કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો છેલ્લો સ્થાનિક આતંકી કમાન્ડર લતીફ ભટ ઠાર, ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ ભટને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ સફળ ઓપરેશન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સુરક્ષાદળોની કામગીરીની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ (JKP), ભારતીય સેના, CRPF અને ગુપ્તચર એજન્સીઓના પરસ્પર સંકલનથી ચલાવવામાં આવેલા એક ઓપરેશનમાં કુલગામ ખાતે ખીણમાં લશ્કરનો છેલ્લો સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટ માર્યો ગયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આના એક દિવસ પહેલા કુલગામમાં જ તેના અન્ય એક સાથી આતંકવાદી ઉમર નિસારને પણ ઠાર મારવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ આ સમગ્ર ઓપરેશનમાં જોવા મળેલા તાલમેલને બિરદાવતા કહ્યું કે, દેશ સુરક્ષાદળો અને ગુપ્તચર એજન્સીઓના બહાદુર જવાનોને સલામ કરે છે.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે વહેલી સવારે કુલગામ જિલ્લાના દેવસર વિસ્તારના જંગલપોરા ગામમાં ગુપ્ત માહિતીના આધારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન થયેલી અથડામણમાં લશ્કરનો ટોચનો આતંકી લતીફ ભટ માર્યો ગયો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે લતીફ ભટ અને તેનો સાથી ઉમર નિસાર ડાર ૧૧ નવેમ્બરના રોજ કુલગામમાં CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ હતા, જેમાં અર્ધલશ્કરી દળના ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
આ અગાઉ સોમવારે દક્ષિણ કાશ્મીરના લારૂ બાયપાસ વિસ્તારમાં થયેલા એક એન્કાઉન્ટરમાં ઉમર નિસાર ડાર માર્યો ગયો હતો, પરંતુ તે સમયે લતીફ ભટ ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ સઘન તપાસ હાથ ધરીને તેને ઠાર માર્યો છે.












