નશામાં ધૂત કારચાલકનો આતંક! બાઈક સવારને ટક્કર મારી, પાર્કિંગમાં અનેક વાહનો કચડ્યાં

નશામાં ધૂત કારચાલકનો આતંક! બાઈક સવારને ટક્કર મારી, પાર્કિંગમાં અનેક વાહનો કચડ્યાં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા નરોડામાં સોમવારે (16 નવેમ્બર) રાત્રે નશામાં ધૂત કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. દારૂના નશામાં ચકચૂર બનેલા 27 વર્ષીય કાર ચાલકે રસ્તા પર મોતની સવારી ખેલી અકસ્માતોની હારમાળા સર્જી હતી. પૂરપાટ ઝડપે અને બેફામ રીતે કાર હંકારીને આ નશાખોર ચાલકે પેટ્રોલ પંપ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ ગંભીર અકસ્માતમાં એક બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટના બાદ એકત્ર થયેલા સ્થાનિક લોકોએ આરોપી ચાલકને ઝડપી પાડી G ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો.

પેટ્રોલ પંપથી લઈ વિઠ્ઠલ પ્લાઝા સુધી મચાવ્યો આતંક

જાહેરાત

મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે આશરે 9 વાગ્યા આસપાસ 27 વર્ષીય યુવક દારૂના નશામાં પોતાની કાર લઈને નરોડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને પૂર ઝડપે કાર હંકારી સૌપ્રથમ નરોડા GEB પાસે આવેલા પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા મોટર સાઈકલ ચાલકને ટક્કર મારી હતી. જેમાં મોટર સાઈકલ ચાલકને ઈજાઓ પહોંચી હતી.

પાર્કિંગમાં ઊભેલા વાહનોનો કચ્ચરઘાણ વળ્યો

એક અકસ્માત સર્જ્યા બાદ પણ નશામાં ભાન ભૂલેલા યુવકે કાર ઊભી રાખવાને બદલે વધુ પૂરપાટ ઝડપે ભગાવી હતી અને હંસપુરા ખાતે આવેલા ખાનગી પ્લાઝાના પાર્કિંગમાં ઘૂસાડી દીધી હતી. અહીં પાર્ક કરેલા વાહનોને કાર ચાલકે અડફેટે લીધા હતા. સદનસીબે એ સમયે પાર્કિંગમાં કોઈ ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. જોકે કાર અને બાઈક સહિતના વાહનોમાં અંદાજે રૂ. 5 લાખનું ભારે નુકસાન થવા પામ્યું છે.

લોકોએ નશાખોર ચાલકને દબોચી લીધો

રાત્રિના સમયે એક પછી એક વાહનોને અડફેટે લેવાના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ ફરિયાદી અને આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક કારને ઘેરી લીધી હતી. લોકોએ જ્યારે કારનો દરવાજો ખોલીને કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે તેના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવી રહી હતી અને તે નશાની હાલતમાં લથડિયાં ખાઈ રહ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

G ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ શહેરની G ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોના કબજામાંથી નશાખોર કાર ચાલકની અટકાયત કરી હતી અને કાર જપ્ત કરી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત