Video: દેવદિવાળી સુધી ચાલશે વૌઠાનો લોકમેળો: મોતનો કૂવો, જળપરી અને ચકડોળ મચાવશે ધૂમ; યાત્રાળુઓના સ્નાન માટે કરાઈ આ ખાસ વ્યવસ્થા!

સોર્સ: gstv

ગુજરાતના સુપ્રસિદ્ધ અને ભાતીગળ એવા વૌઠાના લોકમેળાનો આજથી (20 નવેમ્બર) વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. ચકલેશ્વર મહાદેવના પટાંગણ અને પવિત્ર સપ્ત નદીના સંગમ કિનારે ભરાતા આ ઐતિહાસિક મેળાને આજે મહાનુભાવો અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ સંતો-મહંતોના હસ્તે રિબિન કાપીને મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળો 20 નવેમ્બર એટલે કે કાર્તિકી અગિયારસથી શરૂ થઈને 25 નવેમ્બર એટલે કે કાર્તિકી પૂનમ (દેવદિવાળી) સુધી સતત પાંચ દિવસ અને રાત ચાલુ રહેશે.

જાહેરાત

મનોરંજનના આકર્ષણો અને સુવિધાઓ

વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મેળામાં આવતા સહેલાણીઓના મનોરંજન માટે મોટા ચકડોળ, જળપરી, મોતનો કૂવો અને અન્ય અવનવી રાઇડ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુલાકાતીઓ સરળતાથી હરી-ફરી શકે તે માટે 30 ફૂટ પહોળા રસ્તા બનાવવામાં આવ્યા છે અને સમગ્ર મેળા પરિસરને સીસીટીવી (CCTV) કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સપ્ત સંગમ સ્થાને યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરી શકે તે માટે તંત્ર દ્વારા વાત્રક નદીમાંથી શુદ્ધ પાણી લાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

1090થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

મેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 1 ડીવાયએસપી (DySP), 8 પીઆઈ (PI), 22 પીએસઆઈ (PSI), 244 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ, 335 હોમગાર્ડ, 244 જીઆરડી (GRD) અને 55 એસઆરપી (SRP) જવાનો સહિત કુલ અંદાજે 1090થી વધુ પોલીસ કર્મચારીઓ દિવસ-રાત ખડેપગે તૈનાત રહેશે.

આજથી મેળો ખુલ્લો મુકાતા જ હવે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ દિવસ-રાત આ ભાતીગળ મેળાની મોજ માણવા ઉમટી પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત