11 મહિનાથી ચુકાદો નહીં મળતાં વકીલનો પિત્તો ગયો! કોર્ટમાં ખુરશીને લગાવી આગ

પાકિસ્તાનની ન્યાયિક વ્યવસ્થા (Judicial System) સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંધ હાઈકોર્ટની હૈદરાબાદ સર્કિટ બેન્ચમાં એક કેસનો ચુકાદો લગભગ 11 મહિનાથી બાકી હોવાના અહેવાલ વચ્ચે નારાજ વકીલે કોર્ટરૂમમાં પોતાની ખુરશીને જ આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. લાંબા સમયથી ચુકાદાની રાહ જોઈ રહેલા વકીલનો ગુસ્સો આ રીતે બહાર આવતાં પાકિસ્તાનની ન્યાયિક પ્રક્રિયા અને કેસોના ભરાવા અંગે ચર્ચા શરૂ થઈ છે.
11 મહિનાથી ચુકાદાની રાહ, વકીલનો ગુસ્સો ફાટી નીકળ્યો
મીડિયા અહેવાલો અનુસાર, આ સમગ્ર વિવાદ નવાબશાહ સાથે જોડાયેલા જમીનના સિવિલ વિવાદ (Civil Land Dispute)ને લઈને થયો હતો. આ કેસની સુનાવણી બાદ જસ્ટિસ જવાદ અકબર સવાના સમક્ષ ચુકાદો બાકી હોવાનું જણાવાયું હતું. વકીલ સિકંદર ભટ્ટી લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.
અહેવાલ મુજબ, લગભગ 11 મહિના સુધી ચુકાદો ન આવતાં વકીલની ધીરજ ખૂટી ગઈ હતી. ત્યારબાદ તેમણે કોર્ટરૂમમાં પોતાની ખુરશીને આગ લગાવી દીધી હતી. આ અસામાન્ય ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં હલચલ મચી ગઈ હતી.
બાર એસોસિએશને ઘટનાની પુષ્ટિ કરી
હૈદરાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અયાઝ ટુનિયોએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે વકીલ દ્વારા ખુરશીને આગ લગાવવાની ઘટનાની નિંદા કરી હતી, પરંતુ સાથે જ લાંબા સમયથી ચુકાદા બાકી રહેવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમના જણાવ્યા અનુસાર, જસ્ટિસ જવાદ અકબર સવાના સમક્ષ કેટલાક ચુકાદા લાંબા સમયથી બાકી હોવાનું કહેવાય છે. આના કારણે વકીલો અને તેમના અસીલોમાં નિરાશા વધી રહી છે. બાકી કેસોના નિકાલ માટે વકીલોએ અગાઉ પણ સંબંધિત ન્યાયાધીશને મળીને ચુકાદા સંભળાવવા વિનંતી કરી હોવાનો અહેવાલ છે.
બાર એસોસિએશને સમગ્ર ઘટનાની તપાસ કરવાની વાત પણ કરી છે. જોકે, વકીલ દ્વારા આગ લગાવવાની ઘટના અને ચુકાદામાં થયેલા વિલંબ અંગેના તમામ પાસાં તપાસ બાદ જ વધુ સ્પષ્ટ થઈ શકશે.
પાકિસ્તાનની ન્યાયિક વ્યવસ્થા પર ફરી સવાલો
પાકિસ્તાનમાં લાંબા સમયથી પડતર કેસો (Pending Cases) ન્યાયિક વ્યવસ્થા માટે મોટો પડકાર રહ્યા છે. અહેવાલોમાં નીચલી અને જિલ્લા અદાલતોમાં આશરે 18.6 લાખથી વધુ કેસો બાકી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં જજોની અછત, નબળું માળખું અને વહીવટી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓને કારણે કેસોના નિકાલમાં વિલંબ થતો હોવાની ચર્ચા છે. પરિણામે, ન્યાય મેળવવા માટે અરજદારો અને વકીલોએ લાંબી રાહ જોવી પડતી હોવાના આક્ષેપો થતા રહે છે.
‘તારીખ પર તારીખ’થી વધતી નિરાશા
ન્યાય મેળવવામાં વિલંબ થવાથી કેસ સાથે જોડાયેલા લોકો પર આર્થિક અને માનસિક દબાણ વધી શકે છે. ખાસ કરીને જમીન અને મિલકતના વિવાદોમાં ચુકાદો લાંબા સમય સુધી ન આવે તો સંબંધિત પક્ષકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જોકે, કોર્ટરૂમમાં ખુરશીને આગ લગાવવાની ઘટના યોગ્ય વિરોધની રીત નથી. આ બનાવે એક તરફ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ અંગે ગંભીર ચર્ચા જગાવી છે, તો બીજી તરફ કોર્ટની અંદર શિસ્ત અને સુરક્ષાના મહત્ત્વને પણ ઉજાગર કર્યું છે.

