આતંકી પન્નુના કેસમાં અમેરિકન કોર્ટે અજિત ડોભાલને સમન્સ મોકલવાનો કર્યો આદેશ! ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો સણસણતો જવાબ

આતંકી પન્નુના કેસમાં અમેરિકન કોર્ટે અજિત ડોભાલને સમન્સ મોકલવાનો કર્યો આદેશ! ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો સણસણતો જવાબ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસના સંદર્ભમાં અમેરિકાની એક કોર્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને સમન્સ મોકલવાનો આદેશ જારી કર્યો છે. જોકે, અમેરિકન કોર્ટના આ પગલા પર ભારતે આકરો વળતો પ્રહાર કરતા આ સમગ્ર મામલાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે.

વિદેશ મંત્રાલયનો આકરો જવાબ

જાહેરાત

અમેરિકન કોર્ટે દિલ્હીની અદાલતોના માધ્યમથી માત્ર NSA અજિત ડોભાલ જ નહીં, પરંતુ ભારતીય ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના પૂર્વ વડા સામંત ગોયલને પણ સમન્સ મોકલવાનો આદેશ આપ્યો હતો. આ મુદ્દે જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું હતું કે, "મેં અગાઉ પણ કહ્યું છે કે અમે આવા પાયાવિહોણા કેસને ફગાવીએ છીએ."

દિલ્હીની અદાલતો મારફતે સમન્સ મોકલવાનો નિર્દેશ

અમેરિકાના ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગત 13 નવેમ્બરના રોજ આ આદેશ જારી કર્યો હતો. કોર્ટે પોતાના ક્લર્કને સૂચના આપી હતી કે અજિત ડોભાલ માટે દિલ્હીની પટિયાલા હાઉસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને સામંત ગોયલ માટે દ્વારકા તેમજ તીસ હજારી કોર્ટમાં સમન્સ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો મોકલવામાં આવે. આમ, અમેરિકન અદાલતે દિલ્હીની સ્થાનિક કોર્ટો દ્વારા બંને અધિકારીઓને સમન્સ બજાવવા માટે કહ્યું હતું.

હેગ કન્વેન્શન અને ભારતીય કાયદાનો અપાયો હવાલો

અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ કેથરીન પોલ્ક ફૈલાએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, તેમની કોર્ટમાં પેન્ડિંગ આ સિવિલ કેસમાં પ્રતિવાદીઓ પર પ્રક્રિયાની બજવણી કરવા માટે ભારતીય અદાલતોની મદદ માટે આદરપૂર્વક વિનંતી કરવામાં આવે છે. જજ ફૈલાએ હેગ કન્વેન્શન અને ઈન્ડિયન કોડ ઓફ સિવિલ પ્રોસિજર (CPC) નો હવાલો આપતા કહ્યું કે વિદેશી અદાલતો ભારતીય કોર્ટના માધ્યમથી ડોભાલ અને ગોયલને સમન્સ મોકલી શકે છે. અમેરિકન કોર્ટે એવું પણ સ્વીકાર્યું કે હેગ કન્વેન્શન હેઠળ ભારતની સેન્ટ્રલ ઓથોરિટી મારફતે સમન્સ મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને તેને ફગાવી દેવામાં આવ્યો હતો.

પન્નુએ વળતરની માંગ સાથે કર્યો છે દાવો

અમેરિકામાં રહીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી પન્નુએ પોતાના પર થયેલા કથિત હુમલા બદલ વળતરની માંગણી કરી છે અને તે માટે અમેરિકન કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તેના સંગઠન 'શીખ્સ ફોર જસ્ટિસ' (SFJ) પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પન્નુએ પોતાના કેસમાં આરોપ લગાવ્યો છે કે અજિત ડોભાલે RAW સાથે મળીને તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગયા મહિને પણ અમેરિકન કોર્ટે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ મારફતે ડોભાલ અને ગોયલને સમન્સ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. જેથી હવે દિલ્હીની કોર્ટના માધ્યમથી સમન્સ મોકલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત