મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

એક પતિ અને ત્રણ પત્નીઓ! કરવાચોથ પર પહેલાં પૂજા કોણ કરશે તેને લઈ રસ્તા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા

એક પતિ અને ત્રણ પત્નીઓ! કરવાચોથ પર પહેલાં પૂજા કોણ કરશે તેને લઈ રસ્તા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં કરવાચોથના તહેવાર દરમિયાન એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની ત્રણ પત્નીઓ વચ્ચે પહેલાં પતિની પૂજા કોણ કરશે તેને લઈને વિવાદ થયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે ત્રણેય મહિલાઓ વચ્ચે રસ્તા પર જ બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ આ પારિવારિક વિવાદ પોલીસ ચોકી સુધી પહોંચ્યો હતો. જોકે, લાંબી સમજાવટ બાદ ત્રણેય મહિલાઓએ પોતે જ સમાધાન કરી લીધું હતું. અંતે ત્રણેયે સાથે જ વ્રત રાખવા અને પૂજા કરવાની સહમતિ દર્શાવી હતી.

કરવાચોથની પૂજાને લઈને ત્રણ પત્નીઓ વચ્ચે વિવાદ

મળતી માહિતી પ્રમાણે, કાનપુરના બિઠૂર વિસ્તારના એક ગામમાં રહેતા યુવકનાં લગ્ન થયાં હતાં. લગ્નનાં ઘણાં વર્ષો સુધી પહેલી પત્નીને સંતાન ન થતાં તેણે પોતાની જ એક સહેલી સાથે પતિનાં બીજા લગ્ન કરાવ્યાં હતાં. બીજી પત્નીથી યુવકને એક દીકરીનો જન્મ થયો હતો.

આ દરમિયાન યુવકે ત્રીજા લગ્ન પણ કરી લીધા હતા. કરવાચોથના દિવસે ત્રીજી પત્ની પણ ઘરે પહોંચી હતી. તે પતિ સાથે સૌથી પહેલાં પૂજા કરવાની માગણી કરવા લાગી હતી. આ વાતને લઈને ત્રણેય મહિલાઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

પોલીસ ચોકી સુધી પહોંચ્યો પારિવારિક ઝઘડો

જોતજોતામાં મામલો એટલો વધી ગયો કે યુવકની બે પત્નીઓ મંધના પોલીસ ચોકી પહોંચી હતી. ત્રીજી પત્ની પોલીસ ચોકીની બહાર જ ઊભી રહી હતી. પોલીસની હાજરીમાં ત્રણેય વચ્ચે લાંબી ચર્ચા અને બોલાચાલી થઈ હતી.

પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને મહિલાઓ પોલીસ ચોકીમાંથી બહાર આવી હતી, પરંતુ બહાર નીકળતાં જ ફરી એકવાર ત્રણેય વચ્ચે રસ્તા પર વિવાદ શરૂ થઈ ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, અંતે ત્રણેય મહિલાઓએ પોતે જ સમાધાન કરી લીધું હતું. ત્રણેયે સાથે વ્રત રાખવા અને પૂજા કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, બિઠૂર પોલીસ ઇન્સ્પેક્ટરે આ ચોક્કસ ઘટનાની જાણકારી હોવાનો ઇનકાર કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પ્રેમિકા પણ કરવાચોથનું વ્રત રાખીને પોલીસ ચોકી પહોંચી

આ જ વિસ્તારમાં કરવાચોથના દિવસે બીજી એક રસપ્રદ ઘટના પણ સામે આવી હતી. એક યુવતી પોતાના પ્રેમી સાથે મંધના પોલીસ ચોકી પહોંચી હતી. યુવતીએ પ્રેમીના ઘરે જઈને જ વ્રત ખોલવાની જીદ પકડી હતી. પ્રેમીએ પણ યુવતીને ઘરે લઈ જવા માટે પોલીસ સુરક્ષાની માગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, બંને લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતાં. શરૂઆતમાં સગીર હોવાને કારણે પરિવારજનો તેમના સંબંધનો વિરોધ કરતા હતા. તેથી બંને ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યાં હતાં. યુવક પુખ્ત વયનો થયા બાદ તેણે પરિવાર સમક્ષ યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ પરિવારજનોએ શરૂઆતમાં ના પાડી હતી.

આખરે પોલીસ ચોકીમાં કલાકો સુધી ચાલેલી ચર્ચા બાદ યુવકના પરિવારજનો લગ્ન માટે તૈયાર થયા હતા. ત્યારબાદ યુવતી પ્રેમીના ઘરે ગઈ હતી અને ત્યાં જ પોતાનું કરવાચોથનું વ્રત ખોલ્યું હતું.

આ સમાચાર શેર કરો