રસોડાનું બજેટ બગડશે તો 2027માં સરકારની ખુરશી હલશે: 'અલ નીનો'ના કહેરથી દાળ, તેલ, ખાંડ અને દૂધના ભાવ ભડકે બળવાના એંધાણ

રસોડાનું બજેટ બગડશે તો 2027માં સરકારની ખુરશી હલશે: 'અલ નીનો'ના કહેરથી દાળ, તેલ, ખાંડ અને દૂધના ભાવ ભડકે બળવાના એંધાણ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

2023-24માં અલ નીનો (El Niño) ના કારણે સર્જાયેલી મોંઘવારીની કટોકટી ફરી ન સર્જાય તે માટે પુરવઠાનું સમયસર સંચાલન કરવું અત્યંત જરૂરી છે.

ભારતે છેલ્લે જુલાઈ 2023થી ડિસેમ્બર 2024 દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ભારે મોંઘવારીનો સામનો કર્યો હતો, ત્યારે મોંઘવારી દર વાર્ષિક સરેરાશ 8.5 ટકાથી ઉપર રહ્યો હતો. તેનું મુખ્ય કારણ જૂન 2023માં શરૂ થયેલો અને એપ્રિલ 2024 સુધી ચાલેલો 'મજબૂત' અલ નીનો (હવામાનની એક વિપરીત પરિસ્થિતિ) હતો. 

જાહેરાત

હાલનો અલ નીનો, જેની સત્તાવાર પુષ્ટિ જૂન 2026માં થઈ હતી, તે અત્યારથી જ 'ખૂબ જ મજબૂત' (Very Strong) સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વિશ્વની મોટાભાગની હવામાન એજન્સીઓનું અનુમાન છે કે જાન્યુઆરીથી માર્ચ 2027 સુધી તેની અસર 'મજબૂતથી અતિ મજબૂત' રહેશે અને એપ્રિલ-મે 2027 તરફ જતાં તે નબળો પડશે. 

વરસાદની ઘટ અને મોંઘવારી પર અસર

અલ નીનોની સીધી અસર દેશના વરસાદ પર જોવા મળી છે. આ વર્ષે નૈઋત્યના ચોમાસા (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં સરેરાશ કરતાં 12.6 ટકા ઓછો વરસાદ પડ્યો છે. ઓક્ટોબરથી શરૂ થયેલા ઈશાન ચોમાસા (પાછોતરા વરસાદ) માં પણ 16 નવેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 33.6 ટકાની ઘટ નોંધાઈ છે. દક્ષિણના રાજ્યો, મહારાષ્ટ્ર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં સૂકા હવામાનની સૌથી વધુ માર પડી છે. 

ખાદ્ય મોંઘવારી પર પણ તેની અસર દેખાવા લાગી છે. સરકારી ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક (Consumer Food Price Index) મુજબ મોંઘવારી દર સતત વધી રહ્યો છે, જે ઓક્ટોબરમાં 23 મહિનાની ટોચે પહોંચ્યો છે.  

ખાદ્ય મોંઘવારી દરમાં સતત વધારો (2026)

જૂન - ૫5.3%
જુલાઈ - 5.5%
ઓગસ્ટ - 6.0%
સપ્ટેમ્બર - 7.7%
ઓક્ટોબર - 8.9% (23 મહિનાની ટોચે)

સરકાર માટે રાહતની વાત શું છે?

2023-24ની સરખામણીએ અત્યારે એક મોટી રાહત એ છે કે સરકારી ગોદામોમાં અનાજનો જથ્થો જરૂરી લઘુત્તમ બફર સ્ટોક કરતાં 3.3 ગણો વધારે છે. 1 ઓક્ટોબરની સ્થિતિએ ચોખાનો સ્ટોક 55.5 મિલિયન ટન (અત્યાર સુધીનો સૌથી વધુ) અને ઘઉંનો સ્ટોક 46.3 મિલિયન ટન (છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ) છે. આ ઉપરાંત સરકારી એજન્સીઓ પાસે આશરે 3.8 મિલિયન ટન કઠોળનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. 

સરકારી ગોદામોમાં અનાજ અને કઠોળનો સ્ટોક (1 ઓક્ટોબર મુજબ)

ચોખા - 55.5 - અત્યાર સુધીનો સૌથી વધુ સ્ટોક
ઘઉં - 46.3 - છેલ્લા 5 વર્ષનો સૌથી વધુ સ્ટોક
કુલ કઠોળ - 3.8 ચણા (1.6), તુવેર (1.0), મગ-મસૂર-અડદ (1.2)

2024-25અને 2025-26માં સળંગ બમ્પર પાક થવાને કારણે ભારત અને વૈશ્વિક સ્તરે અનાજનો સારો સ્ટોક જમા થયો છે. આ કારણે જ ઈરાન યુદ્ધ અને અલ નીનોના બેવડા આંચકા છતાં વૈશ્વિક ખાદ્ય ભાવ સૂચકાંક (FAO) ઓક્ટોબર 2026માં 133.9 પોઈન્ટ પર છે, જે 2022ના યુક્રેન યુદ્ધ સમયના 155-160ના સ્તર કરતાં ઘણો નીચે છે. જો પાક નિષ્ફળ જાય તો સરકાર આ સ્ટોક બજારમાં ઠાલવીને ભાવ નિયંત્રણમાં રાખી શકે છે. 

ચિંતાજનક બાબત: ખરીફ પાકમાં નુકસાન અને રવિ વાવેતરમાં ઘટાડો

આ રાહત લાંબો સમય ટકે તેમ લાગતું નથી કારણ કે ચોમાસુ (ખરીફ) પાક નબળો રહ્યો છે અને શિયાળુ (રવિ) પાકનું વાવેતર પણ પાછળ ચાલી રહ્યું છે:  રવિ વાવેતરમાં મોટો ઘટાડો: જમીનમાં ભેજનો અભાવ અને જળાશયો-તળાવોમાં પાણીનું સ્તર નીચું હોવાથી 13 નવેમ્બર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ઘઉંના વાવેતરમાં 15.3%, ચણામાં 21.6% અને રાઈ-સરસવમાં 8.4% નો ઘટાડો નોંધાયો છે. અલ નીનોને કારણે શિયાળો ટૂંકો અને ગરમ રહેવાની શક્યતા છે, જે પાકની ઉપજને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

જથ્થાબંધ બજારમાં ભાવ વધારો: પાક ઓછો હોવાથી મુખ્ય મંડીઓમાં ખેતપેદાશોના ભાવ આસમાને પહોંચ્યા છે. 

પાક મુખ્ય બજાર (મંડી) ગત વર્ષનો ભાવ (રૂ.) વર્તમાન ભાવ (રૂ.)
મકાઈ વિજયપુરા (કર્ણાટક) 1700 3139
સોયાબીન દેવાસ (મધ્યપ્રદેશ) 4200 7000
કપાસ સિરસા (હરિયાણા) 7500 9060
બાજરી ભુસાવર બૈર (રાજસ્થાન) 1950 2600
તુવેર (અરહર) લાતુર (મહારાષ્ટ્ર) 6700 10200

સામાન્ય માણસના રસોડાનું બજેટ ખોરવાયું: છૂટક ભાવમાં ઉછાળો

જથ્થાબંધ બજારની તેજીની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર પડી રહી છે. ગ્રાહક બાબતોના વિભાગ (DoCA) ના આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં દાળ, ખાદ્યતેલ, ખાંડ, ડુંગળી અને દૂધના છૂટક ભાવમાં મોટો વધારો થયો છે. 

ખાદ્ય ચીજ એકમ ગત વર્ષનો ભાવ (રૂ.) વર્તમાન ભાવ (રૂ.)
તુવેર દાળ પ્રતિ કિલો 110 140
ચણા દાળ પ્રતિ કિલો 85 100
અડદ દાળ પ્રતિ કિલો 110 130
ખાંડ પ્રતિ કિલો 45 60
ડુંગળી પ્રતિ કિલો 25 50
સીંગતેલ પ્રતિ કિલો/લિટર 200 214
સરસવ તેલ પ્રતિ કિલો/લિટર 198 209
સોયાબીન તેલ પ્રતિ કિલો/લિટર 143 165
સનફ્લાવર તેલ પ્રતિ કિલો/લિટર 165 192
પામ ઓઈલ પ્રતિ કિલો/લિટર 132 159
ટોન્ડ દૂધ (3% ફેટ) (દિલ્હી-NCR) પ્રતિ લિટર 58 62
ફૂલ ક્રીમ દૂધ (6% ફેટ) (દિલ્હી-NCR) પ્રતિ લિટર 70 76

ભવિષ્યના સંકેતો અને સરકાર સામેના વિકલ્પો

વૈશ્વિક સ્તરે ખાદ્યતેલ અને ખાંડના ભાવ અનુક્રમે જૂન ૨૦૨૨ અને નવેમ્બર ૨૦૨૪ પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ જેવા દેશો પેટ્રોલ-ડીઝલમાં ભેળવવા (બાયોડીઝલ અને ઇથેનોલ બનાવવા) માટે પામ ઓઈલ, ખાંડ અને મકાઈનો મોટો હિસ્સો વાપરી રહ્યા હોવાથી આગામી મહિનાઓમાં વૈશ્વિક ભાવ હજુ વધી શકે છે. 

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઉભો તુવેરનો પાક ગત વર્ષની સરખામણીએ માત્ર 40-50 ટકા જ હોવાના અહેવાલો વચ્ચે સરકારે વેપારીઓ, સ્ટોકિસ્ટો અને મિલરો માટે દર શુક્રવારે કઠોળનો સ્ટોક જાહેર કરવો ફરજિયાત બનાવ્યો છે. તમિલનાડુએ તો 13 નવેમ્બરથી તુવેર અને અડદની સ્ટોક લિમિટ (સંગ્રહ મર્યાદા) પણ લાગુ કરી દીધી છે. 

સરકાર શું પગલાં લઈ શકે?

આ સંજોગોમાં મોદી સરકાર પાસે 2027માં મોંઘવારી કાબૂમાં રાખવા માટે આયાત જકાત (Import Duty) ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

કઠોળ પર ડ્યૂટી ઘટાડો: હાલમાં તુવેર અને અડદ પર 0%, ચણા અને મસૂર પર 10% તેમજ પીળા વટાણા પર 30% આયાત જકાત છે, જે ઘટાડવી પડી શકે છે.

ખાદ્યતેલ પર ડ્યૂટી ઘટાડો: ક્રૂડ પામ અને સોયાબીન તેલ પરની 11% તથા સનફ્લાવર તેલ પરની 5.5% ડ્યૂટીમાં ઘટાડો કરવો પડી શકે છે.

ખાંડ અને કપાસ: કાચી ખાંડ અને કપાસની ડ્યૂટી-ફ્રી (જકાત મુક્ત) આયાતની સમયમર્યાદા 31 ડિસેમ્બર પછી પણ લંબાવવી પડી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત