સ્ટારલિંકને ટક્કર આપવા અંબાણી-મિત્તલની તૈયારી

સ્ટારલિંકને ટક્કર આપવા અંબાણી-મિત્તલની તૈયારી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક (Starlink)ને ટક્કર આપવા માટે ભારતના બે અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને સુનીલ ભારતી મિત્તલ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. બંને ઉદ્યોગપતિઓ પોતાની કંપનીઓ મારફતે સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં વિસ્તરણ કરી રહ્યા છે. આ સ્પર્ધા માત્ર ઇન્ટરનેટ સેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની સંચાર વ્યવસ્થા અને વ્યૂહાત્મક સુરક્ષા સાથે પણ જોડાયેલી છે.

1600 સેટેલાઇટનું નેટવર્ક બનાવશે રિલાયન્સ

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) આશરે 1,600 સેટેલાઇટ ધરાવતા લો અર્થ ઓર્બિટ (LEO) નેટવર્ક માટે મેન્યુફેક્ચરિંગ ભાગીદારીની તકો શોધી રહી છે. આ નેટવર્કનો મુખ્ય હેતુ ભારતની કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક જરૂરિયાતો પૂરી કરવાનો છે. રિલાયન્સ ભારતીય સેટેલાઇટ ઉત્પાદકો, ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ અને મોટા ઔદ્યોગિક જૂથો સાથે ચર્ચા કરી રહી છે. કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ભંડોળ પૂરું પાડવાની પણ તૈયારીમાં છે. હાલમાં ભારતમાં દર વર્ષે 15થી ઓછા સેટેલાઇટનું ઉત્પાદન થાય છે, જ્યારે આ પ્રોજેક્ટ માટે વાર્ષિક આશરે 200 સેટેલાઇટ બનાવવાની જરૂર પડશે. રિલાયન્સ સ્થાનિક ઉત્પાદન ઉપરાંત વિદેશમાંથી પણ સેટેલાઇટ ખરીદશે. આ માટે અમેરિકાથી ઓછામાં ઓછા 400 સેટેલાઇટ આયાત કરવાની યોજના છે. યુરોપના સપ્લાયર્સનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ચીન પાસેથી ખરીદી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. કંપની સપ્ટેમ્બર 2027માં ટેસ્ટ મિશન અને 2028ની શરૂઆતમાં મોટા પાયે કામગીરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. સમગ્ર નેટવર્ક 2035 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.

જાહેરાત

સુનીલ મિત્તલની વનવેબ પર નજર

બીજી તરફ, સુનીલ ભારતી મિત્તલ યુટેલસેટ કોમ્યુનિકેશન્સની વનવેબ (OneWeb) સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાને સમર્થન આપી રહ્યા છે. વનવેબ પાસે હાલમાં આશરે 650 સેટેલાઇટ છે. તેનો હેતુ અમેરિકા અને ચીન પર નિર્ભરતા ઘટાડીને વૈશ્વિક સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક ઊભું કરવાનો છે. ભારતી એરટેલે વર્ષ 2015માં વનવેબમાં પ્રારંભિક રોકાણ કર્યું હતું. ત્યારબાદ 2020માં બ્રિટિશ સરકાર સાથેના એક અબજ ડોલરના રેસ્ક્યૂ પેકેજમાં ભાગ લઈને પોતાનો હિસ્સો વધાર્યો હતો. કંપનીએ વધુ 500 મિલિયન ડોલરનું રોકાણ પણ કર્યું હતું.

સ્ટારલિંક હજુ પણ ઘણું આગળ

સેટેલાઇટની સંખ્યા અને ગ્રાહકોની દૃષ્ટિએ સ્ટારલિંક હાલમાં બંને ભારતીય કંપનીઓ કરતાં ઘણી આગળ છે. સ્ટારલિંક પાસે 10,000થી વધુ સેટેલાઇટ છે અને વિશ્વભરમાં ઓછામાં ઓછા 1.36 કરોડ ગ્રાહકો તેની સેવા મેળવી રહ્યા છે. આ ક્ષેત્રમાં એમેઝોન (Amazon) પણ હજારો સેટેલાઇટનું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, સેટેલાઇટ ઇન્ટરનેટથી દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાની સાથે સંરક્ષણ અને લશ્કરી કામગીરીમાં પણ મદદ મળશે. આવી સ્થિતિમાં ભારત માટે સ્વદેશી સેટેલાઇટ નેટવર્ક વિકસાવવું વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત