24 કેરેટની શુદ્ધતામાં પણ પાસ થઈ જાય છે ભેળસેળ? સોનામાં 'રેનિયમ પાઉડર'ના ઉપયોગનો દાવો

દેશમાં સોનાની ખરીદી કરતા ગ્રાહકો માટે એક અત્યંત ચોંકાવનારા અને આંખ ઉઘાડનારા સમાચાર સામે આવ્યા છે. ચીનથી મંગાવવામાં આવી રહેલા 'રેનિયમ પાઉડર' (Rhenium Powder) નામના એક ખાસ કેમિકલ પાઉડરનો ઉપયોગ કરીને સોનામાં મોટા પાયે ભેળસેળનું નવું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો દાવો કરાયો છે. આ પાઉડર સોનાનું વજન વધારી દે છે અને સૌથી ગંભીર બાબત એ છે કે સામાન્ય તપાસ મશીનો તેમજ સત્તાવાર હોલમાર્કિંગ સેન્ટરો પણ આ ભેળસેળ પકડવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે.
24 કેરેટ શુદ્ધતાની તપાસમાં પણ પાસ
મીડિયા રિપોર્ટના દાવા અનુસાર, ચીનના શેનઝેનમાં બેઠેલા એક એજન્ટે દાવો કર્યો છે કે તેમની કંપની રેનિયમ પાઉડર બનાવે છે અને ભારતના અનેક શહેરોમાં તેના ડીલરો સક્રિય છે. એક પ્રયોગ દરમિયાન 1 ગ્રામ રેનિયમ પાઉડરને 7.83 ગ્રામ 24 કેરેટ સોનામાં ભેળવવામાં આવ્યો હતો. આ મિશ્રણનું વજન 8.83 ગ્રામ થઈ ગયું અને ટેસ્ટિંગ મશીને આ ભેળસેળવાળા સોનાને પણ 24 કેરેટ શુદ્ધ સોના તરીકે જ બતાવ્યું હતું.
ગ્રાહકો સાથે મોટો ધોખાધડીનો ખેલ
રિપોર્ટમાં વધુમાં ખુલાસો થયો છે કે આ મિશ્રણમાં અન્ય ધાતુ ઉમેરીને 22 કેરેટના દાગીના તૈયાર કરવામાં આવ્યા હતા. હોલમાર્કિંગ સેન્ટરે પણ તેને 22 કેરેટ સોના તરીકે પ્રમાણિત કરી દીધું, પરંતુ વાસ્તવિક તપાસમાં જાણવા મળ્યું કે તેમાં સાચા સોનાની માત્રા માત્ર 81.73% જ હતી, જે વાસ્તવમાં 20 કેરેટ શુદ્ધતા બરાબર થાય છે. આમ, ગ્રાહકોને 20 કેરેટનું સોનું 22 કેરેટના ભાવે વેચીને છેતરવામાં આવી રહ્યા છે.
હોલમાર્કિંગ અને તપાસ વ્યવસ્થા પર સવાલો
આ સ્કેમે દેશની સમગ્ર હોલમાર્કિંગ વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. સીએજી (CAG) ના ડ્રાફ્ટ રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માં દેશના 81 ટકા નોંધાયેલા જ્વેલર્સનું કોઈ નિરીક્ષણ જ કરવામાં આવ્યું નહોતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી ગંભીર ભેળસેળ પકડવા માટે હવે એક્સઆરએફ (XRF) તપાસ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી જેવી આધુનિક ટેકનોલોજીની તાતી જરૂરિયાત છે.
હોલમાર્કિંગ કોડ ચકાસવો: દાગીના પર HUID (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) કોડ છે કે નહીં તેની ખાતરી કરીને જ ખરીદી કરવી.





