રેશન લેવા જતા પહેલા વાંચી લેજો આ સમાચાર! ગુજરાત પુરવઠા વિભાગની સિસ્ટમ ખોટકાઈ, હજારો ગરીબ પરિવારો અનાજ વિના પરત ફરવા મજબૂર!

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર શુક્રવારે (20 નવેમ્બર) વહેલી સવારથી ઠપ થઈ જતાં સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. રાજ્યની 17 હજારથી વધુ વ્યાજબી ભાવની રેશન દુકાનોમાં અનાજનું વિતરણ અટકી પડ્યું હતું. નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો મેળવવા દુકાનો પર પહોંચેલા હજારો રેશનકાર્ડ ધારકોને અનાજ લીધા વિના જ પરત ફરવાની ફરજ પડી હતી. ઓનલાઇન પોઈન્ટ ઓફ સેલ (POS) સિસ્ટમ કાર્યરત ન હોવાથી દુકાન સંચાલકો પણ અનાજ વિતરણ કરી શક્યા નહોતા.
કાર્ડધારકો અને દુકાન સંચાલકો વચ્ચે રકઝક અને ઘર્ષણના બનાવો
નવેમ્બર મહિનાના બીજા પખવાડિયામાં જ સર્જાયેલી આ ટેકનિકલ ખામીને કારણે એક તરફ રેશનકાર્ડ ધારકોને પોતાના હક્કનો અનાજ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ દુકાન સંચાલકો પણ ગ્રાહકોને અનાજ આપી શકવાની સ્થિતિમાં નહોતા. સર્વર બંધ હોવાને કારણે અનેક રેશન દુકાનોમાં અનાજ લેવા આવેલા કાર્ડધારકો અને દુકાન સંચાલકો વચ્ચે રકઝક અને ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. ગ્રાહકો અનાજની માગ કરી રહ્યા હતા, પરંતુ ઓનલાઈન વ્યવહાર પૂર્ણ ન થવાને કારણે સંચાલકો માટે વિતરણ કરવું શક્ય બન્યું નહોતું.
વારંવાર ટેકનિકલ ખામીઓ અને સર્વરની સમસ્યાઓ સર્જાતા લોકોમાં રોષ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010થી રાજ્યમાં બારકોડ આધારિત રેશનકાર્ડ સિસ્ટમ અમલી બનાવવામાં આવી હતી. જોકે, આ ઓનલાઈન વ્યવસ્થામાં વારંવાર ટેકનિકલ ખામીઓ અને સર્વરની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઊઠતી રહી છે. આવી ખામીઓને કારણે જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાતાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને પોતાના હક્કના અનાજ માટે વારંવાર રેશન દુકાનોના ધક્કા ખાવા પડે છે. આ વખતે પણ સર્વર બંધ રહેતાં રાજ્યભરમાં અનાજ વિતરણની કામગીરી પર અસર પડી હતી.
રેશન દુકાનદારોના એસો. દ્વારા પુરવઠા વિભાગને કરાઈ જાણ, વ્યવસ્થા પુનછ સ્થાપિત કરવા માગ
આ દરમિયાન, ગુજરાતભરના રેશન દુકાનદારોના એસોસિયેશન દ્વારા નાગરિક પુરવઠા વિભાગ સમક્ષ ઓનલાઇન સિસ્ટમને તાત્કાલિક અપડેટ કરવાની અને સર્વરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે. સાથે જ બંધ પડેલી અનાજ વિતરણ વ્યવસ્થાને વહેલી તકે પુનઃ કાર્યરત કરવા પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી રેશનકાર્ડ ધારકોને પોતાના હક્કનો જથ્થો મેળવવા માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.












