એરપોર્ટ પર રઝળતા મુસાફરો, 4 મહિનાથી અટવાયેલો પગાર અને કરોડોનું દેવું: શું સ્પાઇસજેટ બંધ થવા જઈ રહી છે?

એરપોર્ટ પર રઝળતા મુસાફરો, 4 મહિનાથી અટવાયેલો પગાર અને કરોડોનું દેવું: શું સ્પાઇસજેટ બંધ થવા જઈ રહી છે?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

હવાઈ મુસાફરીનો મુખ્ય હેતુ સમય બચાવવાનો હોય છે, પરંતુ જો એરપોર્ટ પર પહોંચ્યા પછી ખબર પડે કે તમારી ફ્લાઇટ કલાકો મોડી છે અથવા તો છેલ્લી ઘડીએ રદ થઈ ગઈ છે, તો કેવી સ્થિતિ સર્જાય? અત્યારે સ્પાઇસજેટ (SpiceJet) ના મુસાફરો બરાબર આવી જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સ્પાઇસજેટ નાણાકીય કટોકટીમાં ફસાયેલી છે. વિમાનોની અછત, એરપોર્ટ ઓથોરિટીના બાકી લેણાં અને સ્ટાફના અટવાયેલા પગારને કારણે કંપનીનું સંચાલન ખોરવાઈ ગયું છે. લોકોના મનમાં હવે એક જ પ્રશ્ન છે: શું દેશમાં વધુ એક એરલાઇન બંધ થવાની તૈયારીમાં છે?

મુસાફરોની હાલાકી અને અંધાધૂંધી

હાલના સમયમાં સ્પાઇસજેટની ફ્લાઇટ્સ હવાઈ મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. મંગળવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર કંપનીની અનેક ફ્લાઇટ્સ મોડી પડી હતી. સાંજે 7 વાગ્યાથી રાહ જોતા મુસાફરોએ કાઉન્ટર પર જઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તેમને ફ્લાઇટના સાચા સમય વિશે કોઈ ચોક્કસ માહિતી અપાતી ન હતી. મોડી રાત સુધી ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત રહી હતી અને 18 નવેમ્બરના મુંબઈ એરપોર્ટના શેડ્યૂલમાં સ્પાઇસજેટની કોઈ જ ફ્લાઇટ લિસ્ટેડ ન હતી.

જાહેરાત

આ અગાઉ બાગડોગરાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં પણ મુસાફરોને આવો જ કડવો અનુભવ થયો હતો. પહેલા ફ્લાઇટને સાંજે 6 થી 8 વાગ્યા સુધી અને પછી રાત્રે 8 થી 10 વાગ્યા સુધી રી-શેડ્યૂલ કરવામાં આવી. અને અંતે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી! આ કારણે 50 થી 70 મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા. મુસાફરોનો આરોપ છે કે એરલાઇને તેમને કોઈ સહાય પૂરી પાડી ન હતી, જેના કારણે તેમને પોતાના ખર્ચે ઊંચા ભાવે બીજી ફ્લાઇટ લેવાની અને હોટલમાં રોકાવાની વ્યવસ્થા જાતે જ કરવી પડી હતી.

શા માટે બગડી સ્પાઇસજેટની આર્થિક સ્થિતિ?

સ્પાઇસજેટની આ દુર્દશા પાછળ નાણાકીય ભીડ અને દેવું સૌથી મોટાં કારણ છે.

• એરપોર્ટ પર 'કેશ એન્ડ કેરી' નિયમ: એરપોર્ટ ઓપરેટર્સ, તેલ કંપનીઓ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓના મોટા લેણાં બાકી હોવાથી ઘણા એરપોર્ટે સ્પાઇસજેટ પર નિયંત્રણો લાદ્યા છે. કંપનીને હવે ‘કેશ એન્ડ કેરી’ (Cash and Carry) સિસ્ટમ પર મૂકવામાં આવી છે. એટલે કે રૂટ નેવિગેશન ચાર્જ, ટર્મિનલ નેવિગેશન લેન્ડિંગ ચાર્જ અને પેસેન્જર સર્વિસ ફી (PSF) એડવાન્સમાં ચૂકવે તો જ એરપોર્ટ સેવાઓનો લાભ મળે છે.

• દુબઈમાં ચેક-ઇન બંધ પડ્યું: થોડા દિવસો પહેલા કંપનીએ દુબઈથી 4 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દુબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરતી કંપની Dnata ને સ્પાઇસજેટે 14 મિલિયન UAE દિરહામ (Dirham) ચૂકવવાના બાકી હતા, જેના કારણે કંપનીએ સ્પાઇસજેટની ચેક-ઇન સેવા જ બંધ કરી દીધી હતી.

• વિમાનોની ભારે અછત: કંપની પાસે 60 વિમાનો હોવા છતાં, તેમાંથી માત્ર 12 જ વિમાન કામ કરી રહ્યા છે. કંપની રોજના 65 શેડ્યૂલ ઓપરેટ કરે છે, પરંતુ તેમાંથી રોજની 15 થી 20 ફ્લાઇટ્સ કેન્સલ થાય છે અને બાકીની ફ્લાઇટ્સ 3 થી 5 કલાક મોડી પડે છે.

• સ્ટાફને 4 મહિનાથી પગાર નહીં: કંપનીના કર્મચારીઓને 4 મહિનાથી પગાર મળ્યો નથી. આનાથી ક્રૂ મેમ્બર્સની ભારે અછત ઊભી થઈ છે. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ દિલ્હી એરપોર્ટ પરથી ઉપડનારી 4 ફ્લાઇટ્સ માત્ર એટલા માટે ઉડાન ન ભરી શકી કારણ કે સ્ટાફ ફરજ પર હાજર જ ન હતો.

માર્કેટ શેરમાં મોટું ગાબડું પડ્યું

સ્પાઇસજેટની મુશ્કેલીઓની સીધી અસર તેના બિઝનેસ પર પડી છે.

13 નવેમ્બરના રોઇટર્સના રિપોર્ટ મુજબ, વર્ષ 2019 માં ભારતના ઉડ્ડયન બજારમાં સ્પાઇસજેટનો માર્કેટ શેર 15% હતો, જે 2026 માં ઘટીને માત્ર 0.6% રહી ગયો છે.

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રોજના શેડ્યૂલ ઘટીને 5 ફ્લાઇટ્સથી પણ નીચે જતા રહ્યા હોવાનો દાવો છે.
એક તરફ કંપનીના ચેરમેન અને MD અજય સિંહ છેલ્લા 2 વર્ષથી 100 વિમાનોનો કાફલો બનાવવાની વાતો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમની પાસે ઉડવા માટે પૂરતા પ્લેન જ નથી.

9000 કરોડનું નુકસાન

સ્પાઇસજેટ હાલમાં 9000 કરોડનું નુકસાન ભોગવી રહી છે. 

તેના પર 6000 કરોડથી વધુની Liabilities (જવાબદારીઓ) હોવાનો અંદાજ છે, જેમાં 600 થી 650 કરોડ તો માત્ર TDS, EPF અને GST જેવી કાનૂની જવાબદારીઓના છે.

સપ્ટેમ્બર 2025 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની નેટવર્થ માઇનસ 2800 કરોડ રૂપિયા નોંધાઈ હતી.
5500 કરોડ ભંડોળ છતાં ઠેરના ઠેર

આશ્ચર્યની વાત એ છે કે સ્પાઇસજેટએ છેલ્લા કેટલાક વર્ષોમાં 5500 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે, છતાં સ્થિતિ સુધરી નથી.

2023 માં કાર્લાઇલ એવિએશનનું 100 મિલિયન ડોલરનું દેવું કંપનીના 7.5% શેરમાં ફેરવવામાં આવ્યું.

જાન્યુઆરી 2024 માં કંપનીએ 744 કરોડ રૂપિયા એકત્ર કર્યા.

2022 ના અંતમાં સરકારી યોજના (ECLGS) હેઠળ આશરે 1000 કરોડ રૂપિયા મળ્યા.

સપ્ટેમ્બર 2024 માં QIP દ્વારા 3000 કરોડ રૂપિયાનું મોટું ભંડોળ એકત્ર કર્યું. આટલા મોટા આંકડાઓ છતાં કંપનીમાં રોકડની ખેંચ કેમ વર્તાય છે તે મોટો પ્રશ્ન છે.

શેરબજારે કડક ચેતવણી આપી

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ સ્પાઇસજેટને ચેતવણી આપી છે કે જો 7 ડિસેમ્બર સુધીમાં માર્ચ અને જૂન ક્વાર્ટરના બાકી નાણાકીય પરિણામો જાહેર નહીં થાય, તો 10 ડિસેમ્બરથી સ્પાઇસજેટના શેરમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવશે. 13 નવેમ્બરે સ્પાઇસજેટએ 7 ડિસેમ્બર સુધીમાં પરિણામો જાહેર કરવાનો વાયદો કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26 ની સામાન્ય સભા (AGM) પણ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

સ્પાઇસજેટની લે-વેચનો ઇતિહાસ અને કાનૂની લડાઈનું દબાણ

જૂન 2010માં સ્પાઇસજેટના સહ-સ્થાપક અજય સિંહ અને અન્ય પ્રમોટર્સે કંપનીનો કન્ટ્રોલિંગ હિસ્સો 'સન ગ્રુપ' (Sun Group) ના માલિક કલાનિધિ મારનને આશરે ₹750 કરોડમાં વેચી દીધો.

2014 ના અંત સુધીમાં કંપની પર હજારો કરોડનું દેવું થઈ ગયું અને તે બંધ થવાના આરે પહોંચી ગઈ. કંપનીને બચાવવા જાન્યુઆરી 2015માં કલાનિધિ મારન અને તેમની કંપની KAL એરવેઝે પોતાનો 58.46% હિસ્સો ફરી પાછો અજય સિંહને માત્ર ₹2 (બે રૂપિયા) ની મામૂલી કિંમતે વેચી દીધો.

આ ડીલ સાથે અજય સિંહે સ્પાઇસજેટ પરનું આશરે ₹1,500 કરોડનું દેવું અને ₹2,000 કરોડથી વધુની અન્ય જવાબદારીઓ પણ કાયદેસર રીતે પોતાના માથે લીધી.

2015 પછી શેર્સ ટ્રાન્સફર અને પૈસાની લેવડ-દેવડ અંગેના કરારભંગના મુદ્દે કલાનિધિ મારન અને અજય સિંહ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ. આ લાંબી લડાઈને કારણે કંપની પર નાણાકીય દબાણ વધતું ગયું.

જાન્યુઆરી 2026 માં દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો કે સ્પાઇસજેટે વ્યાજ અને બાકી લેણાં પેટે કુલ 144.51 કરોડ રૂપિયા કલાનિધિ મારનને ચૂકવવાના રહેશે.

સ્પાઇસજેટ પાસે એકસાથે 144.51 કરોડ રૂપિયા જમા કરાવવાની રોકડ ન હતી. તેથી તેણે 45 દિવસની અંદર ₹50 કરોડ જમા કરવાનું અને બાકીની રકમ (આશરે 94 કરોડ) ત્યાર પછીના 90 દિવસમાં ચૂકવી દેવાનું વચન આપ્યું. પરંતુ તે આ વચન પૂરું કરવામાં નિષ્ફળ રહી.

સ્પાઇસજેટે વધુ સમય માંગ્યો પણ કોર્ટે સમયમર્યાદા વધારવાની ચોખ્ખી ના પાડી દીધી. રોકડ ન હોવાથી સ્પાઇસજેટે સિક્યુરિટી તરીકે ગુરુગ્રામની મિલકત ગીરવે મૂકવાની ઓફર કરી, જેને પણ જજે ફગાવી દીધી.

જો સ્પાઇસજેટ કોર્ટના આદેશ છતાં ₹144.51 કરોડ જમા નહીં કરે, તો કોર્ટ આકરાં પગલાં લઈ શકે છે. તેમાં કંપનીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા, સંપત્તિ જપ્ત કરવી અથવા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવાની સંભાવના છે, જે કંપનીની વર્તમાન આર્થિક કટોકટીમાં બળતામાં ઘી હોમવાનું કામ કરશે.
શું ભૂતકાળનું પુનરાવર્તન થશે?

કેન્દ્ર સરકારે માર્ચમાં સંસદમાં માહિતી આપી હતી કે 2016 થી અત્યાર સુધીમાં દેશમાં 11 એરલાઇન્સ બંધ થઈ ચૂકી છે. જેમાં GoFirst, Jet Airways, TruJet, Kingfisher Airlines, Air Costa, Air Pegasus, Deccan Airways, Damania Airways, Modiluft, East West Airlines અને Air Sahara નો સમાવેશ થાય છે. શું સ્પાઇસજેટ આ લિસ્ટમાં 12 મું નામ બનશે?

18 નવેમ્બરના નિર્ણય પર નજર રહેશે

આજે, 18 નવેમ્બરે યોજાનારી બોર્ડ મીટિંગ સ્પાઇસજેટ માટે જીવાદોરી સમાન સાબિત થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, બોર્ડે કંપનીને કટોકટીમાંથી બહાર કાઢવા માટે 5500 કરોડ રૂપિયાનું નવું ફંડ ઊભું કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સાથે જ કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ પણ વધારીને 7500 કરોડ રૂપિયા કરવામાં આવી છે. ઉપરાંત, કેન્દ્ર સરકાર તરફથી ECLGS સ્કીમ હેઠળ કંપનીને તાજેતરમાં 150 કરોડ રૂપિયાની સહાય પણ મળી છે.

આ સમાચાર આવતા જ શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો છે. 18 નવેમ્બરના રોજ સ્પાઇસજેટના શેરમાં 5% ની અપર સર્કિટ લાગી હતી અને શેર 9.97 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ સાથે જ છેલ્લા 6 દિવસમાં કંપનીના શેરમાં 30% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો આ 5500 કરોડ રૂપિયાનું આયોજન યોગ્ય રીતે પાર પડશે, તો સ્પાઇસજેટ પાસે ફરીથી બેઠા થવાની એક મોટી તક છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત