સ્પાઇસજેટ પર સંકટનાં વાદળો: એક અઠવાડિયામાં ફંડ નહીં મળે તો એરલાઇન બંધ થવાની ભીતિ, 50%થી વધુ ફ્લાઇટ રદ

મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં ભારે વિક્ષેપ, રાત્રે 7 વાગ્યાથી વિમાનોનું ટેકઓફ બંધ; સેંકડો મુસાફરો અટવાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની બજેટ એરલાઇન સ્પાઇસજેટ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. રોકડની તંગીને કારણે એરલાઇન દરરોજ પોતાની નિર્ધારિત ફ્લાઇટ્સમાંથી અડધાથી વધુ ફ્લાઇટ્સ રદ કરી રહી હોવાના અહેવાલ છે. પરિણામે હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, એરલાઇનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી એક અઠવાડિયામાં નવું ભંડોળ નહીં મળે તો કંપનીને કામગીરી બંધ કરવાની ફરજ પડી શકે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સ્પાઇસજેટના બોર્ડે બુધવારે રૂ. 5,500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જોકે, આ ભંડોળ ક્યારે અને કેવી રીતે મળશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

મંજૂર 66 ફ્લાઇટ સામે રોજ માત્ર 15 ફ્લાઇટનું સંચાલન

શિયાળાના સમયપત્રક માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સ્પાઇસજેટને દરરોજ આશરે 66 ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપી હતી. જોકે, અહેવાલો મુજબ એરલાઇન દરરોજ માંડ 15 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે, તેમ છતાં તે પોતાના સમગ્ર સમયપત્રક માટે બુકિંગ સ્વીકારી રહી છે. નાણાકીય મુશ્કેલીઓને કારણે એરલાઇનનાં અનેક વિમાનો ગ્રાઉન્ડેડ છે. તાજેતરમાં લીઝ પર લેવામાં આવેલા છ વિમાનો પણ લીઝ આપનાર કંપનીઓને ચુકવણી ન થવાને કારણે ઉડાન ભરી શકતા નથી. આ ઉપરાંત, મોલ્ડોવા સ્થિત એરલાઇન ફ્લાયવન (FlyOne), જેણે સ્પાઇસજેટને ત્રણ વિમાનો લીઝ પર આપ્યાં હતાં, તેણે બાકી નાણાં ન ચૂકવવાના કારણે સોમવારે કરાર સમાપ્ત કરી દીધો હતો.

જાહેરાત

મુંબઈથી અનેક ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા

મંગળવારે સ્પાઇસજેટે મુંબઈથી ઉપડતી પોતાની મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરી હતી. તેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નેસ્લેના એક્ઝિક્યુટિવ બિશ્વજીત ઘોષ પણ અસરગ્રસ્ત મુસાફરોમાં સામેલ હતા. તેમણે દરભંગા જવા માટે વન-વે ટિકિટના રૂ. 10,600 ચૂકવ્યા હતા. જોકે, એરપોર્ટ પહોંચ્યા બાદ તેમને ફ્લાઇટ રદ થયાની જાણ થઈ હતી. તેમણે LinkedIn પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે મંજૂર સમયપત્રક મુજબ ટિકિટ બુક કરાવ્યા છતાં મુસાફરોએ ફ્લાઇટ રદ થવાની મુશ્કેલી શા માટે સહન કરવી પડે? શું એરલાઇનનું અસ્તિત્વ મુસાફરોના અધિકારોના ભોગે જાળવવું જોઈએ?

DGCAએ બુકિંગ પર પ્રતિબંધ કેમ નથી મૂક્યો?

સ્પાઇસજેટ નિર્ધારિત સમયપત્રક મુજબ ફ્લાઇટ્સ ચલાવવામાં નિષ્ફળ રહી હોવા છતાં DGCAએ અત્યાર સુધી તેના બુકિંગ પર પ્રતિબંધ મૂક્યો નથી. અહેવાલો અનુસાર, નિયમનકારના કેટલાક અધિકારીઓનું માનવું છે કે જો એરલાઇનને ભવિષ્યની ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવે તો તેની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, એરલાઇનને સમયપત્રક જાળવી ન શકવા બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. જોકે, કામગીરી સ્થગિત કરવી કે નહીં તે અંગેનો નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લેવાનો છે. આ સ્થિતિમાં ટ્રાવેલ એજન્ટો અને ઉદ્યોગના અધિકારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જે ફ્લાઇટ્સ ચલાવવાની ક્ષમતા એરલાઇન પાસે નથી, તેની ટિકિટો વેચવાની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે?

યસ બેંકે રૂ. 350 કરોડની લોન આપવાનો કર્યો ઇનકાર

સ્પાઇસજેટની આર્થિક મુશ્કેલીઓ વધુ ઘેરી બનવાનું એક કારણ યસ બેંક દ્વારા રૂ. 350 કરોડની લોન આપવાનો ઇનકાર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇનના અગાઉના ડિફોલ્ટના ઇતિહાસને કારણે બેંકે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ લોન આપવાનો ઇનકાર કર્યો હતો. સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે ગયા અઠવાડિયે નાગરિક ઉડ્ડયન સચિવ સમીર સિન્હા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બેંકોનો નાણાકીય ટેકો નહીં મળે તો એરલાઇન માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બનશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

હવે એક અઠવાડિયું નિર્ણાયક

સ્પાઇસજેટ અત્યારે રૂ. 5,500 કરોડનું ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં છે. પરંતુ જો આગામી એક અઠવાડિયામાં જરૂરી નાણાંકીય સહાય નહીં મળે તો એરલાઇનની કામગીરી બંધ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ DGCAની નિયમનકારી દેખરેખ પર પણ સવાલો ઊભા કર્યા છે. ફ્લાઇટ શેડ્યૂલને મંજૂરી આપતી વખતે વિમાનોની ઉપલબ્ધતા, ક્રૂની સંખ્યા અને એરલાઇનની સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ છતાં, સ્પાઇસજેટ નિર્ધારિત ફ્લાઇટ્સ ચલાવી શકતી ન હોવા છતાં બુકિંગ ચાલુ રહેતાં મુસાફરોની સુરક્ષા અને અધિકારો અંગે ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત