ફટાકડા ફોડી - કેક કાપી લગ્નની જેમ ધામધૂમથી ઉજવ્યા છૂટાછેડા! 'ડિવોર્સ સેરેમની'નો આ અનોખો ટ્રેન્ડ જોઈને તમે પણ ચોંકી જશો

સામાન્ય રીતે છૂટાછેડાને જીવનનો અત્યંત દુઃખદ અને તણાવપૂર્ણ તબક્કો માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ કોરિયાની એક મહિલાએ આ રૂઢિચુસ્ત વિચારસરણીને તોડીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલાએ પોતાના છૂટાછેડા પર આંસુ વહાવવાને બદલે તેને કોઈ ભવ્ય લગ્ન સમારોહની જેમ 'ડિવોર્સ સેરેમની' તરીકે ઉજવ્યા છે, જેની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.
લગ્નની જેમ જ કરી ભવ્ય ઉજવણી
અહેવાલો મુજબ, દક્ષિણ કોરિયાની આ મહિલાએ પોતાના લગ્નજીવનના અંત અને નવી આઝાદીની શરૂઆતની ખુશીમાં ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેણે નજીકના મિત્રો અને પરિવારજનોને આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં, તેણે ખાસ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું, કેક કાપી અને મહેમાનો સાથે મળીને આ ક્ષણની ઉજવણી કરી.
https://www.instagram.com/reels/Dfo5P7QSvZk/
છૂટાછેડાને નવી શરૂઆત ગણાવી
મહિલાનું માનવું છે કે, જ્યારે કોઈ સંબંધમાં ખુશી ન રહે અને તે બોજ બની જાય, ત્યારે તેમાંથી બહાર નીકળવું એ કોઈ હાર નથી પરંતુ પોતાની જાતને ફરીથી શોધવાની અને નવી જિંદગી શરૂ કરવાની તક છે. તેણે પોતાના સંદેશમાં જણાવ્યું કે, સમાજમાં છૂટાછેડાને લઈને જે નકારાત્મક દૃષ્ટિકોણ છે તેને બદલવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા વખાણ
આ અનોખી 'ડિવોર્સ સેરેમની'ની તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સે મહિલાની હિંમત અને સકારાત્મક વિચારસરણીની પ્રશંસા કરી છે. ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું કે, ખોટા સંબંધમાં ગૂંગળાવા કરતાં આ રીતે ખુશીથી અલગ થવું વધુ સારું છે. નોંધનીય છે કે, આજકાલ દક્ષિણ કોરિયા સહિત વિશ્વના અનેક દેશોમાં 'ડિવોર્સ પાર્ટી'નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.










