ક્રિકેટ જગતમાં વૈભવ સૂર્યવંશીનો દબદબો: નાની ઉંમરે કારકિર્દીના 12 ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યા

ભારતીય ક્રિકેટના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ અત્યંત નાની ઉંમરમાં એવા કારનામા કરી બતાવ્યા છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. લિસ્ટ A ક્રિકેટથી લઈને IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી તેમના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે. સૌથી ખાસ વાત એ છે કે તેમણે અનેક દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે. તો અહીં જાણો વૈભવ સૂર્યવંશીની કારકિર્દીમાં અત્યાર સુધી કયા-કયા મોટા રેકોર્ડ નોંધાયા છે.
ભારતીય ક્રિકેટને આ દિવસોમાં એક એવો યુવા સિતારો મળ્યો છે, જે પોતાની વિસ્ફોટક બેટિંગથી સતત ચર્ચામાં છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તેમની બેટિંગમાં માત્ર આક્રમકતા જ નહીં, પરંતુ મોટામાં મોટા રેકોર્ડને ધ્વસ્ત કરવાની ક્ષમતા પણ દેખાય છે. જાન્યુઆરી 2024માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર વૈભવે તે જ વર્ષે સિનિયર ઘરેલું ક્રિકેટના વ્હાઈટ બોલ ફોર્મેટમાં પણ પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ IPLમાં તેમના બેટે જોરદાર ધમાલ મચાવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેમણે પોતાની છાપ છોડી. વૈભવે અત્યાર સુધી સૌથી ઝડપી સદી, બેવડી સદી, T20માં સૌથી ઓછા બોલમાં 1000 રન અને એક T20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવા જેવા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તો આવો એક-એક કરીને તેમના આ ઐતિહાસિક રેકોર્ડ્સ વિશે જાણીએ.
1. લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને બેવડી સદી
વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં UAE સામે પોતાની તોફાની બેટિંગથી આખી દુનિયાને ચોંકાવી દીધી. તેમણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી, જ્યારે 52 બોલમાં બેવડી સદી ફટકારી દીધી. વૈભવ 53 બોલમાં 204 રન બનાવીને આઉટ થયા. તેમની આ ઇનિંગ્સમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તેમની વિસ્ફોટક બેટિંગના દમ પર ભારતે 250 રનનો લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં હાંસલ કરી લીધો. આ ઇનિંગ્સ સાથે જ વૈભવ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી, સદી, 150 રન અને બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા.
2. પુરુષ T20 ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન
વૈભવ સૂર્યવંશીએ માત્ર બેટથી જ નહીં, પરંતુ કેપ્ટનશીપમાં પણ ઇતિહાસ રચી દીધો. 15 વર્ષ અને 232 દિવસની ઉંમરે તેઓ પુરુષ T20 ક્રિકેટના સૌથી યુવા કેપ્ટન બની ગયા. તેમણે 2026-27 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહારની કેપ્ટનશીપ કરતાં આ સિદ્ધિ મેળવી. ઇન્દોરમાં સૌરાષ્ટ્ર સામેના મુકાબલામાં મેદાન પર ઉતરતા જ તેમણે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ અગાઉ આ રેકોર્ડ ક્રોએશિયાના જેક વુકુસિકના નામે હતો. તેમણે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે પોતાની રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી હતી.
3. પુરુષ T20 અને IPLમાં સૌથી યુવા અડધી સદીવીર અને સદીવીર
IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી એવું તોફાન મચાવ્યું કે અનેક મોટા રેકોર્ડ તૂટી ગયા. ગુજરાત ટાઈટન્સ સામેના મુકાબલામાં તેમણે માત્ર 17 બોલમાં અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તેમણે માત્ર 35 બોલમાં પોતાની સદી પણ ફટકારી દીધી. આ IPL ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી હતી. આ સિદ્ધિ સાથે 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે વૈભવ પુરુષ T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી અને સદી ફટકારનાર બેટ્સમેન બન્યા. તેઓ IPLમાં પણ સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી અને સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.
4. લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરના સદીવીર
વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફી 2025-26માં પણ પોતાની બેટિંગનો દમ બતાવ્યો. અરુણાચલ પ્રદેશ સામે બિહાર તરફથી રમતાં તેમણે માત્ર 84 બોલમાં 190 રનની ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેમણે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી. જ્યારે 59 બોલમાં 150 રનનો આંકડો સ્પર્શી લીધો. આ પુરુષ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ પણ હતો. 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે સદી ફટકારીને વૈભવ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં સદી ફટકારનાર બેટ્સમેન બન્યા. આ મુકાબલામાં બિહારે 6 વિકેટના નુકસાન પર 574 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.
