ગુજરાતમાં વાહનો પર જાતિ લખવા પર પ્રતિબંધ: બાઈક, કારથી ટ્રક સુધી નવા નિયમો લાગુ

ગુજરાતમાં વાહનો પર જાતિ લખવા પર પ્રતિબંધ: બાઈક, કારથી ટ્રક સુધી નવા નિયમો લાગુ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર પોતાની જ્ઞાતિ કે જાતિનું પ્રદર્શન કરતા શબ્દો, ચિહ્નો કે આકૃતિઓ લખવી ભારે પડી શકે છે. રાજ્ય સરકારે ટુ-વ્હીલરથી લઈને કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ અને ચિહ્નો દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે 17 નવેમ્બર, 2026ના રોજ જાહેરનામું બહાર પાડીને 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' અમલી બનાવ્યા છે.

મોટર વાહન નિયમોમાં બે મહત્વના સુધારા

નવા નિયમો અંતર્ગત ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં બે મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. નિયમ 125(1)માં ફેરફાર કરીને વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓની સાથે હવે જાતિસૂચક ચિહ્નો (Caste Signage)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમ 138માં નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્ય સરકારની ખાસ મંજૂરી સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનાં ઉપકરણો, જાતિ દર્શાવતા ચિહ્નો, આકૃતિઓ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ નિયમનો મુસદ્દો 11 જૂન, 2026ના રોજ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધો ન મળતાં સરકારે તેને આખરી મંજૂરી આપી છે.

જાહેરાત

'કોઈપણ પ્રકારનું લખાણ' શબ્દપ્રયોગથી વિવાદની શક્યતા

સરકારના નિર્ણયથી વાહનો પર જાતિનું પ્રદર્શન અટકાવવાનો પ્રયાસ થયો છે, પરંતુ નવા નિયમોમાં વપરાયેલા 'કોઈપણ પ્રકારનું લખાણ' શબ્દપ્રયોગને કારણે કેટલાક સવાલો ઊભા થયા છે.

- ધાર્મિક લખાણ પર પણ પ્રતિબંધ લાગશે? નિયમમાં કોઈપણ પ્રકારનું લખાણ દર્શાવવા પર પ્રતિબંધ હોવાથી 'જય શ્રી રામ', 'જય માતાજી', દેશભક્તિનાં સૂત્રો કે 'બેબી ઓન બોર્ડ' જેવા સામાન્ય સ્ટીકર પર પણ કાર્યવાહી થઈ શકે કે કેમ તે અંગે અસ્પષ્ટતા છે.

- દંડ કેટલો થશે? નિયમનો ભંગ કરનાર વાહનચાલકને કેટલો દંડ થશે અથવા વાહન જપ્ત કરવામાં આવશે કે કેમ તે અંગે જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

- સરકારી મંજૂરીના માપદંડ શું? નિયમમાં રાજ્ય સરકારને વિશેષ સંજોગોમાં અપવાદ આપવાની સત્તા આપવામાં આવી છે. જોકે, કઈ વ્યક્તિ કે સંસ્થાને અને કયા આધારે છૂટછાટ મળશે તે અંગે કોઈ સ્પષ્ટ માપદંડ જાહેર કરાયા નથી.

- જનજાગૃતિ વિના નિયમ અમલી બન્યો? સરકારે મુસદ્દો રાજપત્રમાં પ્રસિદ્ધ કરીને વાંધા મંગાવ્યા હતા, પરંતુ સામાન્ય નાગરિકો સુધી તેની પૂરતી જાણકારી પહોંચી હતી કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

વાહનચાલકોમાં મૂંઝવણની શક્યતા

સરકારનો હેતુ વાહનો પર જાતિ આધારિત ઓળખ અને પ્રદર્શનને અટકાવવાનો છે. જોકે, નવા નિયમોમાં લખાણની વ્યાપક વ્યાખ્યા, દંડની જોગવાઈ અને સરકારી અપવાદોના માપદંડ અંગે સ્પષ્ટતા ન હોવાથી વાહનચાલકોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. હવે ટ્રાફિક પોલીસ આ નિયમનો અમલ કઈ રીતે કરે છે અને સરકાર આ અસ્પષ્ટતાઓ અંગે કોઈ સ્પષ્ટતા જાહેર કરે છે કે કેમ તેના પર નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત