ડિસેમ્બર 2027 સુધી સેન્સેક્સ 1.05 લાખે પહોંચવાની શક્યતા: મોર્ગન સ્ટેનલી

ભારતીય શેરબજાર આગામી બે વર્ષમાં નવી ઊંચાઈ સર કરી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ડિસેમ્બર 2027 સુધીમાં સેન્સેક્સ 95,000 પોઈન્ટ સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બ્રોકરેજના તેજીના (Bull Case) અનુમાન મુજબ સેન્સેક્સ 1,05,000ની સપાટી પણ વટાવી શકે છે. જોકે, બજારમાં મોટો ઘટાડો આવે તો તે 68,000 સુધી ગગડી શકે છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં સ્થાનિક માંગ, કંપનીઓની વધતી કમાણી અને રોકાણને બજારની તેજીનાં મુખ્ય કારણો ગણાવવામાં આવ્યાં છે. બ્રોકરેજે સેન્સેક્સ માટે 95,000નો બેઝ કેસ ટાર્ગેટ નક્કી કર્યો છે, જ્યારે તેનું પ્રોબેબિલિટી વેઇટેડ અનુમાન 90,750 પોઈન્ટ છે. રિપોર્ટ અનુસાર, ભારતની આર્થિક વૃદ્ધિ ટકાઉ, વૈવિધ્યસભર અને વૈશ્વિક પરિસ્થિતિઓથી પ્રમાણમાં ઓછી પ્રભાવિત રહેવાની ક્ષમતા ધરાવે છે.
કંપનીઓની કમાણીમાં 18% વૃદ્ધિનો અંદાજ
મોર્ગન સ્ટેનલીના મતે, આગામી વર્ષોમાં કંપનીઓના નફામાં વધારો શેરબજારને ટેકો આપી શકે છે. નાણાકીય વર્ષ 2029 સુધીમાં સેન્સેક્સની કંપનીઓની કમાણી વાર્ષિક સરેરાશ આશરે 18 ટકા વધી શકે છે. રિપોર્ટમાં સેન્સેક્સની કંપનીઓની શેરદીઠ કમાણી (EPS) નાણાકીય વર્ષ 2027માં 4,081, 2028માં 4,871 અને 2029માં વધીને 5,669 થવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં વૃદ્ધિથી શેરના મૂલ્યાંકન અને રોકાણકારોના વિશ્વાસને ટેકો મળી શકે છે.
વૈશ્વિક સ્થિતિનો પણ પડશે પ્રભાવ
બ્રોકરેજના મતે, વૈશ્વિક ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થાય અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મોટી કંપનીઓનો મૂડી ખર્ચ ધીમો પડે તો ભારતીય બજાર વિદેશી રોકાણકારો માટે વધુ આકર્ષક બની શકે છે. આવી સ્થિતિમાં અન્ય બજારોમાંથી રોકાણ ભારત તરફ વળી શકે છે.
બજાર સામે ચાર મોટાં જોખમ
મોર્ગન સ્ટેનલીએ તેજી સામે ચાર મુખ્ય જોખમ પણ દર્શાવ્યાં છે. તેમાં મોટી સંખ્યામાં નવા શેર ઇશ્યૂ થવા, સપ્લાય સંબંધિત મોંઘવારી વધવી, ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 120 ડોલરથી ઉપર જવો અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં મોટો ઘટાડો થવાનો સમાવેશ થાય છે. આ પરિબળો કંપનીઓની પડતર અને નફા પર દબાણ ઊભું કરી શકે છે. તેથી સેન્સેક્સ 1 લાખને પાર કરશે કે નહીં તે કંપનીઓની કમાણી, સ્થાનિક માંગ અને વૈશ્વિક આર્થિક સ્થિતિ પર નિર્ભર રહેશે. નોંધનીય છે કે આ મોર્ગન સ્ટેનલીનું બજાર અનુમાન છે, નિશ્ચિત પરિણામની ખાતરી નથી.






