સ્પાઇસજેટમાં મુસાફરી કરતાં પહેલાં ચેતજો! મુંબઈ એરપોર્ટ પર 9 કલાક મુસાફરો રઝળ્યા, દુબઈમાં ચેક-ઈન સેવા રોકાઈ

સ્પાઇસજેટમાં મુસાફરી કરતાં પહેલાં ચેતજો! મુંબઈ એરપોર્ટ પર 9 કલાક મુસાફરો રઝળ્યા, દુબઈમાં ચેક-ઈન સેવા રોકાઈ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જો તમે સ્પાઇસજેટ (SpiceJet) એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન રહેવાની જરૂર છે. ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલી આ એરલાઇનની ઓપરેશનલ ખામીઓને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1 પર મંગળવારે સાંજે 7 વાગ્યાથી સ્પાઇસજેટની એકપણ ફ્લાઇટે ઉડાન ન ભરતાં સેંકડો મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. આ ફ્લાઇટ્સ અંગે યોગ્ય માહિતી કે નવા શેડ્યૂલ ન અપાતા આક્રોશિત મુસાફરોએ એરલાઇનના કાઉન્ટર પર ભારે હંગામો મચાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

9 કલાક સુધી મુસાફરો રઝળ્યા, વૃદ્ધો અને બાળકો હેરાન

મુસાફરોના જણાવ્યા મુજબ, એરલાઇન દ્વારા ઉડાનમાં વિલંબ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. કેટલાક મુસાફરોને 9 કલાક જેટલો લાંબો સમય એરપોર્ટ પર વિતાવવો પડ્યો હતો અને તેમની ફ્લાઇટ વહેલી સવારે 4 વાગ્યે રવાના થઈ શકી હતી. આ અચાનક થયેલા વિલંબના કારણે નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટ એડમિનિસ્ટ્રેસન દ્વારા પણ સ્પાઇસજેટના મુસાફરો માટે સંભવિત વિલંબ અને ખલેલ અંગે અગાઉથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

જાહેરાત

દુબઈમાં પણ ચેક-ઈન સર્વિસ રોકી દેવાઈ

સ્પાઇસજેટની આ મુશ્કેલીઓ માત્ર મુંબઈ પૂરતી સીમિત નથી. એરલાઇન પર 1.4 કરોડ યુએઈ દિરહામ (આશરે રૂ. 35.8 કરોડ) નો બાકી પૂર્વચુકવણી ન થવાના કારણે દુબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી 'ડનાટા' (dnata) એ સ્પાઇસજેટની ચેક-ઈન સેવાઓ રોકી દીધી હતી, જેના કારણે દુબઈથી આવતી 4 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

રોજ 15થી 20 ફ્લાઇટ્સ કેન્સલ, ફ્લિટ ઘટીને 12 વિમાનોની થઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પાઇસજેટનું કાર્યરત ફ્લિટ ઘટીને માત્ર 12 વિમાનોનું રહી ગયું છે, જેમાંથી પણ 3 વિમાનો ચૂકવણીના પ્રશ્નોને કારણે ગ્રાઉન્ડેડ છે. એરલાઇન દરરોજ આશરે 65 શિડ્યુલ ફ્લાઇટ્સમાંથી 15થી 20 ફ્લાઇટ્સ રદ કરી રહી છે. આ ઉપરાંત, એરલાઇનના કર્મચારીઓને જૂન 2026થી પગાર ન મળ્યો હોવાના પણ અહેવાલો છે. સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટરમાં 621 કરોડ રૂપિયાની નેટ લોસ નોંધાવનાર આ કંપનીની મુસાફરી હાલના સંજોગોમાં ભારે અનિશ્ચિત બની ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત