મલેશિયા પ્રવાસનું આયોજન કરતા ભારતીયો માટે માઠા સમાચાર, જાન્યુઆરી 2027થી વિઝા-ફ્રી એન્ટ્રી થશે બંધ

વિદેશ ફરવા જવાના શોખીન ભારતીય પ્રવાસીઓ માટે એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મલેશિયાએ 1 જાન્યુઆરી 2027થી ભારતીય પાસપોર્ટ ધારકો માટે તેની 'વિઝા-ફ્રી એન્ટ્રી' સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે મલેશિયા પ્રવાસન માટે ભારતીયો માટે વિઝા-ફ્રી ડેસ્ટિનેશન રહેશે નહીં, અને દેશમાં પ્રવેશતા પહેલા માન્ય વિઝા મેળવવા ફરજિયાત બનશે.
મલેશિયાના ઈમિગ્રેશન વિભાગ દ્વારા 17 નવેમ્બરના રોજ જારી કરાયેલી એક સત્તાવાર નોટિસમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પુષ્ટિ કરાઈ છે કે ભારતીય નાગરિકો માટેની વર્તમાન વિઝા મુક્તિ વર્ષ 2026ના અંતમાં સમાપ્ત થઈ જશે.
1 ડિસેમ્બર 2026થી MyVISA પોર્ટલ પર શરૂ થશે અરજી
સુધારેલા પ્રવેશ નિયમો હેઠળ, 1 જાન્યુઆરી 2027ના રોજ અથવા તે પછી મલેશિયાની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા તમામ ભારતીય પાસપોર્ટ ધારકોએ તેમના આગમન પહેલાં વિઝા મેળવવા પડશે. નવા નિયમો અમલમાં આવે તેના 1 મહિના પહેલા એટલે કે 1 ડિસેમ્બર 2026થી મલેશિયન સત્તાધીશો ભારતીય નાગરિકોને 'MyVISA' ઓનલાઈન પોર્ટલ દ્વારા વિઝા અરજી સબમિટ કરવાની મંજૂરી આપશે.
શા માટે બંધ કરવી પડી વિઝા-ફ્રી એન્ટ્રી?
નોંધનીય છે કે મલેશિયાએ કોવિડ-19 મહામારી બાદ પર્યટનને વેગ આપવા માટે ડિસેમ્બર 2023માં ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી શરૂ કરી હતી. આ પગલાથી મલેશિયા આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો હતો. જોકે, સપ્ટેમ્બર 2026 માં કુઆલાલંપુર સ્થિત ભારતીય હાઈ કમિશને આ સુવિધાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હાઈ કમિશને ચેતવણી આપી હતી કે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો નોકરી શોધવા માટે ટુરિસ્ટ વિઝા પર મલેશિયામાં પ્રવેશી રહ્યા છે. એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે કેટલાક પ્રવાસીઓને નકલી નોકરીઓની ઓફર કરતા એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમના પર ઓવરસ્ટેઈંગ, શોષણ, અટકાયત અને કાયદાકીય કાર્યવાહીનું જોખમ ઊભું થઈ રહ્યું છે.
મલેશિયાના વિઝા નિયમોમાં અન્ય મોટા ફેરફારો
7 કામકાજના દિવસોમાં અરજી એક્સપાયર થશે
વિભાગે એક નવો નિયમ રજૂ કર્યો છે જે હેઠળ "New Application" અથવા "Pending Payment"ના તબક્કામાં 7 કામકાજના દિવસોથી વધુ સમય સુધી પડી રહેલી વિઝા અરજીઓ આપમેળે એક્સપાયર (રદ) થઈ જશે.
વિઝા ફી રિફંડ નહીં મળે
વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અરજી મંજૂર થાય કે નામંજૂર થાય, વિઝા પ્રોસેસિંગ ફી પરત કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, જો વિઝા નીતિઓમાં ફેરફાર થાય અથવા અરજદારો તેમના પ્રવાસના પ્લાનમાં ફેરફાર કરે તો પણ કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.









