અમેરિકાની સેકન્ડ લાર્જેસ્ટ પીઝા ચેઈનનો સોદો, બે ભાઈઓએ શરૂ કરેલી બ્રાન્ડ 'પીઝા હટ' 2.7 બિલિયન ડોલરમાં વેચાઈ

અમેરિકાની ફેમસ ફૂડ સેક્ટરની એક બ્રાન્ડ વેચાઈ ચૂકી છે. આ અમેરિકામાં પીઝા બનાવવાના મામલામાં બીજા નંબરની કંપની છે. ક્યારેક આ કંપની શરૂ કરવા માટે બે ભાઈઓએ માતા પાસેથી ઉધાર પૈસા લઈને આઉટલેટ ખોલ્યો હતો, પરંતુ આજે આ એક પ્રખ્યાત કંપની છે, જેની એક બ્રાન્ડ, જે 'પીઝા હટ' ના નામે પ્રખ્યાત છે, તે વેચાઈ ગઈ છે. દુનિયાની પ્રખ્યાત પીઝા ચેઈન 'પીઝા હટ' (Pizza Hut) હવે એક મોટા પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહી છે.
90ના દાયકામાં અને 2000ની શરૂઆતમાં લોકો માટે આ માત્ર એક રેસ્ટોરન્ટ નહોતું, પરંતુ યાદો સાથે જોડાયેલું એક ખાસ સ્થળ હતું—જ્યાં બર્થડે પાર્ટીઓ ઉજવાતી હતી અને ફેમિલી આઉટિંગનો મુખ્ય હિસ્સો તેમનો પ્રખ્યાત 'પૅન પીઝા' (Pan Pizza) રહેતો હતો. હવે તેની પેરેન્ટ કંપની 'યમ બ્રાન્ડ્સ' (Yum Brands) દ્વારા તેને $2.7 બિલિયન (આશરે 225 અબજ રૂપિયા)માં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બદલાતા જતા બજાર, સતત વધતી હરીફાઈ (કોમ્પિટિશન) અને ઘટતી માંગના દબાણને કારણે કંપની દ્વારા આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.
પિઝા હટનો બિઝનેસ બે ભાગમાં વહેંચાશે
આ સોદા અંતર્ગત પિઝા હટનો બિઝનેસ બે ભાગમાં વહેંચાઈ જશે. જેમાંથી ચીનનો હિસ્સો 'યમ ચાઇના હોલ્ડિંગ્સ' નામની કંપની $1.2 બિલિયનમાં ખરીદશે, અને તેનો વ્યવસાય ચીન પૂરતો સીમિત રહેશે. જ્યારે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ 'લોંગરેન્જ કેપિટલ' બાકીના વૈશ્વિક બિઝનેસને $1.5 બિલિયનમાં હસ્તગત કરશે. તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ આ પ્રક્રિયા 2026ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ફેરફારથી યમ બ્રાન્ડ્સ હવે તેના વધુ નફો આપતા વ્યવસાયો જેમ કે ‘KFC’ અને ‘ટેકો બેલ’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
ભારતમાં પિઝા હટ આઉટલેટ્સ ચાલુ રહેશે
આ જાહેરાત બાદ શેરબજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. યમ બ્રાન્ડ્સે $4 બિલિયનના શેર બાયબેકની જાહેરાત કરતા તેના શેરમાં 2% નો ઉછાળો આવ્યો હતો. ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે પિઝા હટ ક્યાંય ગાયબ નથી થઈ રહી, માત્ર તેનું મેનેજમેન્ટ નવા લોકોના હાથમાં જશે. ભારતમાં પણ પિઝા હટના તમામ આઉટલેટ્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે. વર્ષ 1958માં શરૂ થયેલી અને દાયકાઓ સુધી ફાસ્ટ ફૂડ માર્કેટ પર રાજ કરનારી આ બ્રાન્ડ હવે નવા માલિકો સાથે કયો નવો વળાંક લે છે, તે જોવું રસપ્રદ રહેશે.
ચીનમાં પિઝા હટ આઉટલેટ્સ વધારશે
છેલ્લાં કેટલાક સમયથી પિઝા હટ ડિલિવરી એપ્સ, સ્થાનિક બ્રાન્ડ્સ અને ગ્રાહકોની હેલ્ધી ફૂડ તરફની પસંદગીના કારણે સંઘર્ષ કરી રહી હતી. વેચાણમાં સતત ઘટાડો નોંધાયા બાદ કંપનીએ આ વર્ષે મે મહિનામાં જ વેચાણની વાટાઘાટો શરૂ કરી દીધી હતી. જો કે, નવા ખરીદારો આ ઐતિહાસિક બ્રાન્ડને ફરીથી વેગવંતી કરવા માટે ઉત્સાહિત છે. 'યમ ચાઇના' વર્ષ 2028 સુધીમાં ચીનમાં પિઝા હટના આઉટલેટ્સ વધારીને 6,000 થી વધુ કરવાની યોજના ધરાવે છે.

