ઇમ્ફાલ વેસ્ટમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ: KCP સંગઠનનો એક ઉગ્રવાદી ઠાર,

મણિપુરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આજે વહેલી સવારે એક મોટી સફળતા મળી છે. મણિપુરના ઇમ્ફાલ વેસ્ટ જિલ્લામાં શુક્રવારે સવારે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણ (એન્કાઉન્ટર)માં એક ઉગ્રવાદી ઠાર મરાયો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની ટીમ પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા યુરેમ્બામ (Yurembam) વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન છુપાયેલા ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ વળતો પ્રહાર કરતા થયેલી સામસામી ગોળીબારીમાં એક ઉગ્રવાદી ઠાર મરાયો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે માર્યો ગયેલો ઉગ્રવાદી પ્રતિબંધિત સંગઠન 'કાંગલેઇપાક કમ્યુનિસ્ટ પાર્ટી' (KCP) ના એક જૂથ સાથે સંકળાયેલો હતો. આ ઉપરાંત, સુરક્ષા દળોએ આ પ્રતિબંધિત સંગઠનના અન્ય કેટલાક ઉગ્રવાદીઓની ધરપકડ પણ કરી છે અને આવા તત્વો સામે લાંબા સમયથી સઘન કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે મે 2023માં મણિપુરની ખીણમાં રહેતા મૈતેઈ અને પહાડી વિસ્તારોમાં રહેતા કુકી સમુદાયો વચ્ચે જાતીય હિંસા ફાટી નીકળ્યા બાદથી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 306 લોકોના મોત થયા છે, જ્યારે 49 લોકો હજુ પણ લાપતા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. આ ઉપરાંત, આ વર્ષે ફેબ્રુઆરીથી મણિપુરના પહાડી જિલ્લાઓમાં કુકી અને નગા સમુદાયો વચ્ચે થયેલી અથડામણોમાં પણ ઓછામાં ઓછા 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.













