2015માં મૃત્યુ પામેલી મહિલા સામે સુરત કલેક્ટરે ફટકાર્યો ₹8 લાખનો દંડ, હાઇકોર્ટે લગાવી રોક

સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરતો એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં સામે આવ્યો છે. વર્ષ 2015માં અવસાન પામેલી મહિલાને બિનખેતી (NA) જમીનની પરવાનગીની શરતોના ભંગ બદલ સુરત જિલ્લા કલેક્ટરે ₹8 લાખનો દંડ ફટકાર્યો હતો. આ મામલે મહિલાના પુત્રોએ હાઇકોર્ટમાં અરજી કરતાં કોર્ટે દંડના આદેશ પર વચગાળાની રોક લગાવી છે. સાથે જ રાજ્ય સરકાર, સુરત કલેક્ટર અને ઓલપાડના મામલતદારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસમાં ફાતિમાબીબી યુસુફખાનના પુત્રો ઐજાઝખાન અને અયાઝખાને હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેમની રજૂઆત મુજબ, માતાના અવસાનના લગભગ 10 વર્ષ બાદ તેમની સામે દંડનો આદેશ કરવામાં આવ્યો હતો.
નોટિસ અને દંડના આદેશ સામે પુત્રોની અરજી
અરજદારોના જણાવ્યા અનુસાર, ફાતિમાબીબીએ ઓલપાડમાં જમીન ખરીદી હતી અને બાંધકામની મંજૂરી મેળવ્યા બાદ તેના પર મકાનો બનાવ્યાં હતાં. જોકે, 31 ઓગસ્ટે સુરત જિલ્લા કલેક્ટરે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 67 હેઠળ NA પરવાનગીની શરતોના ભંગ બદલ ફાતિમાબીબીને કારણદર્શક નોટિસ પાઠવી હતી. પરિવારને આ નોટિસ 10 સપ્ટેમ્બરે મળી હતી, જ્યારે કલેક્ટરે 16 સપ્ટેમ્બરે જ ₹8 લાખના દંડનો આદેશ પસાર કરી દીધો હતો. પરિવારને આ આદેશની જાણ 25 સપ્ટેમ્બરે થઈ હતી. પુત્રોએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે જે વ્યક્તિનું વર્ષ 2015માં જ અવસાન થઈ ચૂક્યું હોય તેની સામે દંડનો આદેશ પસાર કરવો ગેરકાયદેસર છે. વધુમાં, દંડ ફટકારતા પહેલાં તેમને સાંભળવાની તક પણ આપવામાં આવી નહોતી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ છે.
મહેસૂલી રેકર્ડમાં વારસદારોનાં નામનો મુદ્દો
સુનાવણી દરમિયાન જસ્ટિસ પી. એમ. રાવલે સવાલ ઉઠાવ્યો હતો કે ફાતિમાબીબીના અવસાન બાદ મહેસૂલી રેકર્ડમાં તેમના કાયદેસરના વારસદારોનાં નામ દાખલ કરવામાં આવ્યાં હતાં કે નહીં? જો વારસદારોનાં નામ નોંધાયેલાં ન હોય, તો કલેક્ટરને માલિકીના ફેરફાર અથવા જમીનમાલિકના મૃત્યુની જાણ થવાની શક્યતા ન હોવાનો મુદ્દો પણ કોર્ટે ધ્યાનમાં લીધો હતો. જોકે, કોર્ટે આ મામલે વચગાળાની રાહત આપતાં સંબંધિત સત્તાવાળાઓને 7 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
2005માં મૃત્યુ પામેલા વ્યક્તિ સામે પણ દંડનો આદેશ
આ જ જમીન વ્યવહાર સાથે જોડાયેલા અન્ય એક કેસમાં પણ મૃત વ્યક્તિ સામે દંડનો આદેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ફાતિમાબીબીએ વર્ષ 1999માં નૂરમોહમ્મદ શેખ પાસેથી બીજી જમીન ખરીદી હતી. જોકે, આ કેસમાં શેખનું વર્ષ 2005માં જ અવસાન થઈ ચૂક્યું હોવા છતાં તેમની સામે દંડનો આદેશ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ફાતિમાબીબીની તરફેણમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ હોવા છતાં ગામના નમૂના નંબર 7/12ના મહેસૂલી રેકર્ડમાં તેમનું નામ નોંધાયેલું નહોતું. કોર્ટે અવલોકન કર્યું કે આવા સંજોગોમાં પ્રથમદર્શી રીતે જિલ્લા કલેક્ટરનો વાંક કાઢી શકાય તેમ નથી, પરંતુ હકીકત એ છે કે દંડનો આદેશ એક મૃત વ્યક્તિ વિરુદ્ધ પસાર કરવામાં આવ્યો છે. આ બંને મામલાઓમાં હાઇકોર્ટની નોટિસ બાદ હવે રાજ્ય સરકાર અને સંબંધિત મહેસૂલી અધિકારીઓએ પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.











