ખાટૂ શ્યામ મંદિર પાસે ભીષણ આગ! રેસ્ટોરન્ટમાં ચાર ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરી, આતશબાજી પર શંકા

રાજસ્થાનના સીકરમાં આવેલા પ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિર પાસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મંદિરના એક્ઝિટ ગેટ નજીક આવેલી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. ખાટૂ શ્યામજીના જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી. આગ લાગતાં જ ભક્તોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આશંકા છે કે આતશબાજીના કારણે રેસ્ટોરન્ટમાં આગ લાગી હોઈ શકે છે.
આતશબાજી પર પ્રતિબંધ છતાં ફોડવામાં આવ્યા ફટાકડા
હકીકતમાં, ખાટૂ શ્યામજીના જન્મદિવસ પહેલાં સમગ્ર વિસ્તારમાં આતશબાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, આ પ્રતિબંધ છતાં લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હતા અને અહીં-તહીં ફટાકડા ફેંક્યા હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં આતશબાજીને આગ લાગવાનું એક સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
રેસ્ટોરન્ટમાં આગ ફેલાતાં ચાર ગેસ સિલિન્ડરમાં જોરદાર ધડાકા
એક અહેવાલ મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં સમગ્ર રેસ્ટોરન્ટ તેની લપેટમાં આવી ગયું હતું. આગની ઊંચી જ્વાળાઓ દૂરથી પણ જોઈ શકાતી હતી. આગ ફેલાયા બાદ રેસ્ટોરન્ટની અંદર રાખવામાં આવેલા બે ડઝનથી વધુ ગેસ સિલિન્ડરમાંથી ચાર સિલિન્ડરમાં જોરદાર ધડાકા થયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મંદિર સમિતિ અને વહીવટી તંત્રની ફાયર બ્રિગેડની ગાડીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.














