'8 લાખ પાછા આપ નહીં તો વીડિયો વાયરલ કરીશ,' પ્રેમીના બ્લેકમેઈલિંગથી પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના વસ્ત્રાપુરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ જેલમાંથી મુક્ત થઈને ઘેર પરત ફરતા એક પરણીતાએ પોતાના સંસારને બચાવવા માટે પ્રેમી સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. પરંતુ આ વાતથી ઉશ્કેરાયેલા પ્રેમીએ છેલ્લા 4 વર્ષ દરમિયાન યુવતી પાછળ ખર્ચેલા રૂ. 8 લાખનો હિસાબ કાઢીને નાણાં પરત માગ્યા હતા. એટલું જ નહીં, જો નાણાં ન મળે તો અંગત પળોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપતા ભયભીત બનેલી યુવતીએ પોતાના હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પતિ જેલમાં હોવાથી શરૂ થયા હતા સંબંધો
મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીત યુવતીના પતિની 4 વર્ષ પહેલાં એક ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પતિ જેલમાં હોવાથી યુવતી ઘરમાં એકાંત જીવન વિતાવી રહી હતી. આ જ અરસામાં તે એક યુવકના સંપર્કમાં આવી હતી, જે સમય જતાં ગાઢ પ્રેમસંબંધમાં પરિવર્તિત થયો. છેલ્લા ચાર વર્ષથી બંને અવારનવાર બહાર ફરવા જતા હતા અને આ સમયગાળા દરમિયાન પ્રેમી યુવતીની પાછળ મોટો ખર્ચ કરતો હતો.
પતિ પરત ફરતા યુવતીએ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું
સમયનું ચક્ર ફર્યું અને તાજેતરમાં જ યુવતીનો પતિ કાનૂની પ્રક્રિયા બાદ જેલમાંથી છૂટીને પોતાના ઘરે પરત ફર્યો હતો. પતિના આગમન બાદ યુવતીને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે પોતાના બરબાદ થઈ રહેલા સંસાર તથા પરિવારને બચાવવા માટે યુવક સાથે તમામ પ્રકારના સંબંધો કાપી નાખી બોલવાનું બંધ કરી દીધું હતું. અચાનક જ પ્રેમિકા દ્વારા સંબંધ તોડી નાખવામાં આવતા યુવકનું માનસિક સંતુલન બગડી ગયું હતું.
રૂ. 8 લાખનો હિસાબ માગી વીડિયો વાયરલ કરવાની ધમકી
સંબંધ તૂટવાના આઘાત અને રોષમાં આવેલા પ્રેમીએ હદ વટાવી દીધી હતી. તેણે એક કાગળ પર છેલ્લા 4 વર્ષ દરમિયાન યુવતી પાછળ ખર્ચેલા નાણાંની યાદી બનાવી અને કુલ રૂ. 8 લાખનો આંકડો મૂકીને તે રકમ તાત્કાલિક પરત ચૂકવવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ આટલી મોટી રકમ આપવાનો સ્પષ્ટ શબ્દોમાં ઈનકાર કરી દીધો હતો. જેનાથી વધુ ગુસ્સે ભરાયેલા શખ્સે યુવતીને માનસિક રીતે તોડી નાખવા માટે તેની સાથેની અંગત ક્ષણોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી.
ભય અને બદનામીના ડરથી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રેમીનું સતત બ્લેકમેઈલિંગ અને માનસિક ત્રાસ યુવતી સહન ન કરી શકી અને તેણે પોતાના હાથના કાંડા પર ચેકા મારી દીધા હતા. જોકે સદનસીબે, યુવતીની સહેલીએ 181 અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. ટીમે તાત્કાલિક યુવતીને પ્રાથમિક સારવાર અપાવી તેનું મનોબળ વધાર્યું હતું. ત્યારબાદ તે યુવકને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી લીધો હતો અને કડક શબ્દોમાં તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન અભયમની ટીમે યુવકને કાયદાકીય પાઠ ભણાવતા ચેતવણી આપી હતી કે, કોઈ પણ મહિલા કે યુવતીને આ પ્રકારે બ્લેકમેઈલ કરવી, સોશિયલ મીડિયા પર ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપવી કે બળજબરીપૂર્વક સંબંધ રાખવા માટે દબાણ કરવું તે અત્યંત ગંભીર ગુનો બને છે. આ પ્રકારના કૃત્ય બદલ તેની સામે કડક ફોજદારી કાર્યવાહી થઈ શકે છે અને તે સીધો જેલના સળિયા પાછળ જઈ શકે છે.
પોલીસ અને કાયદાકીય ડરથી યુવકનો પ્રેમનો નશો ઉતર્યો
પોલીસ અને કાયદાકીય કાર્યવાહીના ડરથી યુવકને પ્રેમનો નશો ઉતરી ગયો હતો અને તેને પોતાની ગંભીર ભૂલનું ભાન થયું હતું. તેણે તરત જ પોતાના મોબાઈલ ફોનમાંથી યુવતીના તમામ અંગત ફોટા અને વીડિયો હંમેશા માટે ડિલીટ કરી નાખ્યા હતા. તેમજ ભવિષ્યમાં ક્યારેય પણ પૈસાની લેતી-દેતી રાખવા અંગે દબાણ નહીં કરે અને ક્યારેય પણ યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.