5.T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીની બેટિંગની સૌથી મોટી ખાસિયત તેમનો લાંબા-લાંબા છગ્ગા ફટકારવાનો અંદાજ છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ T20 ક્રિકેટના સૌથી અદ્દભૂત છગ્ગા ફટકારનાર બેટ્સમેનોમાં સામેલ થઈ ચૂક્યા છે. તેમણે T20 ક્રિકેટમાં પોતાના 100 છગ્ગા પૂરા કરવા માટે માત્ર 29 ઇનિંગ્સ અને 514 બોલ રમ્યા. આ રીતે તેઓ સૌથી ઓછા બોલ અને સૌથી ઓછી ઇનિંગ્સમાં 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યા. ઇનિંગ્સની બાબતમાં ઑસ્ટ્રિયાના કરણબીર સિંહ 33 ઇનિંગ્સ સાથે બીજા સ્થાને છે. જ્યારે બોલની બાબતમાં બેલ્જિયમના સાબેર ઝાખિલે 699 બોલમાં 100 છગ્ગા ફટકાર્યા હતા.
6. લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી
વૈભવ સૂર્યવંશીએ પોતાની કારકિર્દીમાં વધુ એક મોટો રેકોર્ડ ત્યારે બનાવ્યો, જ્યારે તેમણે લિસ્ટ A ક્રિકેટમાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી દીધી. જૂન 2026માં ભારત A અને શ્રીલંકા A વચ્ચે ટ્રાય સિરીઝના ફાઇનલ મુકાબલામાં વૈભવે 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેમણે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ કોઈ લિસ્ટ A મુકાબલામાં સૌથી ઝડપી અડધી સદી હતી. આ સાથે જ તેમણે 21 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. ખાસ વાત એ રહી કે આ ઇનિંગ્સ ભારત A માટે રમતાં એક અનકેપ્ડ ખેલાડી તરીકે તેમની છેલ્લી ઇનિંગ્સ હતી.
8. IPLમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ
T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા બાદ વૈભવે IPLમાં પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ગુજરાત ટાઈટન્સ સામે IPL 2026ના ક્વોલિફાયર-2 મુકાબલામાં તેમણે 47 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેમણે IPLમાં પોતાના 1000 રન પૂરા કરી લીધા. વૈભવે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 440 બોલ રમ્યા. આ અગાઉ IPLમાં સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ આન્દ્રે રસેલના નામે હતો. તેમણે 545 બોલમાં આ મુકામ હાંસલ કર્યો હતો.
9. એક T20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં છગ્ગાઓનો એવો વરસાદ કર્યો કે ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ પણ તૂટી ગયો. તેમણે આખી સીઝનમાં 327 બોલનો સામનો કરતાં 72 છગ્ગા ફટકાર્યા. આ સાથે જ તેઓ કોઈ એક T20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયા. આ અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. ગેલે IPL 2012માં 456 બોલનો સામનો કરતાં 59 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે IPL 2026માં 776 રન બનાવ્યા અને ઑરેન્જ કેપ પણ પોતાના નામે કરી.
10. પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ
ઘરેલું ક્રિકેટ અને IPLમાં ધમાલ મચાવ્યા બાદ વૈભવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત સારી ન રહ્યા બાદ તેમણે ઝિમ્બાબ્વે સામે શાનદાર વાપસી કરી. આ દરમિયાન તેમણે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી દીધી. 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવીને વૈભવ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા.
11. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર બીજા સૌથી યુવા ખેલાડી
ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં વૈભવે માત્ર અડધી સદી જ નથી ફટકારી, પરંતુ પોતાની શાનદાર બેટિંગથી ટીમને જીત અપાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી. સિરીઝના ત્રીજા T20 મુકાબલામાં તેમણે 49 બોલમાં 81 રનની ઇનિંગ્સ રમી. આ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. 15 વર્ષ અને 121 દિવસની ઉંમરે આ પુરસ્કાર જીતીને તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર બીજા સૌથી યુવા ખેલાડી બન્યા. આ યાદીમાં પ્રથમ સ્થાને સિયેરા લિયોનના અલુસિને તુરે છે. તેમણે ડિસેમ્બર 2022માં કેમરૂન સામે T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પર 20 બોલમાં 33 રન બનાવવા ઉપરાંત 2 વિકેટ પણ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 15 વર્ષ અને 74 દિવસ હતી.
12. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ
વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં પોતાના પ્રદર્શનથી વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. ભારતે આ સિરીઝ 3-0 થી પોતાના નામે કરી હતી. જેમાં વૈભવે ત્રણ મુકાબલામાં કુલ 151 રન બનાવ્યા અને તેમનો સ્ટ્રાઇક રેટ 196.10 રહ્યો. આ શાનદાર પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા. 15 વર્ષ અને 121 દિવસની ઉંમરે આ પુરસ્કાર જીતીને તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડી બની ગયા. આ અગાઉ આ રેકોર્ડ ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માના નામે હતો, જેમણે 15 વર્ષ અને 296 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. પુરુષ ક્રિકેટમાં આ રેકોર્ડ અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાઝના નામે હતો, જેમણે 17 વર્ષ અને 300 દિવસની ઉંમરે આ પુરસ્કાર જીત્યો હતો.










