ટાટા ગ્રુપમાં ભડકો: જીમી ટાટાએ ચંદ્રશેખરનની તરફેણ કરી, નોએલ ટાટા પર પરિવારવાદનો લગાવ્યો આરોપ

ટાટા ગ્રુપમાં ભડકો: જીમી ટાટાએ ચંદ્રશેખરનની તરફેણ કરી, નોએલ ટાટા પર પરિવારવાદનો લગાવ્યો આરોપ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગ સમૂહ ટાટા ગ્રુપની મુખ્ય સંસ્થા 'ટાટા ટ્રસ્ટ્સ' (Tata Trusts) માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વર્ગસ્થ રતન ટાટાના ૮૫ વર્ષીય ભાઈ જીમી એન. ટાટાએ ટાટા સન્સના લિસ્ટિંગની તરફેણ કરી છે અને ચેરમેન એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને ટેકો આપતા ટાટા ટ્રસ્ટ્સના વર્તમાન ચેરમેન નોએલ ટાટા પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સરકાર અને ચેરિટી કમિશનરને આ મામલે હસ્તક્ષેપ કરીને ટ્રસ્ટના મૂળ જાહેર સખાવતી (ચેરિટેબલ) ઉદ્દેશ્યો બચાવવા અપીલ કરી છે.  

નોએલ ટાટાના પરિવારજનોની નિમણૂક પર સવાલ: 'પાછલા બારણે કબજો'

સામાન્ય રીતે પુણેમાં એકાંતમય જીવન જીવતા અને ઈમેલ કે વોટ્સએપથી દૂર રહેતા જીમી ટાટાએ ટ્રસ્ટના એક ટ્રસ્ટી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે ટાટા ટ્રસ્ટ્સના વર્તમાન ચેરમેન નોએલ ટાટા પોતાના પરિવારના સભ્યોને ટ્રસ્ટમાં સામેલ કરીને ટાટા સન્સ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે સંસ્થાપકોની ભાવના વિરુદ્ધ "પાછલા બારણે કબજો" (Back-door takeover) જમાવવા સમાન છે. 

જાહેરાત

જીમી ટાટાએ સ્પષ્ટ કહ્યું કે, "સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટની સ્થાપના નિઃસંતાન સંસ્થાપકો દ્વારા ભારતીય જનતાના કલ્યાણ માટે કરવામાં આવી હતી. આ કોઈ ખાનગી પારિવારિક ટ્રસ્ટ નથી. એક જ ટ્રસ્ટમાં એક પરિવારના એકથી વધુ સભ્યોની નિમણૂક કરવી સંપૂર્ણપણે અયોગ્ય છે." નોંધનીય છે કે નોએલ ટાટાના પુત્ર નેવિલ સર દોરાબજી ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે, જ્યારે તેમની બે પુત્રીઓ પણ વિવિધ ટ્રસ્ટમાં સામેલ છે. 

ચંદ્રશેખરનની તરફેણ અને વીટો પાવરનો વિરોધ

જીમી ટાટાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે થઈ રહેલા વર્તનની ટીકા કરતા કહ્યું કે તેમણે ટાટા કંપનીઓની કાયાપલટ કરી છે, દેવું ઘટાડ્યું છે અને શેરધારકોને ૬,૫૦૦ ટકાથી વધુનું રેકોર્ડ ડિવિડન્ડ અપાવ્યું છે. ટાટા સન્સના બોર્ડમાં ૪-૧ની બહુમતી અને ટાટા ટ્રસ્ટ્સના સર્વસંમત ઠરાવ છતાં, નોએલ ટાટાએ 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન'ના સુધારેલા વીટો પાવરનો ઉપયોગ કરીને ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ જીમી ટાટાએ કર્યો છે. 

આરબીઆઇને લિસ્ટિંગ માટે કડક સમયમર્યાદા લાદવા અપીલ

આ વિવાદ વચ્ચે જીમી ટાટાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને વિનંતી કરી છે કે તે ટાટા સન્સના પબ્લિક લિસ્ટિંગ માટે કડક સમયમર્યાદા લાગુ કરે. તેમણે ચેતવણી આપી કે લિસ્ટિંગના નિયમોથી બચવા માટે ટાટા સન્સના ટુકડા કરવાની કોઈપણ હિલચાલ શેરધારકો અને જાહેર હિતને નુકસાન પહોંચાડશે. વધુમાં, તેમણે કેટલાક ટ્રસ્ટીઓ માટે ચાર વર્ષની મુદત નક્કી કરવાની નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યા અને અસંમતિ દર્શાવનાર ટ્રસ્ટીઓને (જેમ કે અગાઉ વિજય સિંહ અને આગામી ડિસેમ્બરમાં વેણુ શ્રીનિવાસન) હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત