RBIની મોટી કાર્યવાહી: 49 NBFCના લાઇસન્સ રદ, 14 કંપનીઓએ જાતે સરેન્ડર કર્યા

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નાણાકીય ક્ષેત્રમાં મોટી કાર્યવાહી કરતાં 49 નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)ના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરી દીધાં છે. આ ઉપરાંત 13 NBFC અને એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HFC)એ સ્વેચ્છાએ પોતાનું રજિસ્ટ્રેશન સરેન્ડર કર્યું છે. આમ, કુલ 63 નાણાકીય સંસ્થાઓના રજિસ્ટ્રેશન સામે કાર્યવાહી કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન રદ થયા બાદ આ કંપનીઓ હવે NBFC તરીકે ફાઇનાન્સનો વ્યવસાય કરી શકશે નહીં. RBI દ્વારા 16 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-IA(6) હેઠળ 49 NBFCનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યાં છે. આ કંપનીઓ સામે રજિસ્ટ્રેશન રદ કરવાના આદેશ 1 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર, 2026 દરમિયાન જારી કરાયા હતા. જ્યારે 13 NBFC અને એક HFCએ પોતાની ઇચ્છાથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કર્યાં હતાં. ત્યારબાદ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ તેમનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું હતું.
6 કંપનીઓએ ધંધો બંધ કર્યા બાદ લાઇસન્સ પરત કર્યું
RBIના જણાવ્યા અનુસાર, રજિસ્ટ્રેશન સરેન્ડર કરનારી 6 કંપનીઓએ NBFC તરીકેનો વ્યવસાય બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેમણે પોતાનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કર્યાં હતાં. આ કંપનીઓમાં મનીષ સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, અમર પ્લાઝા એન્ડ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, વિકોનિક વ્યાપાર પ્રાઇવેટ લિમિટેડ, રાઈટ ટ્રેઝર ફાઇનાન્સ એન્ડ લીઝિંગ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બ્રાવો કેપિટલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને સીજીઆર મર્કન્ટાઈલ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
5 કંપનીઓને રજિસ્ટ્રેશનની જરૂર નહોતી
અન્ય 5 કંપનીઓને RBIએ રજિસ્ટ્રેશન વિનાની ટાઇપ-1 NBFC શ્રેણીમાં રાખી છે. આ કંપનીઓ નિર્ધારિત માપદંડો પૂર્ણ કરતી હોવાથી તેમને RBI અધિનિયમની કલમ 45-IA હેઠળ NBFC તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી. આથી તેમનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રદ કરવામાં આવ્યાં છે.
3 કંપનીઓનું કાયદેસર અસ્તિત્વ સમાપ્ત
બાકીની 3 કંપનીઓનું કાયદેસર અસ્તિત્વ મર્જર, વિસર્જન અથવા કંપની રજિસ્ટરમાંથી નામ દૂર થવાને કારણે સમાપ્ત થયું છે. તેમાં મણિભવનમ હોમ ફાઇનાન્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સન સોર્સ લીફિન પ્રાઇવેટ લિમિટેડ અને લિયાનેર ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.RBIએ સ્પષ્ટ કર્યું છે કે જે કંપનીઓનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યાં છે, તેઓ હવે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 હેઠળ NBFCનો વ્યવસાય કરી શકશે નહીં. એટલે કે આ કંપનીઓ હવે NBFC તરીકે ધિરાણ અને અન્ય સંબંધિત નાણાકીય પ્રવૃત્તિઓ ચલાવી શકશે નહીં.




