ટાટા સન્સમાં પુનર્ગઠન પર ચર્ચાની માંગ: નોએલ ટાટાએ SP ગ્રૂપ માટે ₹૨૫,૦૦૦ કરોડના બાયઆઉટનો પ્રસ્તાવ મૂક્યો

ટાટા સન્સના સંભવિત પબ્લિક લિસ્ટિંગ (IPO)ને ટાળવા અને દેવાના બોજ હેઠળ દબાયેલા શાપૂરજી પાલોનજી (SP) ગ્રૂપ માટે ₹૨૫,૦૦૦ કરોડની નાણાકીય લિક્વિડિટી ઊભી કરવા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ એક મોટો દાવ ખેલ્યો છે. કંપનીના શેરબજારમાં લિસ્ટિંગ સામે ઊભી થયેલી નિયમનકારી મડાગાંઠનો ઉકેલ લાવવા માટે તેમણે ટાટા સન્સના બોર્ડ સમક્ષ એક વ્યાપક વ્યૂહાત્મક પુનર્ગઠન યોજના રજૂ કરી છે. આગામી બોર્ડ મીટિંગમાં આ યોજના પર વિસ્તૃત ચર્ચા અને મતદાન કરાવવાની સત્તાવાર દરખાસ્ત મૂકાતાં, દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથમાં કોર્પોરેટ ગવર્નન્સ અને ભાવિ વ્યૂહરચનાને લઈને હલચલ તેજ બની છે.
ટાટા સન્સમાં નિયંત્રણકારી હિસ્સેદારી ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખોપાધ્યાયને પત્રો લખીને આગામી ૨૬ નવેમ્બરે યોજાનારી બોર્ડ મીટિંગના એજન્ડામાં આ મુદ્દાઓનો સમાવેશ કરવા જણાવ્યું છે.
મીઠાથી લઈને સેમિકન્ડક્ટર સુધી વિસ્તરેલા સદી જૂના બિઝનેસ ગ્રૂપમાં ચાલી રહેલી મડાગાંઠનો ઉકેલ લાવવા માટે રવિવારે નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન વચ્ચે બેઠક યોજાઈ હતી, જે બાદ આ પત્રો લખવામાં આવ્યા છે. નોએલ ટાટા ચંદ્રશેખરનને સંપૂર્ણ પાંચ વર્ષની મુદત આપવાના વિરોધમાં છે, પરંતુ ૧૭ સપ્ટેમ્બરના રોજ મળેલી ટાટા સન્સની છેલ્લી બોર્ડ મીટિંગમાં બોર્ડે તેમના વિરોધને ફગાવી દીધો હતો. ચંદ્રશેખરન અને નોએલ વચ્ચેની આ વાતચીત પણ મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી હોય તેવું જણાય છે.
કંપની સેક્રેટરીને લખેલા પત્રમાં નોએલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ટાટા સન્સને મોકલાયેલા પત્રનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સેન્ટ્રલ બેંકે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC) તરીકેનો દરજ્જો છોડવાની ટાટા સન્સની અરજી ફગાવી દીધી હતી અને કંપનીને પબ્લિક લિસ્ટિંગ તરફ આગળ વધવા નિર્દેશ આપ્યો હતો. તેમણે ૨૮ સપ્ટેમ્બરે ટાટા ટ્રસ્ટ્સ તરફથી મોકલાયેલા પત્રનો પણ સંદર્ભ આપ્યો હતો, જેમાં ટાટા સન્સ અને તેના ડિરેક્ટરોને કંપનીના વ્યૂહાત્મક પુનર્ગઠન પર વિચાર કરવા જણાવાયું હતું.
ટાટા સન્સમાં આશરે ૬૬ ટકા હિસ્સો ધરાવતા ટ્રસ્ટ્સ વતી લખાયેલા ૨૮ સપ્ટેમ્બરના પત્રમાં નોએલ ટાટાએ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સનું ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે વિલીનીકરણ (મર્જર) કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નોએલ અને ટ્રસ્ટ્સના જણાવ્યા અનુસાર, આ પુનર્ગઠનથી ટાટા સન્સ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની રહેવા ઉપરાંત તેના અગાઉના ઓપરેટિંગ મોડલ પર પાછી ફરી શકશે, જ્યાં તેની પાસે પોતાની કામગીરી અને આવક પણ હશે. ૨૮ સપ્ટેમ્બરના પત્ર મુજબ, આ પગલું આરબીઆઈ દ્વારા ૨૦૦૪ પછી ટાટા સન્સને અપાયેલા “નોન-બેન્કિંગ, નોન-ફાઇનાન્સિયલ કંપની”ના અગાઉના વર્ગીકરણને પણ અનુરૂપ રહેશે. જોકે, ટાટા સન્સના વાઇસ-ચેરમેન અને ટાટા ટ્રસ્ટ્સના બે મુખ્ય ઘટકો પૈકીના સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના સભ્ય વેણુ શ્રીનિવાસને આ પ્રસ્તાવની વધુ ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી હતી.
બીજી તરફ, સોમવારે લખેલા અન્ય પત્રમાં નોએલ ટાટાએ ટાટા સન્સમાં લગભગ ૧૮ ટકા હિસ્સો ધરાવતા દેવાદાર એસપી ગ્રૂપને નાણાકીય તરલતા પૂરી પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ૧૭ સપ્ટેમ્બરની બોર્ડ મીટિંગમાં નોએલે એસપી ગ્રૂપને ₹૨૫,૦૦૦ કરોડની તરલતા આપવા માટે ટાટા સન્સ માટે સિલેક્ટિવ કેપિટલ રિડક્શન પ્લાન (પસંદગીયુક્ત મૂડી ઘટાડાની યોજના) પ્રસ્તાવિત કરી હતી. ચાલુ સપ્તાહની શરૂઆતમાં મુખોપાધ્યાયને લખેલા પત્રમાં ટાટાએ આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા અને મતદાન કરવાની દરખાસ્ત કરી છે.
નોએલની યોજના મુજબ, એસપી ગ્રૂપ પાસેથી શેર બાયબેક (શેર ખરીદી)ની પ્રક્રિયા ૧૮ મહિના દરમિયાન બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. ટાટા સન્સમાં એસપી ગ્રૂપના એટલા શેર રદ કરવામાં આવશે કે જેથી ₹૨૫,૦૦૦ કરોડની રકમ ઊભી થઈ શકે. હવે જોવાનું એ રહેશે કે આ તમામ મુદ્દાઓ ૨૬ નવેમ્બરે મળનારી ટાટા સન્સ બોર્ડની બેઠકના સત્તાવાર એજન્ડામાં સામેલ થાય છે કે નહીં.
ટ્રેન્ટ (Trent)ના શેરમાં ઉછાળો
બીજી બાજુ, ટાટા ગ્રૂપની કંપની ટ્રેન્ટ લિમિટેડના નફામાં ૨૫ ટકાનો વધારો નોંધાતાં શુક્રવારે તેના શેરમાં ૫ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ (BSE) પર કંપનીનો શેર ૫.૨૦ ટકા વધીને ₹૩,૦૧૫.૧૦ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ (NSE) પર શેર ૫.૪૩ ટકા ઊછળીને ₹૩,૦૧૭.૩૦ પર બંધ રહ્યો હતો.










