ટાટા ટ્રસ્ટ્સમાં મોટો વિવાદ; રતન ટાટાના નિકટના સાથી મહેલી મિસ્ત્રીએ ટાટા ટ્રસ્ટ્સમાંથી પોતાની હકાલપટ્ટીને પડકારી

ટાટા ગ્રૂપની સર્વોચ્ચ સંસ્થા ગણાતા ટાટા ટ્રસ્ટ્સમાં આંતરિક વિવાદ ફરી એકવાર ચર્ચાની એરણે ચડ્યો છે. ભૂતપૂર્વ ટ્રસ્ટી મહેલી મિસ્ત્રીએ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT)માંથી પોતાને હટાવવાના નિર્ણયને કાયદાકીય રીતે પડકાર્યો છે. મુંબઈના ડેપ્યુટી ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરતાં મિસ્ત્રીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, વેણુ શ્રીનિવાસનનો ટ્રસ્ટી તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં તેમણે ગેરકાયદે રીતે મિસ્ત્રીની પુનઃનિમણૂક વિરુદ્ધ મતદાન કર્યું હતું, જેના આધારે આ સમગ્ર નિર્ણય જ રદબાતલ ઠરે છે.
ટાટા ટ્રસ્ટ્સના ભૂતપૂર્વ ટ્રસ્ટી મહેલી મિસ્ત્રીએ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT)માંથી પોતાને હટાવવાના નિર્ણયને કાયદાકીય રીતે પડકાર્યો છે. તેમણે દલીલ કરી છે કે વેણુ શ્રીનિવાસનની ટ્રસ્ટી તરીકેની મુદત પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં તેમણે મિસ્ત્રીની પુનઃનિમણૂક વિરુદ્ધ મતદાન કર્યું હતું.
ગૃહ મુંબઈ ક્ષેત્રના ડેપ્યુટી ચેરિટી કમિશનર સમક્ષ ગુરુવારે દાખલ કરેલા પોતાના પ્રત્યુત્તર (રિજોઇન્ડર)માં મહેલી મિસ્ત્રીએ SDTT દ્વારા તેમની વિદાય નોંધવા માટે દાખલ કરાયેલા ચેન્જ રિપોર્ટનો ઉગ્ર વિરોધ કર્યો છે. મિસ્ત્રીનું કહેવું છે કે ટ્રસ્ટના પોતાના જવાબે પણ સ્વીકાર્યું છે કે જ્યારે શ્રીનિવાસને મતદાન કર્યું ત્યારે તેઓ કાયદેસર રીતે ટ્રસ્ટી નહોતા.
રિજોઇન્ડરમાં જણાવ્યા અનુસાર, વેણુ શ્રીનિવાસનનો કાર્યકાળ 23 ઓક્ટોબર, 2025ના રોજ પૂરો થયો હતો. મિસ્ત્રીની પુનઃનિમણૂક અંગેનું સર્ક્યુલર તે જ દિવસે બપોરે 3:51 વાગ્યે—એટલે કે તેમનો કાર્યકાળ પૂરો થવાના ગણતરીના કલાકો પહેલાં—તેમને મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીનિવાસને 28 ઓક્ટોબર, 2025ના રોજ આ દરખાસ્તની વિરુદ્ધમાં મત આપ્યો હતો, જ્યારે ટ્રસ્ટી તરીકે તેમની પુનઃનિમણૂક છેક 12 નવેમ્બર, 2025થી અમલમાં આવી હતી.
આ મામલે SDTTએ સ્પષ્ટતા કરી છે કે શ્રીનિવાસનનો મત ગણતરીમાં લેવામાં આવ્યો નહોતો. સર્ક્યુલરમાં ફૂટનોટ મૂકીને જણાવાયું હતું કે તેઓ મતદાન કરવા માટે હકદાર ન હોવાથી તે એન્ટ્રીને રદ ગણવી. જોકે, મિસ્ત્રીની દલીલ છે કે મતદાન બાદ તેને રદબાતલ દર્શાવવાથી ગેરકાયદેસરતા દૂર થતી નથી. તેમણે જણાવ્યું કે આ નિર્ણય એવી બોડી દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં એક બિન-ટ્રસ્ટી સામેલ હતા, જેના કારણે સમગ્ર ઠરાવ કાયદાની દ્રષ્ટિએ શૂન્ય અને અમાન્ય બની જાય છે.
મિસ્ત્રીએ ટ્રસ્ટની પોતાની જ કાનૂની દલીલ તેની સામે ઊભી કરી છે. SDTTએ મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટની કલમ 30A(1)નો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે 28 ઓક્ટોબર, 2025ના રોજ કાર્યકાળ પૂરો થતાં જ મિસ્ત્રી આપોઆપ ટ્રસ્ટી પદેથી મુક્ત થઈ ગયા હતા. તેના પ્રત્યુત્તરમાં મિસ્ત્રીએ જણાવ્યું કે આ જ કલમ મુજબ મુદત પૂરી થયા પછી વેણુ શ્રીનિવાસન પણ ટ્રસ્ટી તરીકે કોઈ કાર્યવાહી કરવા માટે પાત્ર રહેતા નહોતા.
રિજોઇન્ડરમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે શ્રીનિવાસનની વિદાય અને પુનઃનિમણૂકની જાણ ચેરિટી કમિશનરને છેક જાન્યુઆરી 2026માં એકસાથે કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને મિસ્ત્રીએ માંગ કરી છે કે 24 ઓક્ટોબરથી 11 નવેમ્બર, 2025 વચ્ચે શ્રીનિવાસને જે પણ નિર્ણયોમાં ભાગ લીધો હોય તે તમામ નિર્ણયોની વિગતો SDTT જાહેર કરે.
મહેલી મિસ્ત્રીએ 17 ઓક્ટોબર, 2024ના ટ્રસ્ટીઓના એક ઠરાવનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં જોગવાઈ કરાઈ હતી કે ટ્રસ્ટીઓની પુનઃનિમણૂક કોઈપણ સમયમર્યાદા વિના કરવામાં આવશે. તેમનો આરોપ છે કે આ નિયમ નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસનને લાગુ કરવામાં આવ્યો, પરંતુ તેમની સાથે ભેદભાવ દાખવીને તેનો અમલ ન કરાયો. મિસ્ત્રીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ટાટા ગ્રૂપની કંપનીઓ તરફથી કેટલાક ટ્રસ્ટીઓને મળતા કમિશન સામે અવાજ ઉઠાવવા બદલ જ તેમને ટ્રસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે.
આ સાથે જ, તેમણે આજ ઓથોરિટી સમક્ષ એક અલગ અરજી દાખલ કરીને ટ્રસ્ટીઓને મળેલા કમિશન અને સંબંધિત પક્ષકારો સાથેના વ્યવહારો (રિલેટેડ-પાર્ટી મેટર્સ) મામલે SDTT સામે વિસ્તૃત તપાસની માંગ કરી છે.









