મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

કેનેડામાં વાર્ષિક ₹1.3 કરોડની નોકરી છોડી દંપતી હિમાચલના પહાડોમાં વસ્યું, કારણ જાણી ચોંકી જશો

કેનેડામાં વાર્ષિક ₹1.3 કરોડની નોકરી છોડી દંપતી હિમાચલના પહાડોમાં વસ્યું, કારણ જાણી ચોંકી જશો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિદેશમાં લાખો રૂપિયાનો પગાર, આરામદાયક જીવન અને સ્ટેટસ હોવા છતાં માનસિક શાંતિ અને પરિવાર માટે લોકો મોટા નિર્ણયો લેતા અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો છતાં પ્રેરણાદાયી નિર્ણય ભારતીય દંપતી દીપ્તિ નાયર અને ધનંજય મોરેએ લીધો છે. કેનેડામાં વાર્ષિક આશરે ₹1.3 કરોડનું સંયુક્ત પેકેજ ધરાવતી નોકરી છોડીને આ કપલ હિમાચલ પ્રદેશના બીર (Bir) ખાતે સ્થાયી થયું છે અને ત્યાં પોતાનો હોમસ્ટે બિઝનેસ શરૂ કર્યો છે.

પરિવાર અને શાંતિ માટે લીધો નિર્ણય

વર્ષ 2020માં કેનેડા ગયેલા ધનંજય ટેક સેલ્સમાં અને દીપ્તિ એક અમેરિકન એડવર્ટાઇઝિંગ એજન્સીમાં માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરતાં હતાં. ચાર વર્ષમાં તેમણે સારી બચત કરી લીધી હતી. જોકે, મુંબઈમાં રહેતા 70 વર્ષથી વધુ વયના વૃદ્ધ માતા-પિતાની નજીક રહેવાની ઇચ્છા અને પરંપરાગત કોર્પોરેટ લાઈફની ભાગદોડમાંથી મુક્ત થવાના વિચાર સાથે તેમણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. કોવિડ દરમિયાન હિમાચલના બીરની મુલાકાત લીધા બાદ તેમને ત્યાંનું શાંત વાતાવરણ ગમી ગયું હતું, જેથી મોટા શહેરને બદલે તેમણે પહાડોમાં વસવાનું પસંદ કર્યું.

₹10 લાખના રોકાણથી શરૂ કર્યો હોમસ્ટે

ભારતમાં નવી શરૂઆત કરવા માટે દંપતીએ આશરે ₹22 લાખનું ફંડ અલગ રાખ્યું હતું. જેમાંથી આશરે ₹10 લાખનું રોકાણ કરીને તેમણે બીરમાં 'Aahista Stays' નામે પોતાનો હોમસ્ટે બિઝનેસ શરૂ કર્યો. દીપ્તિના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનામાં હોમસ્ટેમાંથી આશરે ₹7 લાખનું રેવન્યુ જનરેટ થયું છે, જે હાલ પૂરતું તેમના ઘરખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.

આવક માટે વૈકલ્પિક રસ્તા પણ ચાલુ રાખ્યા

કરોડોની નોકરી છોડ્યા બાદ પણ દંપતીએ સંપૂર્ણપણે આર્થિક જોખમ નથી લીધું. ધનંજય હાલમાં એક અમેરિકન કંપની સાથે રિમોટ (વર્ક ફ્રોમ હોમ) કામ કરી રહ્યા છે, જ્યારે દીપ્તિ કન્ટેન્ટ ક્રિએશન અને અન્ય ક્રિએટિવ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. પહાડોમાં રહેવાથી તેમના જીવનનો ખર્ચ અને માનસિક તણાવ ખૂબ ઘટી ગયો છે. આ દંપતીની સફર દર્શાવે છે કે યોગ્ય નાણાકીય આયોજન, પૂરતી બચત અને વૈકલ્પિક આવકના સ્ત્રોત હોય તો કોર્પોરેટ નોકરી છોડીને પણ મનપસંદ જીવન જીવી શકાય છે.

આ સમાચાર શેર કરો