ગુજરાતના ગૃહ વિભાગના કર્મચારી સાથે સાયબર છેતરપિંડી: ક્રેડિટ કાર્ડ સર્વિસ બંધ કરવાના બહાને ₹70,702 પડાવ્યા

સાયબર ગઠિયાઓ હવે સરકારી કર્મચારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ગાંધીનગરમાં ગુજરાતના ગૃહ વિભાગના એક કર્મચારી સાથે ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન સર્વિસ બંધ કરવાના બહાને ₹70,702ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બેંક અધિકારી તરીકે ઓળખ આપનાર ગઠિયાએ નકલી વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમથી કર્મચારીની ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી OTP મારફતે નાણાં ઉપાડી લીધા હતા. આ મામલે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બેંક અધિકારી બનીને કર્યો ફોન
ફરિયાદ મુજબ, 18 નવેમ્બરના રોજ કર્મચારી ગાંધીનગરના સેક્ટર-7 શોપિંગ સેન્ટરમાં પ્લમ્બિંગ ફિટિંગ્સ ખરીદવા ગયા હતા. આ દરમિયાન તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપીને જણાવ્યું હતું કે તેમના ક્રેડિટ કાર્ડ પર 'ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન' સર્વિસ એક્ટિવેટ થઈ ગઈ છે. આ સર્વિસ બંધ નહીં કરાવવામાં આવે તો તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે તેવી વાત કરીને ગઠિયાએ કર્મચારીને ડરાવ્યા હતા. કર્મચારીએ સર્વિસ બંધ કરવાની તૈયારી દર્શાવતાં ગઠિયાએ તેમને ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવાનું શરૂ કર્યું હતું.
નકલી વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી
ગઠિયાની સૂચના મુજબ કર્મચારીએ ગૂગલ ક્રોમમાં 'indusind.web.app' નામની વેબસાઇટ ખોલી હતી. આ વેબસાઇટ પર તેમણે પોતાનું નામ, મોબાઇલ નંબર અને ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરી હતી. ત્યારબાદ ગઠિયાએ વેબસાઇટ મારફતે OTP જનરેટ કરવાની સૂચના આપી હતી. જોકે, બે વખત પ્રયાસ કરવા છતાં કર્મચારીના મોબાઇલ પર OTP આવ્યો નહોતો. આથી ગઠિયાએ બેંકના નામવાળી અન્ય એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેમાં જરૂરી પરમિશન આપવા જણાવ્યું હતું.
OTP દાખલ કરતાં જ ખાતામાંથી ₹70,702 કપાયા
કર્મચારીએ ગઠિયાની સૂચના મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, પરંતુ તેમાં માત્ર બ્લેક સ્ક્રીન દેખાતી હતી. ત્યારબાદ ગઠિયાએ ફરીથી વેબસાઇટ પર જઈ OTP માટે રિક્વેસ્ટ કરવા જણાવ્યું હતું. આ વખતે કર્મચારીના મોબાઇલ પર OTP આવ્યો હતો. તેમણે વેબસાઇટમાં OTP દાખલ કરતાં જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી ₹70,702 ડેબિટ થઈ ગયા હતા. આ રીતે ગઠિયાએ ગણતરીની મિનિટોમાં જ કર્મચારીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
વધુ એક OTP માંગતાં કર્મચારીને શંકા ગઈ
નાણાં કપાઈ ગયા હોવા છતાં ગઠિયાએ કર્મચારીને જણાવ્યું હતું કે આ રકમ માત્ર કામચલાઉ ધોરણે બ્લોક થઈ છે અને તેને પરત મેળવવા માટે વધુ એક OTP દાખલ કરવો પડશે. જોકે, કર્મચારીને છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં તેમણે તાત્કાલિક ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર જાણ કરી હતી અને ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે બેંકના નામે આવતા અજાણ્યા ફોન, શંકાસ્પદ વેબસાઇટ અને એપ્લિકેશનથી સાવચેત રહેવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ સાથે OTP, ક્રેડિટ કાર્ડની વિગતો કે બેંકિંગ માહિતી શેર કરવી નહીં.












