ટ્રેનમાં 'મિસ્ટર ઈન્ડિયા' બની ગઈ કન્ફર્મ સીટ! ટિકિટમાં સીટ નંબર 54 લખેલો હતો, પણ કોચમાં 52 નંબર પર જ ટ્રેન પૂરી થઈ ગઈ!

ભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મેળવવી એ કોઈ યુદ્ધ જીતવા કરતાં ઓછું નથી હોતું, પરંતુ જો કન્ફર્મ ટિકિટ મળ્યા બાદ પણ ટ્રેનમાં તમારી સીટ જ અસ્તિત્વમાં ન હોય તો શું થાય? કલ્પના કરો કે તમે મોડી રાત્રે મુસાફરી કરવા માટે ટ્રેનમાં ચડો છો, તમારી ટિકિટ પર સીટ નંબર 54 લખેલો છે, અને તમે કોચમાં 49, 50, 51, 52... એમ સીટ શોધતા-શોધતા આખો કોચ ફરી વળો છો, પરંતુ 52 નંબર પર જ કોચ પૂરો થઈ જાય છે! આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ તાજેતરમાં જ એક મુસાફર સાથે બનેલી વાસ્તવિક ઘટના છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને મીમ્સનું પૂર લાવી દીધું છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ઈશાન બાજપેયી નામના એક મુસાફરે વારાણસી સિટીથી ગોરખપુર સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હતી. તેણે ગાડી નંબર 15132 (BCY NPR Express)માં ટિકિટ બુક કરી હતી. તેની ટિકિટ કન્ફર્મ પણ થઈ ગઈ હતી અને તેને AC 2-ટાયર (2A)ના A1 કોચમાં સાઇડ અપર બર્થ ફાળવવામાં આવ્યો હતો, જેનો સીટ નંબર 54 દર્શાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે ઈશાન પોતાની મુસાફરી માટે A1 કોચમાં પ્રવેશ્યો, ત્યારે તેણે જોયું કે સમગ્ર કોચમાં કુલ 52 બર્થ (સીટ) જ હતા. 54 નંબરની કોઈ સીટ કોચમાં હતી જ નહીં, જે જોઈને તેનું માથું ચકરાઈ ગયું હતું.
મોડી રાત્રે 10:45 વાગ્યે મુસાફર મુશ્કેલીમાં મુકાયો
મોડી રાત્રે લગભગ પોણા અગિયાર (10:45) વાગ્યે આ મુશ્કેલી સામે આવતાં ઈશાનને સમજાયું નહીં કે હવે શું કરવું અને ક્યાં બેસવું. ત્યારબાદ તેણે કોચની અંદરનો એક વીડિયો રેકોર્ડ કર્યો અને રેલ મંત્રાલય તથા 'રેલવે સેવા'ને ટેગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી. તેની ટિકિટનું સ્ટેટસ CNF/A1/54/SU બતાવી રહ્યું હતું, એટલે કે કોચ A1માં બર્થ નંબર 54 કન્ફર્મ હતો, પરંતુ વાસ્તવમાં તે સીટ ગાયબ હતી.
ઈશાને પોતાની નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે મોડી રાત્રે કન્ફર્મ ટિકિટ હોવા છતાં સીટ વિના મુસાફરી કરવી અત્યંત નિરાશાજનક છે. તેણે એ પણ જણાવ્યું કે તેઓ અગાઉ રેલવે હેલ્પલાઇન નંબર 139 પર ફરિયાદ નોંધાવી ચૂક્યો હતો, પરંતુ કોઈ તાત્કાલિક કાર્યવાહી થઈ નહોતી.
સોશિયલ મીડિયા પર હંગામો થતાં રેલવેએ માંગી માફી, પણ મોટો સવાલ હજુ યથાવત!
આ મામલો ઇન્ટરનેટ પર વાયરલ થતાં અને લોકો દ્વારા મીમ્સ બનવા લાગતાં રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું. 'રેલવે સેવા'એ આ પોસ્ટની નોંધ લઈને મુસાફરની માફી માંગી હતી. રેલવેએ જણાવ્યું કે ફરિયાદને જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને મોકલી દેવામાં આવી છે, તેમજ ઝડપી સહાય માટે 'રેલ મદદ' પોર્ટલ અથવા હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરવાનું સૂચન કર્યું હતું.
જોકે, રેલવેએ માફી તો માંગી લીધી છે, પરંતુ સિસ્ટમની આ ગંભીર ખામી પર હજુ પણ મોટો સવાલ ઊભો છે કે આખરે 52 બર્થ ધરાવતા કોચમાં બુકિંગ સિસ્ટમે મુસાફરને 54 નંબરનો કન્ફર્મ બર્થ કેવી રીતે ફાળવી દીધો?










