Video: ડોલરમાં કમાણી છતાં બચત માત્ર આટલી? અમેરિકાની મોંઘવારી પર ભારતીય મહિલાનો વીડિયો ચર્ચામાં

સોર્સ: gstv

અમેરિકામાં રહેતી એક ભારતીય મહિલા મહિમા રાઠીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના ભાઈ નીતિન મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર આ ક્લિપ શેર કરી હતી, જેમાં મહિમાએ પોતાની વાર્ષિક કમાણી લગભગ 1 કરોડ રૂપિયા હોવાનું જણાવવા છતાં પોતાને મિડલ ક્લાસ ગણાવી છે. તેમણે મહિનાના ખર્ચનો સંપૂર્ણ હિસાબ પણ રજૂ કર્યો છે, જેનાથી ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

જણાવ્યો મહિનાનો સંપૂર્ણ ખર્ચ

મહિલાના દાવા મુજબ, દર મહિને સૌથી પહેલા ટેક્સમાં લગભગ 1,500 ડોલર (અંદાજે 1.4 લાખ રૂપિયા) કપાઈ જાય છે. ઘરના મોર્ગેજ એટલે કે હોમ લોનના હપ્તા પાછળ 2,500 ડોલર (આશરે 2.34 લાખ રૂપિયા) ખર્ચ થાય છે. ખાવા-પીવા અને કરિયાણા (ગ્રોસરી) પાછળ 1,000 ડોલર (લગભગ 94,000 રૂપિયા) લાગી જાય છે. મેડિકલ ઇન્શ્યોરન્સ માટે 500 ડોલર (47,000 રૂપિયા), કારના ઇન્શ્યોરન્સ અને પેટ્રોલ પાછળ 500 ડોલર, ફોન-ઇન્ટરનેટ અને ઘરેલુ બિલો પાછળ 500 ડોલર, બાળકો પાછળ 300 ડોલર (આશરે 28,000 રૂપિયા) અને અન્ય પરચૂરણ ખર્ચાઓ પાછળ 200 ડોલર (લગભગ 19,000 રૂપિયા) ખર્ચ થાય છે. આ તમામ જરૂરી ખર્ચાઓ બાદ તેમની પાસે દર મહિને માત્ર 1,000 ડોલર એટલે કે અંદાજે 94,000 રૂપિયા જ બચે છે. મહિમાએ સ્પષ્ટ કહ્યું કે આમાં તેમના અંગત (પર્સનલ) ખર્ચાઓ સામેલ નથી, એટલે કે બચત ખૂબ જ મર્યાદિત રહી જાય છે.

જાહેરાત

ભારત સાથે સરખામણી

મહિમાએ જણાવ્યું કે અગાઉ ભારતમાં તેઓ વાર્ષિક લગભગ 15 લાખ રૂપિયા કમાતા હતા, પરંતુ ત્યાં બચત વધુ થઈ શકતી હતી. અમેરિકામાં ઊંચી કમાણી હોવા છતાં મોંઘવારી, ટેક્સ અને હાઉસિંગ કોસ્ટ એટલા વધારે છે કે મિડલ ક્લાસ જેવો જ અનુભવ થાય છે. તેમણે કહ્યું કે અહીં દરેક વ્યક્તિ 'સર્વાઇવલ મોડ'માં જ રહે છે.

યુઝર્સની પ્રતિક્રિયા

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર બે જૂથ પડી ગયા છે. ઘણા લોકોએ મહિમાની વાત સાથે સહમતિ દર્શાવી અને કહ્યું કે અમેરિકામાં રહેવું જેટલું લાગે છે તેટલું સરળ નથી. "ડોલરમાં કમાણી, ડોલરમાં મોંઘવારી" જેવી કોમેન્ટ્સ પણ આવી. કેટલાકે લખ્યું કે ભારતમાં ઓછી કમાણી પર પણ વધુ બચત અને આરામદાયક જીવન જીવી શકાય છે.

બીજી તરફ, કેટલાક યુઝર્સે કહ્યું કે મહિને 94,000 રૂપિયાની બચત પણ સારી કહેવાય અને અમેરિકામાં સુવિધાઓ, શિક્ષણ તથા હેલ્થકેર વધુ સારા છે. ઘણા લોકોએ પૂછ્યું કે શું 'રિટર્ન ટુ ઇન્ડિયા' (ભારત પરત ફરવું) વધુ સારો વિકલ્પ છે? આ ચર્ચામાં NRI લાઇફસ્ટાઇલ, ટેક્સ સિસ્ટમ અને કોસ્ટ ઓફ લિવિંગની સરખામણી મુખ્ય રહી. મહિમાનો આ ખુલાસો એવા યુવાનો માટે અરીસા સમાન છે જેઓ વિદેશમાં ઊંચી કમાણીના સપના જુએ છે. આ વીડિયો હજુ પણ ચર્ચામાં છે અને લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત