ધોલેરામાં SMC નો મોટો સપાટો! હાઈવે પરથી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મચ્યો ફફડાટ!

ધોલેરામાં SMC નો મોટો સપાટો! હાઈવે પરથી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મચ્યો ફફડાટ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બૂટલેગરો પર લગામ કસવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ધોલેરા પોલીસ સ્ટેશનની હદમાં SMC ની ટીમે સફળ રેડ કરીને ₹8.88 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સ્થાનિક પોલીસની હદમાં SMC ની આ રેડથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે પીપળી-ફેદરા હાઈવે રોડ પર કામિયાળા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ વાહનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 31 પેટીઓ મળી આવી હતી. પોલીસે ₹8.88 લાખથી વધુનો દારૂનો જથ્થો, વાહન અને મોબાઇલ ફોન સહિત કુલ ₹17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જાહેરાત

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના બે શખ્સો રાણારામ બિશ્નોઈ અને બાબુલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. જ્યારે દારૂના આ નેટવર્કમાં સામેલ બળવંતરામ ઉર્ફે ભરત બિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

હાલ આ સમગ્ર મામલે ધોલેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત