઝા-મુક્તિની સુવિધા 2026ના અંત સાથે સમાપ્ત થઈ જશે.

જાહેરાત

વિઝા-ફ્રી સુવિધા બંધ કરવા પાછળનું કારણ શું?

મલેશિયાએ કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ડિસેમ્બર 2023માં ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી શરૂ કરી હતી. આ સુવિધાને કારણે મલેશિયા જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે, સપ્ટેમ્બર 2026માં કુઆલાલંપુર સ્થિત ભારતીય હાઈ કમિશને આ સુવિધાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, કેટલાક ભારતીય નાગરિકો નોકરી શોધવાના હેતુથી ટુરિસ્ટ વિઝા પર મલેશિયા પ્રવેશી રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક પ્રવાસીઓને એજન્ટો દ્વારા નકલી નોકરીની ઓફર આપીને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં પ્રવાસીઓ ઓવરસ્ટે (નિર્ધારિત સમય કરતાં વધુ રોકાણ), શોષણ, અટકાયત અને કાયદાકીય કાર્યવાહીનું જોખમનો સામનો કરી શકે છે.

વિઝા અરજીના નિયમોમાં પણ ફેરફાર

મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે વિઝા પ્રક્રિયા માટે કેટલાક નવા નિયમો પણ જાહેર કર્યા છે.

  • 7 કામકાજના દિવસની સમયમર્યાદા: 'New Application' અથવા 'Pending Payment'ના તબક્કામાં રહેલી અરજી જો 7 કામકાજના દિવસથી વધુ સમય સુધી અધૂરી રહેશે તો તે આપમેળે એક્સપાયર એટલે કે રદ થઈ જશે.

  • વિઝા ફીનું રિફંડ નહીં મળે: વિઝા અરજી મંજૂર થાય કે નામંજૂર, બંને સ્થિતિમાં પ્રોસેસિંગ ફી પરત કરવામાં આવશે નહીં.

  • પ્રવાસ રદ થાય તો પણ ફી પરત નહીં: વિઝા નીતિમાં ફેરફાર થાય અથવા પ્રવાસી પોતાનો પ્રવાસ પ્લાન બદલે તો પણ ચૂકવેલી ફીનું રિફંડ મળશે નહીં.

આ નવા નિયમોને ધ્યાનમાં રાખીને મલેશિયા જવાનું આયોજન કરતા ભારતીય પ્રવાસીઓએ સમયસર વિઝા અરજી કરવી અને પ્રવાસ પહેલાં તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત