ગુજરાતમાં વીમા ક્લેમનું કૌભાંડ: 25 અકસ્માતોમાં એક જ ડ્રાઇવર, 36 કેસમાં એક જ માલિક!

ગુજરાતમાં વીમા ક્લેમનું કૌભાંડ: 25 અકસ્માતોમાં એક જ ડ્રાઇવર, 36 કેસમાં એક જ માલિક!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં મોટર અકસ્માતના વળતર (Motor Accident Compensation) મેળવવા માટે બનાવટી અકસ્માત ક્લેમનું કૌભાંડ સામે આવ્યું છે. એક વીમા કંપનીની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં એક જ વ્યક્તિને 25 અલગ-અલગ અકસ્માતના કેસોમાં ડ્રાઇવર તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિનું નામ 36 કેસમાં ડ્રાઇવર અથવા વાહનમાલિક તરીકે સામે આવ્યું છે. આ બંને વ્યક્તિઓ કમિશન લઈને અકસ્માતના કેસોમાં ભાડૂતી આરોપી બનતા હોવાનો આક્ષેપ છે. આ મામલે કોઠંબા પોલીસે બંને વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે.

ત્રણ વર્ષ પછી અચાનક મળી ડ્રાઇવરની ઓળખ

આ સમગ્ર મામલો 15 માર્ચ, 2014ના રોજ બનેલા અકસ્માતથી સામે આવ્યો હતો. મહીસાગર જિલ્લાના અટાણા મુવાડા ગામમાં હનુમાન મંદિર પાસે સ્કૂટર પર જઈ રહેલા રમેશ બારિયાને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઠંબા પોલીસે અજાણ્યા ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ બારિયાના પરિવારે ગોધરાની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT) સમક્ષ રૂ.23.4 લાખના વળતરનો દાવો કર્યો હતો. જોકે, અકસ્માતના ત્રણ વર્ષ બાદ વળતરની કાર્યવાહી દરમિયાન મુસેબ ઇદ્રીશ સમોલને ઇન્ડિકા કારનો ડ્રાઇવર અને અસલમ મહમદ ચુંચાલાને કારના માલિક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ અચાનક થયેલી ઓળખથી વીમા કંપનીને શંકા ગઈ હતી.

જાહેરાત

તપાસમાં 25 અને 36 કેસની વિગતો બહાર આવી

વીમા કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે સમોલને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 25 MACT કેસોમાં ડ્રાઇવર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ચુંચાલાનું નામ 36 કેસોમાં સામે આવ્યું હતું. જેમાં સાત કેસમાં તેને વાહનમાલિક અને 29 કેસમાં ડ્રાઇવર તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

5થી 10 ટકા કમિશન લેવાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, અજાણ્યા ડ્રાઇવરોની ઓળખ ન થઈ શકતી હોય તેવા અકસ્માતના કેસોમાં આ બંને વ્યક્તિઓ પોતાને ડ્રાઇવર અથવા વાહનમાલિક તરીકે રજૂ કરતા હતા. જેથી પીડિત પરિવારોને MACT સમક્ષ વળતરનો દાવો કરવામાં મદદ મળી શકે. આ કામના બદલામાં વળતરની રકમના 5થી 10 ટકા કમિશન મેળવતા હોવાનો આક્ષેપ છે. વીમા કંપનીએ 16 ઓક્ટોબર, 2026ના રોજ તપાસ અહેવાલના આધારે કોઠંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બંને સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406, 420 અને 120(B) હેઠળ ગુનો નોંધાયો છે.

ચુંચાલા સામે અગાઉ પણ ફરિયાદ

ચુંચાલા સામે આ પ્રકારની અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે. 18 ડિસેમ્બર, 2024ના રોજ ગોધરા તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં તેના પર 2015ના અકસ્માતના કેસમાં ખોટી રીતે ડ્રાઇવર તરીકે રજૂ થઈ રૂ.3 લાખનો વળતર ક્લેમ મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો. અગાઉની તપાસમાં પણ તેની સંડોવણીના 24 કેસ સામે આવ્યા હતા. હવે નવા ખુલાસા બાદ સમગ્ર વીમા ક્લેમ કૌભાંડની તપાસ તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત