વેપારીઓને ધમકી, ડીલરો પર ફાયરિંગ! કેનેડામાં ખંડણીનો મોટો ખેલ, ભારતીય સહિત 5 પોલીસના સકંજામાં

કેનેડામાં ભારતીય મૂળના વેપારીઓને નિશાન બનાવી ખંડણી (Extortion) વસૂલવાના કથિત નેટવર્ક સામે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)એ મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા એક ભારતીય નાગરિક સહિત ભારતીય મૂળના ચાર કેનેડિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે ખંડણી, ફાયરિંગ, આગચંપી અને વિસ્ફોટક પદાર્થોના ઉપયોગ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
એક વર્ષથી ચાલી રહી હતી તપાસ
RCMPના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ જૂન 2025માં શરૂ થઈ હતી. ભારતીય મૂળના કેટલાક વેપારીઓને ખંડણી માટે ધમકીઓ મળ્યા બાદ તપાસ એજન્સી સક્રિય થઈ હતી. આ દરમિયાન એક ઓટો ડીલરશિપ (Auto Dealership)ના સહ-માલિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીઓએ મોટી રકમની ખંડણી માંગવામાં આવી હોવાની માહિતી પોલીસને આપી હતી.
ડીલરશિપ પર ફાયરિંગ અને આગચંપી
પોલીસના જણાવ્યા પ્રમાણે મામલો માત્ર ધમકી સુધી સીમિત રહ્યો નહોતો. સરી અને લેંગ્લી વિસ્તારમાં આવેલી ડીલરશિપને બે વખત નિશાન બનાવવામાં આવી હતી. એક ઘટનામાં આગચંપી કરવામાં આવી હતી, જ્યારે બીજી ઘટનામાં ફાયરિંગ થયું હતું. RCMPનું કહેવું છે કે આ ઘટનાઓથી ખંડણીના કથિત પ્રયાસ પાછળ હિંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
એક ભારતીય નાગરિકની પણ ધરપકડ
ધરપકડ કરાયેલા લોકોમાં સાકેત સિંગલા નામનો ભારતીય નાગરિક પણ સામેલ છે. તેની સામે ખંડણી અને ફાયરિંગ ઉપરાંત આગ અથવા વિસ્ફોટ દ્વારા સંપત્તિને નુકસાન પહોંચાડવા અને વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સિંગલાની 1 ઓક્ટોબર 2026ના રોજ ટોરોન્ટો પહોંચ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય આરોપીઓ સામે પણ ખંડણી, ગેરકાયદે હથિયાર ટ્રાન્સફર, આગચંપી, ફાયરિંગ અને સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા આરોપો છે.
હથિયારો અને ડ્રગ્સ પણ મળ્યા
RCMPની કાર્યવાહી દરમિયાન ચાર હથિયારો, મોટી સંખ્યામાં દારૂગોળો અને મેગેઝિન ઉપરાંત શંકાસ્પદ ફેન્ટેનાઇલ, કોકેઈન અને અફીણ જેવા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી Project E-PURSUANCE હેઠળ કરવામાં આવી હતી.
188 લોકો સામે રિમૂવલ ઓર્ડર
કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના જણાવ્યા અનુસાર 3 સપ્ટેમ્બર 2026 સુધીમાં ભારતીય ગેંગ સાથે કથિત સંબંધ ધરાવતા 188 લોકો સામે રિમૂવલ ઓર્ડર (Removal Orders) જારી કરવામાં આવ્યા છે. તેમાંથી 111 લોકોને કેનેડામાંથી બહાર મોકલવામાં આવ્યા છે. કેનેડાની તપાસ અને ઇમિગ્રેશન એજન્સીઓ હવે ખંડણી, હથિયારો, ફાયરિંગ અને સંગઠિત અપરાધ (Organized Crime) સાથે જોડાયેલા નેટવર્ક સામે કાર્યવાહી વધુ કડક બનાવી રહી છે.

