અમદાવાદ નજીક ગમખ્વાર અકસ્માત: બાવળાથી ચાંગોદર નોકરી પર જઈ રહેલા 4 કર્મચારીઓની કારને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત!

અમદાવાદ નજીક આવેલા સરખેજ-બાવળા હાઈવે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા આઇશર ટ્રકની પાછળ એક હ્યુન્ડાઈ i10 કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ભયંકર દુર્ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, આ ચારેય વ્યક્તિઓ બાવળાથી સાણંદ-ચાંગોદર તરફ આવી રહ્યા હતા. આ તમામ લોકો ચાંગોદર સ્થિત એક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. હાઈવે પરથી પસાર થતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અથવા અંધારા/અન્ય કારણોસર સાઈડમાં ઉભેલા આઇશરની પાછળ કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ભોજા ગામના રહેવાસી રમેશ કાળીદાસ બારૈયાનું ગંભીર ઈજાઓને કારણે કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક રમેશભાઈના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











