હવે UPI પેમેન્ટના આધારે પણ મળશે લોન! નાના વેપારીઓને SBIની મોટી ભેટ

ભારતીય સ્ટેટ બેંક (SBI) લોન આપવા માટે એક નવી સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ હેઠળ લોનની પાત્રતાનું આકલન UPI ટ્રાન્ઝેક્શનના આંકડાઓના આધારે કરવામાં આવશે. SBIના વરિષ્ઠ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર (MD) અશ્વિની કુમાર તિવારીએ આ માહિતી આપી છે.
કયા ગ્રાહકો માટે છે આ સુવિધા
લોન આપવા માટેની આ સુવિધા નાના વેપારીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે જો કોઈ નાના વ્યવસાયમાં નિયમિતપણે વેચાણ થઈ રહ્યું છે અને તેની ચૂકવણી UPI દ્વારા થઈ રહી છે, તો આ ડિજિટલ લેવડ-દેવડને બિઝનેસના વેચાણના સંકેત તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. SBI આ જ દિશામાં એક નવું UPI આધારિત સોલ્યુશન વિકસાવી રહી છે, જેથી GST રજીસ્ટ્રેશન ન ધરાવતા વેપારીઓની લોન લેવાની ક્ષમતાનું આકલન કરી શકાશે.
તિવારીએ જણાવ્યું કે GST હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને લોન આપવાની મુંઝવણનો ઉકેલ બેંક લાવી ચૂકી છે અને આવા કેસમાં 10 મિનિટની અંદર લોન આપવાની સ્થિતિમાં છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 18 મહિનામાં બેંકે GST અને PANના આંકડાઓનો ઉપયોગ કરીને એક લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. જોકે, GST નંબર ન ધરાવતા વેપારીઓના કિસ્સામાં મુશ્કેલીઓ પડે છે અને આવી સ્થિતિમાં વૈકલ્પિક આંકડાઓ મહત્વપૂર્ણ બની જાય છે.
UPI પેમેન્ટ સાથે જોડાયેલા મુદ્દા પર તિવારીએ કહ્યું કે લોન આપનાર બેંક પાસે હંમેશા એ સ્પષ્ટ માહિતી નથી હોતી કે પૈસા ક્યાં જઈ રહ્યા છે. જોકે, નાણાં મેળવનાર બેંક અને ટ્રાન્ઝેક્શનમાં મદદ કરનાર થર્ડ પાર્ટી પેમેન્ટ એપ પાસે આ માહિતી હોય છે. તેમણે કહ્યું કે ગ્રાહકની સંમતિથી બેંક UPI પેમેન્ટ અને ટેલિકોમ કંપનીઓ પાસેથી મળતા આંકડા જેવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરતા મોડેલ દ્વારા લોનની પાત્રતા ચકાસી શકે છે. તિવારીએ જણાવ્યું કે SBIને આશા છે કે આ નવા આંકડાઓના આધારે નાના વેપારીઓને લોન ઉપલબ્ધ કરાવી શકાશે. આનાથી નાના વેપારીઓની ધિરાણ (લોન) સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે.
જો આ સિસ્ટમ સફળ રહેશે તો GST રજીસ્ટ્રેશન ન ધરાવતા નાના દુકાનદારો, વેપારીઓ અને અન્ય નાના કારોબારીઓ માટે બેંકમાંથી લોન લેવી સરળ બની શકે છે. આનો ફાયદો એવા વેપારીઓને સૌથી વધુ મળી શકે છે, જેમનો વ્યવસાય નિયમિત છે અને જેમની પાસે UPI દ્વારા થતા ડિજિટલ પેમેન્ટનો સારો રેકોર્ડ ઉપલબ્ધ છે.

