પરિવાર કે મિત્રોના મોટા ગ્રુપ સાથે ટ્રેનમાં જવું છે? રેલવેનો નવો નિયમ જાણીને ખુશ થઈ જશો

જો તમે તમારા પરિવાર, સગાંસંબંધીઓ કે મિત્રોના મોટા ગ્રુપ સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે એક અત્યંત રાહતના સમાચાર છે. ભારતીય રેલવેના દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોને ગ્રુપ અને બલ્ક ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, હવે ગ્રુપ રિઝર્વેશનમાં એકસાથે બુક થનારી બર્થની સંખ્યા પર કોઈ નિશ્ચિત મર્યાદા રહેશે નહીં.
રેલવેના આ નિર્ણયથી લગ્ન પ્રસંગે જતા પરિવારો, જાનૈયાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, તીર્થયાત્રીઓ અને સ્પોર્ટ્સ ટીમોને એકસાથે ટિકિટ મેળવવામાં મોટી સરળતા રહેશે.
ગ્રુપ ટિકિટ બુકિંગના નિયમોમાં શું થયો મોટો ફેરફાર?
દક્ષિણ પશ્ચિમ રેલવેએ બલ્ક અને ગ્રુપ રિઝર્વેશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે:
● બર્થની કોઈ મહત્તમ મર્યાદા નહીં: સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ગ્રુપ બુકિંગ માટે સીટોની કોઈ નિશ્ચિત મહત્તમ સંખ્યા નક્કી કરવામાં આવી નથી. અગાઉ આ પ્રકારના બુકિંગમાં બર્થની સંખ્યાને લઈને કેટલીક મર્યાદાઓ હતી, જે હવે હટાવી લેવામાં આવી છે.
● અધિકારીઓને અપાઈ વિશેષ સત્તા: નવા નિયમો હેઠળ ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર અને સ્ટેશન મેનેજરને ગ્રુપ બુકિંગને મંજૂરી આપવાનો અધિકાર સોંપવામાં આવ્યો છે. આ અધિકારીઓ મુસાફરોની જરૂરિયાત અને અરજીમાં આપેલી વિગતોના આધારે કોઈપણ નિશ્ચિત બર્થ લિમિટ વિના બુકિંગને મંજૂરી આપી શકે છે.
● તમામ ક્લાસમાં લાગુ: ગ્રુપ રિઝર્વેશનની આ સુવિધા ટ્રેનના તમામ ક્લાસ (Sleeper થી લઈને AC સુધી)માં લાગુ રહેશે.
સવારે 9 વાગ્યાથી કરી શકાશે ગ્રુપ બુકિંગ માટે અરજી
રેલવેના નવા નિયમો અનુસાર, મુખ્ય રિઝર્વેશન સેન્ટરો પર ગ્રુપ ટિકિટ બુકિંગ માટે સવારે 9:00 વાગ્યાથી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ સમય સામાન્ય મુસાફરો માટે એડવાન્સ રિઝર્વેશન બુકિંગ શરૂ થયાના એક કલાક પછીનો છે. અર્થાત્, જે દિવસે કોઈ ટ્રેનનું એડવાન્સ ટિકિટ બુકિંગ ખુલે, તે જ દિવસે સવારે 9 વાગ્યાથી ગ્રુપ રિઝર્વેશન માટે અરજી કરી શકાશે.
ટિકિટ બુકિંગ માટે કઈ માહિતી આપવી ફરજિયાત છે?
● સીધી અરજી કરવી પડશે: ગ્રુપમાં ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ રેલવેના અધિકૃત અધિકારી પાસે સીધી અરજી કરવાની રહેશે. સામાન્ય સંજોગોમાં ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. જોકે, વિદેશી પ્રવાસીઓ અને NRI માટે જૂના નિયમો જ યથાવત રહેશે.
● મુસાફરોની સંપૂર્ણ વિગત: અરજી સાથે ગ્રુપમાં મુસાફરી કરનારા તમામ લોકોની વિગતો આપવી ફરજિયાત છે, જેમાં દરેકનું નામ, ઉંમર, લિંગ અને સરનામું સામેલ હોવું જોઈએ.
● મુસાફરીનું સ્પષ્ટ કારણ: આ ઉપરાંત અરજીમાં મુસાફરી કરવાનું ચોક્કસ કારણ જણાવવું પણ જરૂરી છે. જો અરજીમાં જરૂરી વિગતો અધૂરી હશે અથવા મુસાફરીનું કારણ સ્પષ્ટ નહીં હોય, તો રેલવે બુકિંગની મંજૂરી આપશે નહીં.
વળતી મુસાફરી અને ઝોન સંબંધિત ખાસ નોંધ
● રિટર્ન ટિકિટ માટે અલગ બુકિંગ: જો તમે જવા અને આવવા એમ બંને તરફની ટિકિટ એકસાથે બુક કરાવવા માંગતા હોવ, તો રેલવેના નિયમો હેઠળ વળતી મુસાફરી માટે પણ અરજી કરી શકાય છે. જોકે, વળતી મુસાફરીની ટિકિટ બુકિંગને એક અલગ રિઝર્વેશન ગણવામાં આવશે.
● હાલ માત્ર દક્ષિણ પશ્ચિમ રેલવેમાં લાગુ: મુસાફરોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ ફેરફાર હાલમાં માત્ર દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોનના ગ્રુપ અને બલ્ક રિઝર્વેશન નિયમો માટે જ કરવામાં આવ્યો છે. તેને સમગ્ર ભારતીય રેલવેમાં લાગુ થયેલો નિયમ સમજવો જોઈએ નહીં.










