પશ્ચિમ રેલવેની મોટી સિદ્ધિ: એક જ બ્લોકમાં ત્રણ બ્રિજનું કામ, 500 ટનની ત્રણ ક્રેનનો ઉપયોગ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને એન્જિનિયરિંગ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મોરબી જિલ્લાના વિરમગામ-સામખિયાળી રેલવે સેક્શનમાં એક જ ટ્રાફિક બ્લોક દરમિયાન ત્રણ રેલવે બ્રિજનું કામ પૂર્ણ કરવા માટે એકસાથે 500-500 ટનની ક્ષમતા ધરાવતી ત્રણ વિશાળ ક્રેન તૈનાત કરવામાં આવી હતી. કુલ 1,500 ટન ક્ષમતા ધરાવતી આ ભારે મશીનરીની મદદથી રેલવેએ એક જ સમયે ત્રણ અલગ-અલગ સ્થળોએ કામગીરી હાથ ધરી હતી.
એકસાથે ત્રણ સ્થળે એન્જિનિયરિંગ ઓપરેશન
પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વઘારવા અને માળિયા મિયાણા વચ્ચે આ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે બ્રિજ પર પાણીના નિકાલ (Water Discharge) માટેનાં માળખાં તૈયાર કરવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે આ પ્રકારની કામગીરી માટે અલગ-અલગ તબક્કામાં અનેક ટ્રાફિક બ્લોક લેવાની જરૂર પડતી હોય છે. જોકે, ત્રણેય ક્રેન એકસાથે તૈનાત કરાતાં એન્જિનિયરિંગ ટીમોએ એક જ બ્લોકમાં ત્રણ સ્થળોએ કામ કર્યું હતું. પરિણામે ટ્રેન વ્યવહાર પર થતી અસરને ઓછામાં ઓછી રાખવામાં સફળતા મળી હતી.
પૂરના પાણીનો નિકાલ સુધરશે, ટ્રેકને સુરક્ષા મળશે
આ નવા માળખાં તૈયાર થવાથી વરસાદ અને પૂરના પાણીનો નિકાલ વધુ સરળ બનશે. સાથે જ રેલવે ટ્રેકની નીચેની માટીનું ધોવાણ (Soil Erosion) અટકાવવામાં અને રેલવેના પાળા (Embankment)ને નુકસાનથી બચાવવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે માળિયા મિયાણા વિસ્તારમાં 1979, 2017 અને ઓગસ્ટ 2024માં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોમાં રેલવે માળખાને સુરક્ષિત બનાવવા પશ્ચિમ રેલવે દ્વારા વ્યાપક પૂર-સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
3.7 કિમીની સુરક્ષા દીવાલ અને 12 વધારાના માર્ગો
પૂર સામે રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવવા ડિવિઝન દ્વારા આશરે 3.7 કિલોમીટર લાંબી સુરક્ષા દીવાલો બનાવવામાં આવી છે. આ ઉપરાંત પાણીના ઝડપી નિકાલ માટે 12 વધારાના માર્ગો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
કંડલા-મુન્દ્રા બંદરોના રેલવે જોડાણને ફાયદો
આ સુધારાઓથી કંડલા અને મુન્દ્રા બંદરોને દેશનાં વિવિધ ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડતા મહત્વપૂર્ણ રેલવે નેટવર્કની વિશ્વસનીયતા વધવાની અપેક્ષા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પેસેન્જર ટ્રેનોની સાથે માલવાહક ટ્રેનોની અવરજવર પણ વધુ સુરક્ષિત અને સરળ બની શકશે. પશ્ચિમ રેલવેનું આ ઓપરેશન પૂરપ્રવણ વિસ્તારોમાં રેલવે માળખાને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.













