ટ્રેનની બર્થને બનાવી દીધું રસોડાનું પ્લેટફોર્મ, ગુજરાતી પરિવારનો સેન્ડવિચ બનાવતો વીડિયો વાઇરલ

ટ્રેનની બર્થને બનાવી દીધું રસોડાનું પ્લેટફોર્મ, ગુજરાતી પરિવારનો સેન્ડવિચ બનાવતો વીડિયો વાઇરલ
તસવીર: X
આ સમાચાર સાંભળો

ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકો સામાન્ય રીતે ઘરેથી નાસ્તો અને ભોજન સાથે લઈને જતા હોય છે, પરંતુ એક ગુજરાતી પરિવારે ટ્રેનના કોચમાં જ જાણે રસોડું શરૂ કરી દીધું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં પરિવારના સભ્યો ટ્રેનના 3AC કોચની બર્થ પર છાપા પાથરીને સેન્ડવિચ બનાવતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે પરિવારની મહિલાઓએ ટ્રેનની મિડલ બર્થ અને આસપાસની સીટો પર અખબારો પાથરી દીધાં છે. ત્યારબાદ તેના પર બ્રેડ, સમારેલાં શાકભાજી અને ચટણી રાખીને સેન્ડવિચ બનાવવાનું શરૂ કર્યું હતું. પરિવારના અન્ય સભ્યો પણ આ દરમિયાન આસપાસ બેઠેલા જોવા મળે છે.

જાહેરાત

વીડિયોમાં એક મહિલા એવું પણ કહેતી સંભળાય છે કે જો તેઓ ઇલેક્ટ્રિક ટોસ્ટર સાથે લાવ્યા હોત તો સેન્ડવિચને શેકી પણ શક્યા હોત. મહિલાની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો વધુ ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા

કેટલાક લોકોએ પરિવારની આ હરકતને રમૂજી ગણાવી છે, તો કેટલાક લોકોએ જાહેર સ્થળે અન્ય મુસાફરોની સુવિધા અને સ્વચ્છતાનું ધ્યાન ન રાખવા બદલ સવાલો ઉઠાવ્યા છે. મુસાફરી દરમિયાન ઘરેથી બનાવેલો નાસ્તો લઈ જવો સામાન્ય બાબત છે, પરંતુ ટ્રેનની બર્થને રસોડામાં ફેરવી દેવી યોગ્ય છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

ટ્રેનમાં રસોઈ કરવી જોખમી બની શકે છે

રેલવેના કોચમાં રસોઈ કરવી કે ગરમી પેદા કરતાં અનધિકૃત ઉપકરણોનો ઉપયોગ કરવો સુરક્ષાની દૃષ્ટિએ જોખમી બની શકે છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક ટોસ્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ આગ લાગવાના જોખમને વધારી શકે છે. ટ્રેનના કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો, તેમનો સામાન અને વીજ ઉપકરણો નજીકમાં હોય છે. આવા સંજોગોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહનમાં મુસાફરોની શિસ્ત, સ્વચ્છતા અને નાગરિક જવાબદારી અંગે ચર્ચા જગાવી છે. જાહેર સ્થળોએ પોતાની સુવિધાની સાથે અન્ય મુસાફરોની સગવડ અને સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત